મણિપુર : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ બુધવારે મણિપુરની ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. મણિપુરમાં મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. મળતી માહિતી અનુસાર, જેડીયુએ ઔપચારિક રૂપે મણિપુરથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, મણિપુરમાં જેડીયુ 2022થી ભાજપ સાથે ગઠબંધનમાં હતું, પરંતુ હવે તેણે સત્તાધારી પાર્ટી ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. 2022માં જેડીયુના છ માંથી પાંચ ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કર્યું હતું, જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હતી. જોકે, હવે જેડીયુએ ભાજપ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચતો ઔપચારિક પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે.
જેડીયુનું સમર્થન પરત ખેંચ્યા બાદ પણ મુખ્યમંત્રી બીરેન સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારની સ્થિરતા પર કોઈ અસર નહીં થાય. રાજ્ય વિધાનસભામાં ભાજપની બહુમતિ એટલી મજબૂત છે કે, તે કોઈપણ રાજકીય પાર્ટીના વિક્ષેપ વિના સત્તામાં રહી શકે છે. નોંધનીય છે કે, મણિપુર વિધાનસભામાં કુલ 60 બેઠકોમાંથી ભાજપ પાસે 37 બેઠકો છે.
Reporter: admin