સુખલીપુરા જમીન વિવાદમાં રોજે રોજ નવાં ફણગાં ફૂટી રહ્યા છે. સમગ્ર કૌંભાડમાં પહેલી નજરે કંઇક ખોટું રંધાયું હોય તેવી શંકા પ્રથમ તબક્કામાં જ અમે વ્યક્ત કરી રહી હતી. વર્ષોથી જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા કોર્પોરેટર પરાક્રમસિંહ બાપુને કોઈ બોગસ જમીન માલિક ઉભો કરીને બોગસ દસ્તાવેજો રજૂ કરી 21 લાખની છેતરપીંડી કરે તે વાત ગળે ઉતરતી નથી. બીજી તરફ આરોપી દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજાનો ભુતકાળ જોતાં કોઈ પણ સમજી શકે આ બંને કોઇને પણ શીશામાં ઉતારી દે તેવા છે.

સુખલીપુરા જમીનને રમેશ પટેલને પણ વેચવાનો કારસો રચી રમેશ પાસેથી પણ 1 કરોડની રકમ બંને ભેજાબાજોએ પડાવી હોવાની ફરિયાદ ખુદ રમેશે જ પોલીસ કમિશનર સમક્ષ કરી છે.એક જમીન ઉપર કેટલા સોદા થયા ? કેટલા લોકો સાથે ઠગાઇ કરાઇ છે તે સવાલ પણ હવે ઉઠી રહ્યો છે.સુખલીપુરા જમીન વિવાદનો મહત્વનો ખેલાડી રમેશ પટેલ પણ અઠંગ ખેલાડી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ ટોળકી એકબીજાની સામે જ હવે ફરિયાદો કરી રહી છે. જેથી પોલીસ માટે પણ આ વિવાદ ઉકેલવો માથાના દુખાવા સમાન બની શકે છે અને જો પોલીસ ઉંડી તપાસ કરશે તો ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે છે. જમીનનો આ વિવાદ કેમ શરુ થયો અને આ બધા ખેલાડીઓ વચ્ચે એવી તે શું ફૂટ પડી કે તેમાં મોડે મોડે પોલીસ ફરિયાદો થવા માંડી તે પણ એક સવાલ છે.તેથી જ આ વિવાદમાં શરુઆતથી જ દાળમાં કંઇક કાળુ હોય તેવી શંકા વ્યક્ત કરાઈ હતી.દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજા પણ દૂધે ધોયેલા તો નથી જ. રમેશ બાવા સામે પણ ફરિયાદો થયેલી છે.જેથી પરાક્રમસિંહ, રમેશ, દિલીપસિંહ અને કમલેશ વચ્ચે ક્યાં ફૂટ પડી તે સમજવી જરુરી છે. કારણકે આ સમજાશે તો આ પ્રકારે ભૂતકાળમાં ક્યા ક્યા પરાક્રમો આ ટોળકીએ કરેલા છે તે બહાર આવશે. ભાજપનો કાર્યકર એવો દિલીપ ગોહિલ અઠંગ ખેલાડી તો છે જ કારણ કે તે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ચેરમેન હતો ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીમાં ગેરરિતી આચરાઇ હોવાનું પણ ખુદ ભાજપના કાર્યકરોમાં જ ચર્ચાઇ રહ્યું છે. જો તેની વિજીલન્સ તપાસ થઈ હોત તો સમગ્ર ધુપ્પલ બહાર આવે તેમ હતું. જો આજે પણ આ કૌભાંડની પોલીસ ફરિયાદ થાય તો ઘણા જેલભેગા થઇ શકે છે. દિલીપ ગોહિલને આ કૌભાંડમાં આકાઓએ બચાવી લીધો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કમલેશનો કાકો કનૈયાલાલ પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હતો.કમલેશ દેત્રોજાનો ભુતકાળ પણ ઇન્ટરેસ્ટીંગ છે. કમલેશનો કાકો બહું જાણીતો ચહેરો છે. તેનું નામ કનૈયાલાલ દેત્રોજા છે. કનૈયાલાલ મલાઇદાર નિગમ ગુજરાત જમીન વિકાસ નિગમનો એમ.ડી રહી ચુકેલો છે. પોતાની સત્તાનો દુરપયોગ કરીને કનૈયાલાલે ખુબ બ્રષ્ટાચાર કરેલો છે અને તેની સામે એસીબીએ પણ તપાસ કરેલી છે.તેણે મોટાભાગનાં બધા જિલ્લામાં અલગ અલગ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હતો. અને તેની સામે 55થી વધુ ભ્રષ્ટાચાર અને ગેરરિતીના કેસ દાખલ કરાયેલા હતા. તેની પાસે અને તેના સગાઓ પાસે 70 હેક્ટરથી વધુ જમીન મળી હતી. જ્યારે તેના સગાઓ પાસેથી 2 કરોડ 52 લાખથી વધુની બેનામી મિલકતો મળી હતી. ખુદ કનૈયાલાલ પાસે જ 100 કરોડની સ્થાવર જંગમ મિલકતો મળી આવી હતી.એસીબીનાં રડારમાં પણ આ ટોળકી હતી. નોટબંધીમાં દિલીપે કનૈયાલાલ દેત્રોજાનાં 25 કરોડ હડપ કરી દીધા હતા.કનૈયાલાલ પોતે ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન છે ત્યારે તેનો ભત્રીજો કમલેશ કેમ બાકી રહી જાય તે સહુ સમજી શકે છે. કનૈયાલાલે સરકારનું કરી નાખવામાં કોઇ કસર બાકી રાખી ન હતી. બધા રુપિયાનો મામલો 500 કરોડની આસપાસ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
જાણવા મળવા મુજબ કનૈયાલાલે નોટબંધીમાં દિલીપ ગોહિલને 25 કરોડ રુપિયા આપ્યા હતા. દિલીપે તેનું કમિશન પણ લીધુ હતું. જો કે કનૈયાલાલ જેલમાંથી છુટીને બહાર આવ્યો ત્યારે તેણે દિલીપ પાસે રૂપિયા પરત માંગ્યા હતા પણ દિલીપે આ રકમ વાપરી નાખી હતી. જેથી દિલીપ પાસે પૈસાની ઉઘરાણી કરવા માટે કનૈયાલાલે તેના ભત્રીજા કમલેશને કામ સોંપ્યું હતું અને કમલેશ વારંવાર દિલીપ પાસે ઉઘરાણી કરવા જતો હતો અને ત્યારથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ બંને ઠગબાજોએ લોકોને ઠગવાનું શરુ કર્યું હોવાનું સમગ્ર શહેરમાં ચર્ચાઇ રહ્યું છે. બંને લોભિયા સાથે મળ્યા અને ગઠબંધન કરીને લોકોને ઠગવાનું શરુ કર્યું હતું.જેમાં કેટલાક નેતાઓને ટાર્ગેટ કર્યા હતા.દિલીપસિંહનાં પરાક્રમો પણ ગાજેલા છે.ભાજપનો કાર્યકર અને શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન દિલીપસિંહ પણ કોઇને ગાંઠે તેવો નથી. તેના પરાક્રમો પણ ગાજી રહ્યા છે. કનૈયાલાલનું કરી નાખીને દિલીપે સ્પોર્ટસ કાર વસાવી અને બંગ્લો પણ બનાવી દીધો છે. પુત્રને વિદેશ પણ મોકલ્યો. જ્યારે દેત્રોજા જેલમાંથી બહાર આવ્યો હતો અને પોતાની માતબર રકમની ઉઘરાણી તેણે શરુ કરી હતી. અમરેલી બીટકોઇન કૌંભાડના આઇપીએસની સાથે મળીને બધાએ દિલીપને ધમકી આપી હતી અને 10 મિલકતો પણ લખાવી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં 5 કરોડના પેન્ટહાઉસનો પણ સમાવેશ થાય છે. નવાઇની વાત એ છે કે દિલીપના પરાક્રમોથી ભાજપના નેતાઓ પણ વાકેફ છે છતાં તેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ચેરમેન બનાવાયો હતો. શહેર ભાજપ સંગઠન પણ દિલીપથી છેતરાયું હોઇ શકે છે.કમલેશે આગોતરા જામીન અરજી કરી સુખલીપુરા જમીન વિવાદમાં ફસાયેલા કમલેશ લાલજી દેત્રોજા હવે પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. હવે તેને કોઇ બચાવી શકે તેમ નથી જેથી કમલેશે અદાલતમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની વધુ સુનાવણી 27 તારીખે થશે. કમલેશની કાકીએ પણ દિલીપ અને તેની પત્ની સામે ફરિયાદો કરેલી છે.આ વિવાદની વચ્ચે મળેલી ચોંકાવનારી માહિતી મુજબ દિલીપ અને કમલેશ લોકોનું કરી નાખતા હતા પણ કમલેશની કાકી એટલે કે કનૈયાલાલની પત્ની દર્શના કનૈયાલાલ દેત્રોજાએ પણ દિલીપ ગોહિલ, રશ્મિકા ગોહિલ સામે ખાનગી ફરિયાદ કોર્ટમાં કરી છે. ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ ગુના બાબતે આઈ.પી.સી.ની કલમ 406,420,464,465,467,468, 471,114,120(b) મુજબ ફરિયાદ દાખલ કરાયેલી છે. જે કેસમાં સુનાવણી 7 ફેબ્રુઆરી 2025માં છે. ભાજપનો કાર્યકર દિલીપ એટલો વગોવાયેલો છે કે તેને મહિનામાં 20 દિવસ તો કોર્ટના ચક્કર લગાવવા પડે છે કારણ કે ચેક બાઉન્સના ઘણા કેસ દિલીપ સામે દાખલ થયેલા છે. આવી ઘણી ખાનગી ફરિયાદો છે. દિલીપ સામે માત્ર એક વર્ષમાં જ ચેક બાઉન્સના 7 ક્રિમીનલ કેસો દાખલ થયેલા છે. નવાઇની વાત એ છે કે આવા કૌભાંડીને ભાજપ છાવરે છે અને સંગ્રહે છે અને નવાઇની વાત તો એ છે કે શિક્ષણ સમિતિનો ચેરમેન બનાવી તેને શિરપાંવ પણ આપ્યો હતો. ભાજપ માટે આ ખુબ શરમજનક છે. રમેશ પટેલ પણ ગાંજ્યો જાય તેવો નથી બીજી તરફ દિલીપ અને કમલેશ સામે પોલીસ કમિશનરને અરજી કરનારો રમેશ પટેલ પણ દૂધે ધોયેલો નથી. તેની સામે પણ ચેક બાઉન્સના 5 કેસ દાખળ થયેલા છે. પારુલ યુનિ.ની સામે આવેલી જમીન મામલે 1.91 કરોડનું કૌંભાડ પણ તેણે આચરેલું છે. ચેક બાઉન્સના તેની સામે જે કેસ દાખલ થયેલા છે તેમાં નીચલી અદાલતે દરેક કેસમાં 1-1 વર્ષની સજા આપેલી છે. જમીન વેચાણ દસ્તાવેજ સામે આપેલા ચેકો પરત ફર્યા હોવાથી આ કેસો થયેલા છે. તેણે 1.91 કરોડના ચેકોની સામે વાઘોડીયાના કોટંબીની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. બરોડા ક્રિકેટ એસોસિએશનની આ જમીનના વિવાદમાં પણ રમેશ બાવો છાપે ચડેલો છે. તેની પર 138ના કેસો થયેલા છે .નોટબંધીમાં ભાજપના નેતાઓ અને અધિકારીઓના રુપિયા પણ વ્હાઇટ કર્યા.આ ટોળકીએ નોટબંધીમાં ભાજપના પણ કેટલાક ભ્રષ્ટ નેતાઓ, ધારાસભ્યો, સાંસદ તથા હોદ્દેદારો અને અધિકારીઓની બે નંબરની કરોડોની રકમ ઠેકાણે પાડી હતી. કૌભાંડી કનૈયાલાલની જેમ જ દિલીપે આ લોકોની પણ બે નંબરની રકમ વ્હાઇટ કરીને કમિશન લીધું હતું. કમલેશ અને દિલીપે શહેરના જ કેટલાક વચેટીયા રાજકારણીઓને રાખીને આ બધા ગોરખધંધા કર્યા હતા.રમેશ બાવાએ ભલભલાને બાવા બનાવેલા છે.રમેશ બાવો આ બધા કેસમાં ફાવટ ધરાવે છે. તેની પર કેસો તો થયેલા છે અને ઘણા કેસો તો કોર્ટમાં ચાલી રહ્યા છે. રમેશ બાવો સેવાસદન અને કોર્ટ તથા પોલીસ સ્ટેશનનો ભોમીયો છે. અને તે ક્યારેય દોઢ કરોડ જેવી રકમમાં છેતરાય ખરો તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.ગુનાની ગંભીરતા જોતા તપાસ ઇકો સેલને સોંપાઇ સુખલીપુરા જમીન વિવાદ અને આરોપીઓનો ગુનાહિત ભુતકાળ જોતાં હવે આ કેસની ગંભીરતા વધી ગઇ છે. આ કેસમાં શરુઆતથી જ દાળમાં કાળુ લાગી રહ્યું છે અને તેથી જ સમગ્ર કેસની તપાસ સંયુક્ત પોલીસ કમિશનરના તાબા હેઠળના ઇકો સેલને સોંપવામાં આવી છે. ઇકો સેલ હવે સમગ્ર કૌંભાડની તપાસ કરશે.પરાક્રમસિંહ દિલીપના ભુતકાળથી સારી રીતે વાકેફ એક જ જમીનને વડોદરાના અનુભવી જમીન લે-વેચ કરનારા બે જણાને મૂળ જમીન માલિકની જાણ બહાર વેચી નાંખનાર દિલીપસિંહ ગોહિલ , કમલેશ દેત્રોજા ફરિયાદી પક્ષ સાથે વર્ષોથી પરિચયમાં છે. ત્રણેય જણા એકમેકથી સારી રીતે વાકેફ હોય તે સ્વાભાવીક છે. દિલીપના ઇતિહાસથી પરાક્રમસિંહ પણ સારી રીતે વાકેફ હોઇ શકે છે છતાં તેમણે આ જમીનમાં કેમ ઝંપલાવ્યું તે દિશામાં પણ તપાસ થવી જરુરી છે.પોલીસ કમિશનરે ફરિયાદ ને ગંભીરતાને લઈને ઇકો સેલમાં તપાસ ટ્રાન્સફર કરી હવે પોલીસ ખોલશે આરોપીઓની કુંડળી સમગ્ર કેસની તપાસ હવે શહેર પોલીસ તંત્રની ઇકો સેલ શાખાને સોંપવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતાં ઇકો સેલ હવે સમા પોલીસ પાસેથી સમગ્ર કેસના કાગળો મેળવીને ઝીણવટભરી તપાસ કરશે અને તેમાં આરોપીઓથી માંડીને સમગ્ર કેસમાં જે કોઇ સંકળાયેલા છે તે તમામની કુંડળી પોલીસના રડારમાં આવી જશે તે ચોક્કસ છે. આવી એક ફરિયાદ થઇ છે પણ હવે ભુતકાળમાં છેતરાયેલા લોકો પણ પોલીસ સમક્ષ આવે તો નવાઇ નહીં. પોલીસ તમામ દસ્તાવેજોની ઉંડી તપાસ કરી રહી છે. ઇકો સેલ આ પ્રકારના કેસોની તપાસ કરવામાં માહેર હોય છે તેથી કેસની ઉંડી તપાસ થશે. કમલેશ અને દિલીપે કરેલા પરાક્રમો પણ પોલીસની રડારમાં આવી જશે તે ચોક્કસ છે અને રમેશ બાવાના કરતૂતો પણ પોલીસ સમક્ષ આવી જશે.
Reporter: