News Portal...

Breaking News :

આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના મુખ્ય ગુંબજના રિસ્ટોરેશન માટે ચૂનાની સાથે ગોળ, અડદ, મેથી, ગૂગળનો ઉપયોગ થયો

2025-04-14 11:20:53
આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના  મુખ્ય ગુંબજના રિસ્ટોરેશન માટે ચૂનાની સાથે ગોળ, અડદ, મેથી, ગૂગળનો ઉપયોગ થયો


વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના  મુખ્ય ગુંબજ અને તેની આસપાસના ગુંબજ મળીને કુલ ૯ ગુંબજ છે અને આ પૈકીના ૬ ગુંબજનું રિસ્ટોરેશન પુરુ થઈ ગયું છે.


મુખ્ય ગુંબજ અને બીજા બે નાના ગુંબજનું રિસ્ટોરેશન આગામી સાત થી આઠ મહિનામાં પુરુ થાય તેવો અંદાજ છે.યુનિવર્સિટી દ્વારા ૨૦૨૩માં ગુંબજ અને ઈમારતની બહારની દિવાલો તથા બીજા કામ માટે ૫.૫૦ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.અન્ય જગ્યાએ પણ ઐતહાસિક ઈમારતોનું રિસ્ટોરેશન કરી ચુકેલી એજન્સી દ્વારા ગુંબજના રિસ્ટોરેશન માટે ચૂનાની સાથે ગોળ, અડદ, મેથી, ગૂગળનો ઉપયોગ કરાઈ રહ્યો છે.ગુંબજના મૂળ બાંધકામમાં ઈંટો, ચૂનો, લાકડુ જેવા મટિરિયલનો ઉપયોગ થયો હતો અને તેના કારણે રિસ્ટોરેશનમાં પણ આ જ મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે.


ગુંબજની અંદર અને બહારની તરફ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવે છે અને તે પહેલા તેમાં અડદ, ગોળ, મેથી અને ગૂગળને ઉકાળીને તેને ચૂનાની સાથે ભેળવવામાં આવે છે.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, આમ તો ૨૦૧૭થી ફેકલ્ટીની ઐતહાસિક ઈમારત અને ગુંબજના રિસ્ટોરેશનનો પ્રોજેકટ હાથ ધરાયો હતો પરંતુ તેમાં ઘણા વિઘ્નો આવ્યા હતા.જોકે હવે આ પ્રોજેકટ પૂરો થવાના આરે છે.જોકે, ગુંબજના રિસ્ટોરેશન બાદ પણ તેની સામે પ્રદૂષણનું જોખમ તો રહેશે જ.ભૂતકાળમાં ૨૦૦૫માં પણ ગુંબજનું રિસ્ટોરેશન કરાયું હતું અને તેના થોડા વર્ષોમાં પ્રદૂષણના કારણે ગુંબજ ફરી કાળો પડી ગયો હતો.

Reporter: admin

Related Post