વડોદરા શહેરમાં ચાર અલગ અલગ કામો કરવા માટે સ્થાયી સમિતીએ 20 ટકાથી 28 ટકા જેટલા ઉંચા ભાવે અંદાજે 78 કરોડ ઉપરાંતના 4 કામોનો કોન્ટ્રાક્ટ ક્રીષ્ના કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવતા વિવાદ સર્જાયો છે.
પંપ હાઉસને લગતા કામોમાં એક જ કોન્ટ્રાક્ટરને ઉંચા ભાવે કામો આપવામાં આવ્યા તેમાં કોને રસ છે અને કોનુ હિત સચવાયેલું છે તેની ચર્ચા પાલિકા સંકુલમાં ચાલી રહી છે. એક જ કોન્ટ્રાક્ટરને સાચવવા માટે જ ઉંચા ભાવે આ કામો આપવામાં આવ્યા છે તેની ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં કમિશનર દ્વારા ઉંચા ભાવે દરખાસ્તને મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી હતી. અને સ્થાયીએ પણ કમિશનરની ઉંચા ભાવે કામો આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી તેની પણ નવાઇ છે. કોન્ટ્રાક્ટર ક્રિષ્ના કન્સ્ટ્રક્શન પર પાલિકાના અધિકારીઓ જાણે કે વરસી પડ્યા છે અને 20થી 28 ટકા જેટલા ઉંચા ભાવે કામો આપી દીધા છે.
હરણી ટીપી50 હોટમીક્સ પ્લાન્ટમાં અંડરગ્રાઉન્ડ સંપ, પંપ હાઉસ, ફીડર લાઇ મિકેનિક વર્ક અને પંપીંગ મશીનરી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામ માટે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપનીના નેટ અંદાજીત રકમ 18785050550 રુપિયાથી 20.51 ટકા વધુ મુજબના એટલે કે 226378644 રુપિયાના ભાવપત્રકને મંજૂર કરવાની કમિશનરની દરખાસ્તને સ્થાયીએ મંજૂર કરી હતી. ઉપરાંત ટીપી 45 (રાજીવનગર)માં પણ આ જ પ્રકારના કામે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપનીના નેટ અંદાજીત રકમ 11795559154 રુપિયાથી 20.51 ટકા વધુ મુજબના એટલે કે 142148284 ના ભાવપત્રક ને મંજૂર કરવાની કમિશનરે કરેલી દરખાસ્તને સ્થાયીએ મંજૂર કરી હતી. આ સાથે પાણીગેટ ટાંકી ખાતે પણ આ જ પ્રકારના સંપ બનાવવા સહિતની કામગિરીને ક્રિષ્ના કન્સ્ટ્રક્શનને નેટ અંદાજીત રકમ 195401315 રુપિયાથી 28.50 ટકા વધુ મુજબના એટલે કે 251090690 રુપિયાના ભાવપત્રકને મંજૂર કરવાની કમિશનરની દરખાસ્તને સ્થાયીએ મંજૂર કરી હતી. આ એક જ કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાવાનું જાણે કે નક્કી કર્યું હોય તેમ પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ 15માં આવેલ સમર્પણ પાર્ક, ધતી ટેનામેન્ટ, મહાલક્ષ્મી પાર્ક, ઉકાજીનું વાડીયુ વગેરે આસપાસના વિસ્તારમાં લો પ્રેશર સુધારણા માટે બુસ્ટર બનાવવાના કામે 13799581150 ના આઇટમ રેટ ભાવપત્ર પેટે કોન્ટ્રાક્ટર ક્રિષ્ણા કન્સ્ટ્રક્શનના અંદાજથી 20.51 ટકાના વધુ મુજબના 166298753 રુપિયાના કામને મંજૂર કરવાની કમિશનરે કરેલી દરખાસ્તને સ્થાયીએ મંજૂર કરી હતી. એક જ કોન્ટ્રાક્ટર ક્રિષ્ના કોન્ટ્રાકટરને ઉંચા ભાવે કામ આપવામાં આવતા વિવાદ સર્જાય તે સ્વાભાવિક છે. ઉંચા ભાવે કામગિરી કરનાર આ કોન્ટ્રાક્ટર લોકોને ફાયદો થશે તે પ્રકારના કામો કરશે કે પછી પોતાનો ફાયદો જોશે તેના પર સવાલ ઉભો થયો છે.
Reporter: admin