દારૂનીતિ કૌભાંડ મુદ્દે તિહાર જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન પર સ્ટે મુકતા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજીની સુનાવણી કરતા કહ્યું હતું કે હાઇકોર્ટમાં જે અરજી તમે કરી છે તેને પરત લઇ લો અથવા હાઇકોર્ટના અંતિમ નિર્ણયની રાહ જુવો અમે ત્યાં સુધી કોઇ દખલ નહીં આપીએ.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ એસવીએન ભટ્ટીની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું હતું કે હાઇકોર્ટ તેમની અરજી એટલા માટે નથી સાંભળી રહી કેમ કે આ જ પ્રકારનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમે મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે પહેલા હાઇકોર્ટમાંથી પોતાની અરજી પરત લઇ લો પછી અમારી પાસે આવો. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે. ત્યાં સુધીમાં કેજરીવાલના જામીન પર સ્ટે મુદ્દે હાઇકોર્ટનો અંતિમ નિર્ણય પણ આવી જશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, આ સ્થિતિમાં અમારા દ્વારા કોઇ પણ પ્રકારની દખલ દેવી વ્યાજબી નથી.
અમે આ મામલે હવે બુધવારે સુનાવણી કરીશ. કેજરીવાલના વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે જો હાઇકોર્ટ ઓર્ડરની કોપી અપલોડ થાય તે પહેલા જ સ્ટે મુકી શકતી હોય તો સુપ્રીમ કોર્ટ પણ હાઇકોર્ટનો આદેશ આવે તે પહેલા તેના પર રોક લગાવી શકે છે. બાદમાં સુપ્રીમના ન્યાયાધીશ મનોજ મિશ્રાએ કહ્યું હતું કે સામાન્ય રીતે સ્ટેના મામલામાં ચુકાદો અનામત નથી રાખવામાં આવતો, અને તુરંત જ તેનો નિકાલ કરવાનો હોય છે. આ મામલામાં જે થયું છે તે અસામાન્ય છે. ૨૧મી માર્ચના રોજ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરાઇ હતી, તાજેતરમાં કેજરીવાલને નીચલી કોર્ટ દ્વારા જામીન પર છોડવામાં આવ્યા હતા
Reporter: News Plus