મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ૩૩ વર્ષીય ભારતીય મૂળના સૌરભ આનંદ પર કિશોરોના એક જૂથે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેને જીવલેણ ઇજાઓ થઈ હતી અને તેનો હાથ લગભગ કપાઈ ગયો હતો.
જો કે ડોક્ટરોેએ જટિલ સર્જરી કરીને તેનો હાથ બચાવી લીધો હતો. ઓસ્ટ્રેલિયામાં યુવા ગુનાખોરી વધતા જામીનના કાયદા સખત બનાવાયા હોવા છતાં હુમલાખોરો સગીર વયના હોવાથી તેમને જામીન પર મુક્ત કરાયા.૧૯ જુલાઈના રોજ આનંદ એલ્ટોના મીડોઝના સેન્ટ્રલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાંથી દવાઓ લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. અહેવાલો અનુસાર, પાછળથી તેની નજીક આવીને તેને જમીન પર ધક્કો મારવામાં આવ્યો અને વારંવાર મુક્કા મારવામાં આવ્યા. એક કિશોરે તેના ખિસ્સા ફંફોળ્યા જ્યારે બીજાએ તેના ગળા પર છરી મૂકી રાખી. આનંદે તેના ચહેરાને બચાવવા માટે સહજ રીતે હાથ ઊંચો કર્યો, ત્યારે છરી તેના કાંડા, પછી તેના હાથ અને અંતે તેના હાડકાને ચીરતી નીકળી ગઈ.
આનંંદે હોસ્પિટલમાંથી ઘટનાને યાદ કરતા જણાવ્યું કે હું તો માત્ર બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે તેની પીઠ, ખભા અને માથા પર ઊંડા ઘા થયા હતા અને કેવી રીતે તેનો હાથ દોરાની જેમ લટકી રહ્યો હતો. અજાણ્યાઓ તેની મદદે દોડી આવ્યા અને ઈમરજન્સી સેવાઓને બોલાવી હતી જેનાથી તેનો જીવ બચી ગયો.પ્રારંભમાં ડોક્ટરોને લાગ્યું કે તેનો હાથ કાપી નાખવો પડશે પણ પછી સ્ક્રૂ બેસાડવા સહિતની કલાકોની જટિલ સર્જરી પછી ડોક્ટરો તેનો હાથ ફરી જોડવામાં સફળ રહ્યા. આનંદના હાથના હાડકા અને કરોડરજ્જુમાં પણ ફ્રેકચર થયું.પોલીસે આ હુમલા સાથે સંકળાયેલા અનેક ટીનેજરોની ધરપકડ કરી. એક ૧૪ વર્ષીય કિશોરને ગંભીર આરોપો હેઠળ રિમાન્ડમાં લેવાયો જ્યારે પંદર વર્ષના બે કિશોરોને જામીન મળતા ન્યાયની યાચના કરતા આનંદે હતાશા વ્યક્ત કરી.
Reporter: admin







