વડાપ્રધાન સવારે એરપોર્ટથી એરફોર્સ સ્ટેશન ગેટ સુધી એક કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાનની એક ઝલક માટે વડોદરાવાસીઓમાં અધીરાઈ સાથે અનેરો થનગનાટ

રોડ શો ના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિંગ્ઝ સાથે વિવિધ ઝાંખીઓ અને સાંસ્કૃતિક કૃતિઓ વાતાવરણને ઉર્જામય બનાવશ
આવતીકાલે સવારે વડોદરાની ધરતી પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થશે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાનની એક ઝલક જોવા માટે વડોદરાવાસીઓ અધીરા બન્યા છે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત અને અભિવાદન માટે સરકારથી લઈને સંગઠન અને પ્રજાજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આવતીકાલે એટલે કે સોમવારે સવારે ૯ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સીધા વડોદરા એરપોર્ટ પહોંચશે, ત્યારે એરપોર્ટ પ્રિમાઈસીસ એટલે કે ટાર્માક એરિયાની બહારના ભાગે નાસિક બેન્ડની સાથે સાથે NCC, NSS, SRP, પોલીસ બેન્ડ, વીએમસી બેન્ડ, નાગરિક સંરક્ષણ દળ સહિત વિવિધ બેન્ડથી તેમનું ભવ્ય અને ઉર્જાવાન સ્વાગત કરવામાં આવશે.ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાફલો રોડ શો સ્વરૂપે એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી જશે. અંદાજે આ એક કિલોમીટરના ભવ્ય રોડ શોમાં ૧૫ સ્ટેજથી વધારે સ્ટેજ પર દેશભક્તિની થીમ પર તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી નિહાળી લોકો રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે ગર્વની અનુભૂતિ કરશે. તદુપરાંત રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિગ્ઝની સાથે સાથે બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ ફાઇટર, જેટ સહિતના ભારતીય સેના શસ્ત્રો સહિતની પ્રતિકૃતિઓ મૂકવામાં આવશે.

રોડ શો ના રૂટ પર અંદાજે ૨૫ હજાર મહિલાઓ ઓપરેશન સિંદૂર થકી પહેલગામ આતંકી હુમલાની પીડિત ભારતીય નારીઓને ન્યાય અપાવવા બદલ વડાપ્રધાનશ્રીનું આભાર અભિવાદન કરશે. દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા બેનરો થકી તેઓ ભારતીય સેનાના પરાક્રમને પણ બિરદાવશે. વિવિધ ધર્મ, સમાજ, વર્ગો તેમજ સંસ્થાઓના લોકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ આ રોડ શોના સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થશે. રોડ શોના રૂટ પર તિરંગા લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાનના રોડ શોને લઈને વડોદરા શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે વિશેષ અને વ્યાપક તૈયારીઓ કરી છે. વડોદરામાં નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરમાં ડ્રોન કેમેરા ઉડાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ ટ્રાફિક મેનેજમેન્ટ અને વડાપ્રધાનશ્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે સવારના ૭ વાગ્યાથી ૧૧ રસ્તાઓને નો એન્ટ્રી ઝોન જાહેર કરવામાં આવ્યા છે.


Reporter: