નવી દિલ્હી : મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના એક મજૂરને આવકવેરા વિભાગ દ્વારા ૩૧૪ કરોડ રૂપિયાની ઇનકમ ટેક્સ નોટીસ મોકલવામાં આવી હોવાનો કેસ સામે આવ્યો છે. આટલી મોટી રકમની આવકવેરા નોટીસ જોઇને મજૂરની પત્નીને ચકકર આવી ગયા અને તાવ ચઢી ગયો હતો. ત્યારબાદ તેને નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવાની ફરજ પડી હતી.
બૈતુલ જિલ્લાના મુલતાઇમાં મજૂરી કરી ગુજરાન ચાલવતા મજૂરને આવકવેરા વિભાગની તરફથી ૩૧૪ કરોડ રૂપિયાની નોટીસ મળતા પરિવાર ચોંકી ગયું છે. નોટિસ પર છપાયેલ ૩૧૪ કરોડ રૂપિયા વાંચી મજૂરની પત્નીની તબિયત ખરાબ થઇ ગઇ હતી.રિપોર્ટ અનુસાર આવકવેરા વિભાગે ૪ એપ્રિલે ૩૧૪ કરોડ રૂપિયાની નોટીસ મોકલી છે. નોટીસ પર મજૂર ચંદ્રશેખર કોહાડનું નામ લખેલુ છે. મજૂરે બચતના હેતુથી શ્રીનાથ મંગલમ નામની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં તે બેંક એજન્ટ દ્વારા રોજ પૈસા જમા કરાવતો હતો.પીડિતે જણાવ્યું હતું કે શ્રીનાથ મંગલમ બેંકમાં ખોલવામાં આવેલા બચત ખાતા સાથે તેનો મોબાઇલ નંબર લિંક ન હતો જેના કારણે ખાતામાં થતી લેવડદેવડ અંગે તેને કોઇ મેસેજ આવતો ન હતો.
મજૂરના જણાવ્યા અનુસાર બેંક એજન્ટ તેની પાસબુક પણ તેની પાસે રાખતો હતો અને દરરોજ પૈસા લીધા પછી ડાયરીમાં સહી કરાવતો હતો. ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર ફક્ત તે જ નહીં તેની સાથે નાગપુરના જ અન્ય ૨૦ લોકો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. બીજી આવી જ ઘટના રાજસ્થાનના અજમેરમાં જોવા મળી છે. અહીંના ૨૬ વર્ષના ખેડૂતના પાન કાર્ડનો ઉપયોગ કરીને ૧૪૩ કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવતા રામરાજ ચૌધરી નામના આ ખેડૂતને આવકવેરા વિભાગે ૧૪૩ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. ચૌધરીના જણાવ્યા અનુસાર તેની જાણ બહાર તેના પાનનો ઉપયોગ કરીને નિતિયા એક્સિમ નામની કંપની નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રજિસ્ટર કરવામાં આવી હતી. ખેડૂતની બહાર તેના પાનનો ઉપયોગ કરીને મુંબઇમાં કોટક મહિન્દ્રા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું હતું. ચૌધરી ધો. ૧૨ પાસ સામાન્ય ખેડૂત છે.
Reporter: admin







