નાબાર્ડ દ્વારા શહેરના રેસકોર્ષ સ્થિત વાણિજ્ય ભવન ખાતે આજથી ત્રિ-દિવસીય ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેતપેદાશોના વેચાણ સહ પ્રદર્શનનો નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. ૭ જુલાઇ ૨૦૨૪ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં નાના ખેડૂતોના કૃષિ-વ્યાપાર સંઘ (SFAC), ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અને નાબાર્ડના સહયોગથી વિવિધ ચાલીસ જેટલા સ્ટોલ થકી વેચાણ સહ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
નાબાર્ડ દ્વારા આયોજીત આ 'તરંગ : સેલિબ્રેટિંગ કલેક્ટિવાઇઝેશન' માં રાજ્યના ૨૩ જિલ્લાના એફ. પી. ઓ. અને એસ. એફ. એ. સી. ના ખેડૂતો સહભાગી થયા છે.આ તરંગ મેળાનો ઉદ્દેશ્ય સમગ્ર ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠનો તરફથી રોજિંદા જરૂરિયાતના ઉત્પાદનો જેવા કે પ્રાકૃતિક કૃષિ પેદાશો, ઓર્ગેનિક ખાદ્ય અનાજ, મસાલા, શાકભાજી અને ફળોના વેચાણ સહ પ્રદર્શનનો છે. નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલે જણાવ્યું હતું કે, નાબાર્ડ દ્વારા સમગ્ર દેશમાં સાત હજાર એફ. પી. ઓ.જ્યારે ગુજરાતમાં ૩૦૦ થી વધુ એફ. પી. ઓ. ની રચના કરવામાં આવી છે. એફ. પી. ઓ. ના માધ્યમથી નાના ખેડૂતો પોતાની કૃષિ પેદાશોને કોઈ પણ પ્રકારના વચેટિયા વગર સીધા જ ગ્રાહકોને વેચી શકે છે. જેથી તેઓ આર્થિક રીતે સદ્ધર બને છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વેચાણ સહ પ્રદર્શનમાં ૨૦ એફ. પી. ઓ. તથા ૨૦ એસ. એફ. એ. સી. સહિત ૪૦ સંગઠનોના અંદાજે ૧૮ હજારથી વધારે ખેડૂતો જોડાયા છે.
વડોદરા શહેરના નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લેવાનો અનુરોધ કરતા તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોને સતત આવક મળતી રહે તે માટે આ મેળાનું આયોજન મહત્વનું બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું હતું. જાડા ધાન્ય એટલે કે અન્નને લોકોની થાળી સુધી પહોંચાડવા આ પ્રદર્શન સ્ટોલમાં પાંચ અન્ન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે, નાબાર્ડ દ્વારા ફાર્મર ટુ કન્ઝ્યુમર અને આર્ટીઝન ટુ કન્ઝ્યુમરની વિભાવનાને સાકાર કરવા માટે તબક્કાવાર આવા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. શહેરના નાગરિકોને શુદ્ધ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓ મળી રહે તે માટે નાબાર્ડ, એસ. એફ. એ. સી. અને ઓ. એન. ડી. સી. ના સહયોગથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ મેળા દ્વારા ખેડૂતોને સપ્લાય ચેઇન મધ્યસ્થીઓ, જેમ કે એ.પી.એમ.સી અને જથ્થાબંધ વેપારીઓ સાથે જોડવામાં પણ મદદ કરશે.પ્રારંભમાં નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક રિતીક વાલિયાએ સૌનો આવકાર કરી તરંગ મેળાનો હેતુ સમજાવ્યો હતો.આ પ્રસંગે બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, છોટાઉદેપુરના નિયામક ડો. ભરત મહેતા, પારુલ યુનિ.ના ડો.વિજય કાલે તેમજ વિવિધ સહકારી અને ગ્રામીણ બેંકના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus