સંસ્થાના બેંક ખાતામાં નાણાકીય વ્યવહારમાં ગડબડની આશંકા
5000થી વધુના નાણાકીય વ્યવહાર માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવાની સૂચનાનું ઉલ્લંઘન
ડભોઈ: પ્રખ્યાત તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટી મંડળના આંતરિક વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિવાદના કારણે મંદિરના કપાટ બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે હજારો ભક્તોના દર્શન પર અસર પડી શકે તેવી શક્યતા હતી. આજે શનિવારી અમાસનો દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડે છે, પરંતુ ટ્રસ્ટીઓ વચ્ચેના ઝઘડાએ પરિસ્થિતિ વણસી હતી. કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટમાં થયેલી બબાલ અંતર્ગત તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા મધ્યસ્થી માટે મોડી રાત્રે મંદિર પહોંચ્યા. તેમણે રાત્રે 12 વાગ્યે મંદિરના કપાટ ખોલીને અમાસના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂક્યા હતા.વિવાદનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દાઓ છે. ચેરિટી કમિશનના વચગાળાના હુકમ છતાં મંદિરના જૂના પૂજારીઓને છૂટા કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં જૂના પૂજારીઓએ મંદિરમાં પ્રવેશ બંધીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ પાંચ ટ્રસ્ટીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં હિન્દી ભાષી નવા બે ટ્રસ્ટીઓ સામે ત્રણ ગુજરાતી ટ્રસ્ટીઓએ જ મોરચો માંડી સંમતિ વિના સંસ્થાનો મનસ્વી રીતે વહીવટ ન કરવા અને નાણાકીય વ્યવહારમાં ગોટાળાની અરજ મામલે સંયુક્ત ચેરિટી કમિશનરએ 11 એપ્રિલ સુધી વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે.
વડોદરાના સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ અરજદાર પરિંદુભાઈ ભગત, ભરત ભાઈ ભગત અને નિરંજનભાઇ વૈદ્યએ સામા પક્ષે મહંત નંદગીરી ગુરુ નિરંજન દેવ તથા અન્ય વિરુદ્ધ સંસ્થામાં વહીવટ અને કાયદો વ્યવસ્થા બાબતે ચાલતા વિવાદમાં વચગાળાના મનાઈ હુકમની મુદત લંબાવી આપવાની અરજ સંદર્ભે વચગાળાના મનાઈ હુકમની મુદત આગામી તારીખ 15 મે સુધી લંબાવામાં આવી છે.સંસ્થાના ટ્રસ્ટી અરજદારોને ધ્યાને આવ્યું હતું કે, સંસ્થાના બેંક એકાઉન્ટમાં સહીથી ઓપરેટ કરવા મામલે કેટલીક ખામીઓ છે. રૂ.5 હજારથી વધુના નાણાકીય વ્યવહાર માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવાની સૂચનાનું ઉલ્લંઘન કરી મહંત દિનેશગીરી તથા નંદગીરી બારોબાર લાખો રૂપિયાનો વહીવટ સંસ્થાના ખાતામાંથી કરી રહ્યા છે. તેમજ મહંત દિનેશ ગીરી અને નંદગીરી પંચાયતી અખાડા સાથે સંકળાયેલ હોય લાખો રૂપિયા પંચાયતી અખાડામાં ટ્રાન્સફર કરી રહ્યા છે. જેથી પડતર અરજનો નિર્ણય ન આવે ત્યાં સુધી નાણાકીય વ્યવહારો, મિલકતો તોડી પાડવાની કે તાળાઓ મારવાની કામગીરી ન કરે તથા સંસ્થાનો તમામ વહીવટ નામદાર હસ્તગત લઈ લેવા જરૂરી વચગાળાની દાદ માંગી હતી. અગાઉ નવા ટ્રસ્ટીઓએ જુના ટ્રસ્ટીઓ તથા પૂજારીઓને કાઢી મૂકવાની પણ પેરવી કરી હતી.કુબેરેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પરિંદુભાઈ ભગત, ભરતભાઈ ભગત તથા નિરંજનભાઇ વૈદ્ય દ્વારા સંયુક્ત ચેરીટી કમિશનરને દિનેશ ગીરી તેમજ નંદગીરીને તાત્કાલિક અસરથી અટકાવી ટ્રસ્ટનો નાણાકીય વ્યવહાર સંયુક્ત ચેરીટી કમિશનર હસ્તગત લેવા તથા સંસ્થાના બેંક એકાઉન્ટ મેનેજરને દિનેશગીરી તેમજ નંદગીરી દ્વારા કરાતા નાણાકીય વ્યવહાર રોકવા સૂચના આપી હતી.સંસ્થાના પરિસરમાં સંમતિ વગર કોઈપણ જાતની જાહેરાત કે નોટિસ લગાડવી નહીં, સંસ્થાના પ્રતિનિધિ તરીકે સમાચાર પ્રસિદ્ધ કરવા નહીં અથવા ઇન્ટરવ્યૂ આપવા નહીં. સંસ્થાના રૂમ કોઈને પણ વાપરવા આપવા નહીં. સંસ્થાની ઓફિસમાં સંસ્થાના સભ્યો સિવાય બહારની કોઈ વ્યક્તિ બેસવી જોઈએ નહીં, નવા પૂજારીઓને સંસ્થામાં પૂજારી તરીકે પૂજા અર્ચના કરવાની પરવાનગી આપવી નહીં સહિતના મુદ્દે રજૂઆત થઈ છે.
Reporter: admin







