News Portal...

Breaking News :

રાત ગઈ બાત ગઈ... સોરી બાપુ... એક દિવસ પૂરો હવે આવતા વર્ષે સ્વછતા કરીશું

2025-10-05 11:13:49
રાત ગઈ બાત ગઈ... સોરી બાપુ... એક દિવસ પૂરો હવે આવતા વર્ષે સ્વછતા કરીશું


ગાંધીબાપુએ ક્યારેય નથી કહ્યું કે, સ્વચ્છતા એક દિવસ માટે જ રાખો. સ્વચ્છતા રોજે રોજ થવી જોઈએ
શું આ રીતે ક્યારે વડોદરા સ્વચ્છ બનશે ? રીલમા નહીં રિયલમા સ્વચ્છતા બાબતે ગંભીર બનો
ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન માટે હાથમાં ઝાડું લઈને ફોટો પડાવતા નેતાઓ બાકીના દિવસોમાં ક્યાં ખોવાઈ જાય છે?



સ્વચ્છ સ્થળોએ સફાઇ કરી સસ્તી પ્રસિદ્ધિ લેતાં નેતાઓ, ખરેખર જ્યાં ગંદકી છે તેની સફાઇ માટે તસ્દી જ લેતાં નથી
શહેરમાં તાજેતરમાં જ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ગત તા. 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવા ઝાડૂ લઇને પાલિકાના અધિકારીઓ, નેતાઓ અને કાઉન્સિલરો સ્વચ્છતા અભિયાન દરમિયાન હાથમાં ઝાડું લઈને મિડિયામાં જોવા મળ્યા હતા. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ દ્રશ્યો દર્શાવે છે માત્ર ગાંધી જયંતી નિમિત્તે જ સ્વચ્છતા બાકીના દિવસોમાં શા માટે તંત્ર અને નેતાઓ સ્વચ્છતા બાબતે ગંભીર નથી ? ગત તા.17મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી તા.2 ઓક્ટોબર ગાંધી જયંતી સુધીના પખવાડિયાને  સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, અધિકારીઓ, વોર્ડના અધિકારીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરો નેતાઓ હાથમાં ઝાડું લઈને સફાઇ કરતા  મિડિયા અને સોશિયલ મીડિયામાં જોવા મળ્યાં હતાં. પરંતુ હકીકત એ છે કે શહેરમાં આજે પણ ઘણી જગ્યાએ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.જ્યાં ખરેખર ગંદકી છે ત્યાં સફાઇ કરવામાં આવતી જ નથી. વડોદરા મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, નેતાઓ, કાઉન્સિલરો દ્વારા જ્યાં દરરોજ સફાઇ થાય છે,તેવા વિસ્તારોમાં હાથમાં સાવરણા વિગેરે લઇને સફાઇ કરતા નજરે પડ્યા હતા. જેમાં ઘણાંએ તો રીલ બનાવી હતી. સાથે જ સ્વચ્છતા અભિયાનમાં પોતે છે તેવા ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. પરંતુ ખરેખર રીલ નહીં રિયલ સ્વચ્છતા કામગીરી કરવા માટે ગંભીરતા હોવી જોઈએ. 


ફક્ત ગાંધી જયંતી નિમિત્તે જ સ્વચ્છતા અભિયાન હાથ ધરતાં પાલિકાના અધિકારીઓ અને નેતાઓ, નગરસેવકો બાકીના 364 દિવસ સ્વચ્છતા બાબતે કેમ ગંભીર જણાતાં નથી? તેવો સવાલ ઉઠે છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અવધૂત ફાટક પાસે અસહ્ય ગંદકી અને કચરાના ઢગલાં જોવા મળે છે . અહીં ઘણા સમયથી કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધથી વિચિત્ર દ્રશ્ય જોવા મળે છે. જ્યારે બીજી તરફ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા સ્થિત રેલવે ગરનાળા નીચે ડ્રેનેજના ગંદા પાણીની જાણે નદી વહી રહી છે. જેમાંથી વાહનચાલકો, રાહદારીઓ પસાર થવા મજબૂર બન્યા છે. હદ તો ત્યારે થાય છે કે જ્યાં વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી આવેલી છે અને જ્યાં મ્યુનિસિપલ કમિશનર,મેયર,સ્થાઇ સમિતિના ચેરમેન સહિતના પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ બિરાજે છે. જેઓના શિરે શહેરને સ્વચ્છ રખાવવાની જવાબદારી છે, તેઓની કચેરી પાછળ જ અસહ્ય ગંદકી અને કચરાના ઢગલાં જોવા મળી રહ્યાં છે જે 'દિવા તળે જ અંધારું' એ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ જણાય છે. ખરેખર શહેરને સ્વચ્છ રાખવા માટે સફાઇ સેવકો મહેનત કરે છે. તેઓ દરેક વોર્ડ વિસ્તારમાં રોડ, રસ્તાઓ,મેદાનો સહિતના સ્થળોએ સફાઇ કરે છે. તેઓ પોતાની ફરજ સુપેરે નિભાવી રહ્યા છે. ભલે તેઓ પાસે સેફ્ટીના, સફાઇના પૂરતાં સાધનો નથી છતાં તેઓ શહેરને સ્વચ્છ રાખવા મથી રહ્યાં છે. ગત વર્ષે આવેલ પુર દરમિયાન શહેરમાં ઠેરઠેર ગંદકીને ગણતરીના કલાકોમાં સ્વચ્છ કરી દેતાં શહેરના સફાઇ કર્મીઓ જ સાચો સ્વચ્છતા અભિયાન કરી રહ્યાં છે. બાકી ગાંધી જયંતી નિમિત્તે હાથમાં સાવરણા લઇને ફોટા પડાવી રીલ બનાવી પ્રસિદ્ધિ લઇ રહ્યા છે. ઘણા કાઉન્સિલરો તો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાને એક રીતે આવા અવસરોએ પ્રમોટ કરવા તથા મોવડી મંડળની નજરોમાં આવવા માટે સ્પેશિયલ સોશિયલ મીડિયા પર રીલ મૂકી રહ્યા છે. પરંતુ રીયલમા જ્યાં ગંદકી છે ત્યાં આંખ આડા કાન કરીને ત્યાંથી પસાર થઇ જતાં હોય છે.

Reporter: admin

Related Post