દિલ્હી : જગદીપ ધનખડે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું છે. સંસદમાં ચોમાસું સત્ર ગઇકાલે જ શરૂ થયું છે. તેઓ પ્રથમ દિવસે એક્ટિવ પણ દેખાયા, તો અચાનક સાંજે રાજીનામું કેમ આપ્યું? તેમણે આરોગ્યનું કારણ આપી રાજીનામું આપ્યું છે.
જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી. રાજીનામાંના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. કોંગ્રેસનું માનવું છે કે તેઓ સ્વસ્થ છે. કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશે તેમની સાથે સાંજે જ મુલાકાત પણ કરી હતી. આટલું જ નહીં 23મી જુલાઈએ જગદીપ ધનખડનો જયપુરનો પ્રવાસ નક્કી હતો, જે હવે રદ કરી દેવાયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે સાંજે 5 વાગ્યે મુલાકાત થઈ, સાંજે 7.30 વાગ્યે ફોન પર વાત થઈ. આરોગ્યના લીધે અચાનક રાજીનામું આપ્યું હોય તેવું નથી લાગતું. તેમનો 23 જુલાઈનો જયપુર પ્રવાસ પહેલેથી જ નક્કી હતો, જેનો સીધો અર્થ છે કે રાજીનામાંનો નિર્ણય અચાનક જ લેવાયો છે.
આરોગ્યના કારણે રાજીનામું આપ્યું હોય તો સંસદ સત્રના પ્રથમ દિવસે તેઓ સક્રિય હતા અને કોઈ સમસ્યા જણાતી નહોતી.આરોગ્ય આટલું જ ખરાબ હતું તો ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા જ રાજીનામું કેમ ન આપ્યું? ભારતના બંધારણ અનુસાર આગામી 60 દિવસોમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી અનિવાર્ય છે. નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાય ત્યાં સુધી રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કાર્યવાહક સભાપતિ રહેશે.
Reporter: admin







