નવાઇની વાત એ છે કે બાંધકામ પરવાનગી શાખા હજું પણ ઉંઘે છે...

શહેરમાં ફરી રહેલી નકલી ફાયર એનઓસી મામલે બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસરની અણઆવડતના કારણે ભીનુ સંકેલાઇ રહ્યું છે. નકલી ફાયર એનઓસીમાં એક સપ્તાહ બાદ સીએફઓ હવે રહી રહીને જાગ્યા છે અને તેમણે શહેરની તમામ બિલ્ડીંગોની ફાયર એનઓસી ચેક કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ હવે આ પ્રકરણની તપાસ બાપોદ પોલીસ દ્વારા કરવામાં આવશે, સીએફઓએ કહ્યું હતું કે અમે આ મામલે તપાસ કરવા માટે રાવપુરા પોલીસને તમામ માહિતી સાથે અરજી કરેલી છે અને નિવેદન પણ લખાવ્યું છે. જો કે સીએફઓએ જે સમયગાળામાં આ નકલી ફાયર એનઓસી બની છે તે ગાળામાં આવી કેટલી ફાયર એનઓસી બની છે તેની તપાસ પણ કરવી અત્યંત જરુરી છે. મહત્વની વાત એ છે કે આવી તો વડોદરા શહેરમાં કેટલી નકલી ફાયર એનઓસી ફરતી હશે. આ સંજોગોમાં જો ફાયર સેફ્ટીની સુવિધા લીધા વગર જ નકલી ફાયર એનઓસી મેળવાઇ લીધી હોય અને તે જ બિલ્ડીંગમાં જો કોઇ મોટી દૂર્ઘટના બને તો જવાબદાર કોણ હશે તે પ્રશ્ન પુછાઇ રહ્યો છે. અર્ષ બિલ્ડીંગની હોસ્પિટલનો ફાયર વેન્ડર શિવાય એજન્સીના જયેશ મકવાણાએ આવી કેટલી ફાયર એનઓસી વોટસએપ દ્વારા આપી દીધી હશે તે પણ તપાસનો વિષય છે. રાવપુરા પોલીસે અગાઉ અર્શ પ્લાઝાના હોસ્પિટલ સંચાલકનો ખુલાસો લીધો છે. તેમણે શિવાય એજન્સીના જયેશ મકવાણા પાસેથી એનઓસી લીધી હતી. તો ફાયર બ્રિગેડે જયેશ મકવાણાને પણ નોટિસ આપવી જોઇએ પણ તે નોટિસ પણ અપાઇ નથી. અર્ષ બિલ્ડીંગને 10 દિવસમાં અસલી ફાયર એનઓસી મેળવવા જણાવાયું છે પણ નવાઇની વાત એ છે કે નકલી ફાયર એનઓસી હોવા છતાં બિલ્ડીંગને સીલ સુદ્ધા કરવામાં આવ્યું નથી. સીએફઓ બિલ્ડરને અને જયેશ મકવાણાને બચાવાના પ્રયાસો કરી રહ્યા છે. ક્યાં સુધી તે આ મહત્વની બાબત પર ઢાંક પિછોડો કરતા રહેશે. આ તો ઠીક છે કે આગ લાગી અને તેમાંથી નકલી ફાયર એનઓસીનું કૌંભાડ બહાર આવ્યું. જો કદાચ આગ ના લાગી હોત તો આ નકલી ફાયર એનઓસી બજારમાં ફરે છે તેની જાણકારી ક્યારેય બહાર આવી ના હોત અને આ બિનઅનુભવી સીએફઓની નિષ્ફળતા સાબિત કરે છે.

તમામ બિલ્ડીંગોની ફાયર એનઓસી ચેક કરાશે...
શહેરમાં તમામ સ્થળોએ ફાયર એનઓસીનું ચેકીંગ કરવામાં આવશે. આ મામલાની તપાસ કરવા માટે પોલીસને પણ જણાવાયુ છે.
મનોજ પાટીલ, સીએફઓ
બાંધકામ પરવાનગી શાખા કોની રાહ જુવે છે...
ગુજરાતની અસ્મિતા અહેવાલ પ્રસારિત ના કર્યો હોત તો નકલી ફાયર એનઓસી બજારમાં ફરે છે તેની જાણકારી ક્યારેય બહાર આવી ના હોત. નકલી ફાયર એનઓસી દ્વારા બિલ્ડરો અને ફાયર સેફ્ટીની સુવિધા આપવાનો ઠેકો લઇને ફરતા જયેશ મકવાણા જેવા વેન્ડરો કેવા કેવા કામો કરતા હશે તે પણ પ્રશ્ન છે. નવાઇની વાત એ છે કે બાંધકામ પરવાનગી શાખા હજું પણ ઉંઘે છે. ખરેખર તો બાંધકામ પરવાની શાખાએ બિલ્ડીંગની રજા ચિઠ્ઠી, કમ્પ્લિશન સર્ટીફિકેટ સહિતના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવી જોઇએ પણ ભ્રષ્ટ બાંધકામ શાખા આ કિસ્સામાં પણ ઉંઘતી રહી છે. તમામ લોકો પુછી રહ્યા છે કે બાંધકામ પરવાનગી શાખા કોની રાહ જુવે છે
Reporter: admin







