વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવથી સમગ્ર દેશમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લખપતિ દીદીઓને સંબોધન કર્યું હતું.
વડોદરામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના હોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના ૨૯૧ સ્વસહાય જૂથને રૂ.૫૦૯ લાખની કેશ ક્રેડીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથની બહેનો કે જે લખપતિ દીદી છે તેઓને સર્ટીફીકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લાભાર્થી મહિલાઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ જણાવ્યું હતું કે,સ્વ સહાય જૂથના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બનવા સાથે પરિવાર અને સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપી રહી છે.
લખપતિ દીદી' કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે વિવિધ સહાયરૂપ થવાનો છે, જેથી તેઓ તેમના કુટુંબની આજીવિકામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.આ કાર્યક્રમના માધ્યમથી મહિલાઓને તેમના અભ્યાસ અને કૌશલ્ય વિકસાવી પોતાનું મકાન, ખેતી, લઘુ ઉદ્યોગ, અથવા અન્ય કોઈ વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.NRLM અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને નાણાં, સાધન, તાલીમ અને આજીવિકા માટે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ, ડી.એલ.એમ મૂળરાજસિંહ વાઘેલા પદાધિકારીઓ,અધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Reporter: