News Portal...

Breaking News :

નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

2025-04-03 14:55:49
નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત


વડોદરાના પ્રવાસે આવેલા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરી નંદેસરી ગામના લોકોને અત્યાધુનિક શિક્ષણ સેવાની ભેટ આપી છે. 


સુદીપ ફાર્મા લિમિટેડ - નંદેસરી દ્વારા સી. એસ. આર. પહેલ અંતર્ગત રૂ. ૪.૫ કરોડના ખર્ચે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવનિર્મિત મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 'વિદ્યાદાન મહાદાન' એમ કહીને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શાળાના અત્યાધુનિક ભવનના નિર્માણ બદલ સુદીપ ફાર્મા લિમિટેડનો આભાર માની નંદેસરીના ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉદ્યોગપતિઓને કોર્પોરેટ સામાજિક જવાબદારી નીતિ હેઠળ વધુને વધુ વિકાસ તેમજ સમાજના કાર્યો કરી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવા અનુરોધ કર્યો હતો.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પરિશ્રમથી ગુજરાત આજે શિક્ષણ, ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રે દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 


મુખ્યમંત્રી પટેલના નેતૃત્વ તેમજ માર્ગદર્શનમાં અત્યાધુનિક ગુણવત્તાસભર શિક્ષણના પાયા પર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની નેમ વ્યક્ત કરી હતી.વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઘોડિયાની ૫૦ શાળા સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર સૌની ચિંતા કરે છે, તેમ જણાવી તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રી રાજપૂતે શાળાની મુલાકાત લઈ ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળકો સાથે વાત્સલ્યભેર સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે સુદીપ ફાર્મા લિમિટેડના એમ.ડી.સુજીત ભાયાણી, અમદાવાદના ઉદ્યોગપતિ પ્રવીણભાઈ કોટક, નંદેસરી ગામના સરપંચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. પાંડે, અગ્રણીઓ, પદાધિકારીઓ, આચાર્ય સહિત શાળાનો સ્ટાફ, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Reporter: admin

Related Post