મોદી સાહેબની પ્રતિષ્ઠાની પીછેહઠ છે આ ભાજપની હાર નો વાંધો નથી...2014 અને 2019 માં ભાજપ પક્ષે ગુજરાતની બધી લોકસભા બેઠકો જીતીને વિક્રમ રચ્યો.આ વખતે ક્રિકેટની ભાષામાં સંપૂર્ણ વિજયની હેટ્રીક કરવાની હતી.ના થઈ,લડાયક વીરાંગના ગેનીબેન ઠાકોરે કાબે અર્જુન લુંટિયો,વહી ધનુજ વહી બાણ ની કહેવત સાચી પાડી.મોદી સાહેબે આ વિસ્તારની ત્રણ બેઠકો માટે સભા કરી હતી. ગેનીબેન સામે સહકાર મહર્ષિ ગલબા કાકા ના પુત્રવધૂ ને મેદાનમાં ઉતાર્યા.ભૂલ એટલી જ થઈ કે એમણે કોંગ્રેસ ની તાકાત ભલે ઓછી આંકી પણ તેની સાથે ગેની બેનની લડવાની તાકાતનો અંદાજ બાંધવામાં થાપ ખાધી.
વડોદરામાં નવા નિશાળિયા ને મેદાનમાં ઉતાર્યો કારણ કે મોદી ના નામે કોઈ પણ ઊભું રહે એ જીતી જાય એવો વિશ્વાસ હતો.પરંતુ બનાસકાંઠા માં આ વિશ્વાસે જ પછડાટ આપી. ડો.રેખા નવા નિશાળિયા હતા સામે ગેનીબેન બે વાર સામા પૂરે તરીને ધારાસભ્ય બનેલા,કસાયેલા વિપક્ષી ઉમેદવાર હતા. સુરતમાં શામ, દામ, દંડ,ભેદની નીતિ થી કોંગ્રેસના ઉમેદવારને અને પછી અન્ય ઉમેદવારો ને બેસાડી દઈને ભાજપે બિન હરીફ જીત મેળવી.આ જીતનો પાયો બિન જરૂરી અનીતિ હતી.કારણ કે ભાજપ ભગુભાઈ ને મેદાનમાં ઉતારે તો પણ 5 લાખથી વધુ મતે જીતે.પરંતુ મોવડી મંડળની શાબાશી મેળવવા આ ચાલબાજી રચાઈ.સુરતના ઘણાં ભાજપ સમર્થકો ને પણ આ ના ગમ્યું.તમામ બેઠકો જીતવી છે અને 5 લાખથી વધુ મત અંતરથી જીતવી છે એવું ઝનૂન રાખ્યું.છતાં,પાટણ ની બેઠક માંડ માંડ બચી.156 જીત્યા થી ભૂખ વધુ પ્રબળ બની એટલે કોંગ્રેસીઓ ને પક્ષ પલટો કરાવીને 160 ભેગા કર્યા.અને અંદરો અંદર વિખવાદ વધ્યો.વાઘોડિયા વિધાનસભા બેઠકની જ વાત કરીએ તો જીત ભલે મળી પરંતુ કોંગ્રેસ ના પાયાના કાર્યકરે મેદાનમાં ઉતરી ને ટક્કર આપવાની હિંમત તો કરી.વિજેતા ઉમેદવારે અગાઉ ભાજપના અધિકૃત ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ ને હરાવીને ભાજપની નાલેશી કરી હતી.156 ની તાકાત 157 થવાથી કેટલી વધી જાય?છતાં વાજતે ગાજતે પક્ષના ઉમેદવારને હરવનારને,આડકતરી રીતે મોદી સાહેબના ઉમેદવાર ને હરાવનાર ને વાજતે ગાજતે પક્ષમાં લાવી ને માથે બેસાડ્યા.એટલે ગુજરાતની તમામ બેઠકો જીતવાનું,ત્રીજી વાર સફાચટ કરવાનું સ્વપ્ન ધૂળમાં મળી ગયું.પાટણ ની બેઠક માંડ માંડ બચી ગઈ.બાકી તો નાલેશી માં વધારો થાત. ભાજપ જ્યારે હારે છે ત્યારે એ હાર ઉમેદવારની હોતી જ નથી.એ હાર કે પીછેહઠ મોદીજી ની ગણાય છે.હાલ તો મોદી સાહેબ,ગુજરાતના પનોતા પુત્ર ,ત્રીજીવાર પ્રધાનમંત્રી બને એવી દિલથી શુભેચ્છા પાઠવીએ.જો કે તેમણે હવે નીતિ અને વ્યૂહરચનાઓ માં સમજી વિચારીને આમૂલચૂલ પરિવર્તન તો કરવું જ પડશે.તેઓ ના માથે ઈશ્વરના આશીર્વાદ છે.આ સાધક પ્રધાનમંત્રી વાસ્તવિકતાઓ ઓળખીને રાજનીતિ નવેસર થી ઘડે,આ ચુંટણીઓ ના પરિણામો પરથી બોધપાઠ લે અને ફરીથી દેશનું સફળ નેતૃત્વ કરે એવી શુભેચ્છાઓ.ગુજરાત માટે મોદી મહત્વના છે,મોદી છે તો ગુજરાતમાં,દેશમાં ભાજપ છે...ગુજરાતમાં 5 લાખ+ ના ઉન્માદ થી નહિ ધીર ગંભીરતા થી ચુંટણી લડવાની જરૂર હતી.ક્ષત્રિય આંદોલન થી ભલે પરિણામો જોતાં કોઈ નુકશાન નથી થયું.પરંતુ ઉચાટ નો એક માહોલ સર્જાયો હતો.મોદી સાહેબે સમયસર જામ સાહેબને મળીને બાજી સંભાળી લીધી.આડકતરી રીતે એમણે ઘણાં ક્ષત્રિય મોવડીઓ ને ઠંડા પાડ્યા.બાકી નુકશાન હજુ વધત.અને સ્વાભાવિક છે કે અપયશ મોદી સાહેબને ફાળે જાત.ગુજરાતના ભાજપના પાયાના કાર્યકર થી લઈને ટોચના ટોપીઓ સુધી બધાએ એ જ સમજવાનું છે કે ચુંટણી જીતશો તો તમે વિજેતા થઈને સરઘસમાં ઘુમશો,હાર તોરા થી લડાઇ જશો,પણ હારશો કે લીડ ઘટશે તો અપયશ તમને નહિ મોદી સાહેબને મળશે.મોરબી થી શરૂ કરીને,તે અગાઉ તક્ષશિલા અને છેલ્લે રાજકોટ ના ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓ થી પક્ષની છબી ખરડાય છે.જો કે સહિષ્ણુ ગુજરાતીઓ તેમ છતાં મોદી સાહેબને આદર આપવા ભાજપ ને મત આપે છે.
મોદી સાહેબના નામનો જાદુ હજુ ગુજરાતમાં ચાલી રહ્યો છે.પરિણામો નો ટ્રેન્ડ બતાવી રહ્યો છે કે દેશના સ્તરે ઓશરી રહ્યો છે. કાશી કોરિડોર પછી રામ મંદિરના નિર્માણ પછી પણ અયોધ્યા - ફૈઝાબાદ બેઠક પર પક્ષનો પરાજય થયો છે.મુંબઈ માં એકાએક કસાબ સહિત વિવિધ કેસોને સફળ અંજામ આપનારા ધારાશાસ્ત્રી ઉજ્જવળ નિકમ ને મેદાનમાં ઉતાર્યા અને એમની હાર થઈ.આ પ્રકારના ચમત્કારિક ઉમેદવારો ને મેદાનમાં ઉતારવા ની મમત અને રમત સમજાતી નથી.મોદી સાહેબના નામનો ટેકો છે,વાતાવરણ સારું છે ,છતાંય પાર્ટી પાછળ જીવન ખર્ચી નાખનારા કર્મઠ કાર્યકરો ને બદલે ચમત્કારિક ઉમેદવારો ને મેદાનમાં ઉતારવા માં આવે છે.આ પ્રયોગને સૌ થી પહેલી નિષ્ફળતા વડોદરામાં મળી હતી.માત્ર રામાયણમાં સીતા ની ભૂમિકા કરી હતી એના રોમાંચ ને વટાવવા ૧૯૯૧ માં વડોદરાની પ્રજા ના માથે દીપિકા ચિખલિયા ને બેસાડી દીધા.સાંસદ કાળ દરમિયાન તેઓ લાપતા સાંસદ બની રહ્યા અને ૧૯૯૬ માં તેમની ટિકિટ કાપી નાંખવાની ફરજ પડી.પણ એનું પરિણામ તત્કાલીન ઉમેદવાર જીતુભાઈ ને ભોગવવું પડ્યું.૧૭ મતની કાગળ થી પાતળી બહુમતી થી વિપક્ષી ઉમેદવાર ને જીત મળી.કંઇક અંશે આ જ નીતિ ને લીધે ભાજપની મોટી અને મુખ્ય તાકાત જેવા ઉત્તર પ્રદેશમાં આ ચુંટણીઓ માં પક્ષની હાલત સારી એવી બગડી છે.વિપક્ષી એકતા ના પ્રયોગને ત્યાં કલ્પનાતીત સફળતા મળી છે.ઉત્તર પ્રદેશના ખરાબ દેખાવને પગલે કેન્દ્રમાં મોદી સાહેબ સહયોગી સરકાર ભલે બનાવે,પરંતુ એવી સરકાર ચલાવવામાં ખૂબ મોટી બાંધછોડ કરવી પડે છે.દોરડા પર ચાલતા નટ ની કુશળતા થી મનમોહન સિંહે દશ વર્ષ સરકાર ચલાવી.હવે કદાચ એ કૌવત મોદી સાહેબે બતાવવું પડશે.સાનુકૂળ બહુમતી વાળી સરકાર ચલાવવી અને જોડ તોડની બહુમતી વાળી સરકાર ચલાવવી, એ બંને વચ્ચે આભ જમીનનું અંતર છે.મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના તોડવાની રાજરમત પીછેહઠ તરફ દોરી ગઈ છે.કંગના રનૌત જેવી નટીઓ જીતી જાય પણ સાંસદ તરીકે પ્રજા નું કેટલું કલ્યાણ કરી શકે એ વિચારવું પડે...
Reporter: News Plus