સાવલી, વડોદરા – ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલા શૂટર્સે નોંધપાત્ર પ્રદર્શન સાથે પોતાની શક્તિ સાબિત કરી.

ગુજરાતના 11 જિલ્લામાંથી કુલ 36 શૂટર્સે ભાગ લીધો અને આ સ્પર્ધા ચાર દિવસ સુધી ચાલી હતી, જેમાં યુવાન અને વૃદ્ધ બંને શ્રેણીના શૂટર્સે ઉત્સાહભેર ભાગ લીધો.ઉલ્લેખનીય છે કે વડોદરાની વંદના ચુડાસમાએ મહિલા ઓપન વ્યક્તિગત ક્લે પિજન ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને ડબલ ટ્રેપમાં સિલ્વર મેડલ જીતીને પોતાની કળાને ઉજાગર કરી. બીજી તરફ, સુરેન્દ્રનગરની ઝુવેરિયાબાનુ ખોખર ડબલ ટ્રેપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઝુવેરિયાબાનુ સ્પર્ધામાં ભાગ લેનાર સૌથી નાની વયની શૂટર્સમાંથી એક હતી.આ સ્પર્ધાની વિશેષતા એ રહી કે પુરુષો અને મહિલાઓ બંને સિંગલ અને ડબલ ટ્રેપ ઇવેન્ટ્સમાં એકસાથે સ્પર્ધા કરતા જોવા મળ્યા.

નોંધનીય છે કે વંદના ચુડાસમાએ સિંગલ ટ્રેપમાં પુરુષ સ્પર્ધકો કરતાં વધુ પોઈન્ટ મેળવ્યા હતા, જે મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.પુરુષોના વિભાગમાં અમદાવાદના નૈમખાન પઠાણ વ્યક્તિગત ક્લે પિજન ટ્રેપમાં ગોલ્ડ મેડલ, સરફરાઝ સિલ્વર મેડલ અને કેતન પટેલ બ્રોન્ઝ મેડલ જીત્યા. ડબલ ટ્રેપમાં કેતન પટેલે ગોલ્ડ મેડલ, જ્યારે વડોદરાના ઇશિત દોશી અને સિદ્ધરાજસિંહ વાઘેલા અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા.આ ઇવેન્ટમાં 14 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વરિષ્ઠ શૂટર સુધીની વયના સ્પર્ધકોએ ભાગ લીધો. 80 વર્ષના રોબિન કોન્ટ્રાક્ટર સ્પર્ધાના સૌથી વરિષ્ઠ ભાગીદાર રહ્યા.આ સમારંભમાં વડોદરાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. STRAના જનરલ સેક્રેટરી ઈશ્વરસિંહે રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો આ કાર્યક્રમનું આયોજન કરવા અને શૂટર્સ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર માન્યો હતો.


Reporter:







