News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં ચોમાસામાં, વિશ્વામિત્રીમાં પાણી ન હોય તો પણ 50% જાહેર રસ્તાઓ અને સોસાયટીઓ ઘુંટણભેર પાણીમાં હોય છે

2025-05-08 09:50:05
વડોદરા શહેરમાં ચોમાસામાં, વિશ્વામિત્રીમાં પાણી ન હોય તો પણ 50% જાહેર રસ્તાઓ અને સોસાયટીઓ ઘુંટણભેર પાણીમાં હોય છે


વડોદરા બધા પેરામીટરમાંથી નીચે ઉતરતું જાય છે.વડોદરાને સ્માર્ટ સિટી કઈ રીતે કહી શકાય ?... 
જેટલા નવા કમિશનર,ડે.મ્યુ.કમિશનર પ્રમુખ, ચેરમેન,મેયર,ડે.મેયર આવે છે તે સહિયારા પ્રયત્નથી વડોદરાને પાંચ વર્ષ પાછળ ધકેલતા જાય છે...  વગર
શાસકો અને અધિકારીઓ સમજી લે કે આ તો માત્ર ટ્રેલર હતું..પિક્ચર હજી બાકી છે... 

વડોદરામાં 2 દિવસ ભારે પવન સાથે વરસેલા વરસાદે કરેલી મોકડ્રીલમાં કોર્પોરેશનનું તંત્ર સદંતર નાપાસ થયું છે. આ 2 દિવસમાં શહેરમાં જે તારાજી સર્જાઇ તેને જોતાં કોર્પોરેશનના અધિકારીઓ ક્યા આધારે ભરતી કરી દેવાયા છે તે સવાલ ઉભો થયો છે તો સાથે  હિન્દુત્વના નામે પ્રજાના મત લઇને અને વડાપ્રધાન મોદીજીના નામે લાગણી જીતીને કોર્પોરેશનના શાસકો સતત સત્તા મેળવતા રહ્યા છે. તેમને હવે જનતા ક્યા આધારે વધુ એક મોકો આપશે તે પણ સવાલ પુછાઇ રહ્યો છે. આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વડોદરામાં પડ્યો છે પણ 2 દિવસમાં તો શહેરની હાલત એવી થઇ ગઇ છે કે જાણે વડોદરાવાસી નર્કાગારમાં જીવતો હોય. કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓને શરમ આવવી જોઇએ કે પ્રજા વર્ષે દહાડે આટલો મોટો ટેક્સ ચુકવે છે છતાં તેને શાંતીથી જીવવાનો મોકો મળતો નથી. સંવેદનહીન તંત્ર અને અધિકારીઓ અને નેતાઓના પાપે વડોદરાવાસીઓએ આ 2 દિવસમાં જે યાતના ભોગવી છે તેને જોતાં આગામી ચોમાસામાં જનતાને કેટલી મુસીબતો ભોગવવી પડશે તે વિચારવું જરુરી છે. કોર્પોરેશન સમજી લે કે આ તો માત્ર ટ્રેલર હતું..પિક્ચર અભી બાકી હૈ.તમારી નિષ્ફળતાના કારણે આગામી ચોમાસુ શહેરીજનો માટે યાતનાવાળુ પસાર થશે તે વાત ચોક્કસ છે. હવે તો હદ થાય છે. જવાબદારોએ સામેથી રાજીનામા આપી દેવા જોઇએ,અથવા વિપક્ષે જવાબદારોના રાજીનામા માંગી લેવા જોઇએ. 




નવસર્જન અંતર્ગત કરેલા માટીના ટેકરા ગયા પાણીમાં..
વિશ્વામિત્રીમાં પૂરને રોકવા માટે 1200 કરોડનું આંધણ કરીને કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ કેટલા મૂર્ખ છે તે આ 2 દિવસના માવઠામાં જોઇ શકાયું છે. વિશ્વામિત્રીને ઉંડી અને પહોળી કરીને તેની માટી નદીના કિનારા પર જ રાખવામાં આવતા ભારે વરસાદના કારણે આ માટી નદીમાં ફરીથી ધસી પડી છે. હવે ફરીથી આ માટી ઉલેચવી પડશે ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શાસકો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને મલાઇ મેળવવા માટે જ લાવ્યા છે કે કેમ તે સવાલ પુછાઇ રહ્યો છે. વહેલી સવારથી ધૂમધડાકા સાથે પધારેલા મેઘાએ વિશ્વામિત્રીને વહેતી કરતાં આપોઆપ જ નદીની સફાઇ થઇ ગઇ છે. નવસર્જન અંતર્ગત કરેલા માટીના ટેકરા ગયા પાણીમાં..આજના વરસાદથી નદીની માટી પાણીમાં જતાં હવે કામના કલાકોમાં વધારો કરવો પડશે અને તેનાથી કોન્ટ્રાક્ટરોના બિલમાં વધારો થશે તો કટકીમાં પણ વધારો થતાં પદાધિકારીઓ અને પાલિકા તંત્ર પણ ખુશ છે. 

વડોદરા નવનાથના ભરોસે...
વરસાદની મોકડ્રીલમાં પાલિકા નિષ્ફળ ગઇ છે. શહેરના ઝોનવાઇસ સાફસફાઇ થઇ જ નથી.શહેરની વરસાદી કાંસોની સફાઇ જ થઇ નથી, ઝાડ ટ્રીમીંગ થયા નથી. ગટરની સફાઇ થઇ નથી. આ 2 દિવસમાં રીતે કોર્પોરેશને જે કામગીરી કરી છે તે જોતા ગત વર્ષે ના પૂર માં ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી આવા તરાપા વસાવવાની સલાહ આપી હતી.આ વખતે તરાપાનો ઉપયોગ કરાય તો નવા નહી. દર વખતની જેમ આ 2 દિવસના વરસાદમાં પણ નવનાથે લાજ રાખી અને આ વખતે મોટી મુસીબત ના આવી. નવનાથે જ વડોદરાવાસીઓને ભૂકંપ અને પૂરમાં બચાવ્યા હતા. હવે ભગવાને પણ કોર્પોરેશનને કહ્યું કે કામગીરી કરો નહીંતર દર વખતની જેમ આ વખતે હવે હું નહીં બચાવું  

તુલસીવાડી હાથીખાના વિસ્તારમાં જળબંબાકાર...
ભારે વરસાદના કારણે શહેરના તુલસીવાડી હાથીખાના રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. બીજી તરફ માર્ગો ઉપર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. કમોસમી વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાખી હતી. મંગળવારે રાતથી શરૂ થયેલો વરસાદ સતત બીજા દિવસે પણ યથાવત રહેતા સ્લમ વિસ્તારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના તુલસીવાડી રોડ હાથીખાના પાસે રામદેવપીરની ચાલી સહિતના લોકોના ઘરોમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા હાલાકી વેઠવાની ફરજ પડી છે. જ્યારે માર્ગ ઉપર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. પાણીનો નિકાલ ન થતાં પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. 

વરસાદના કારણે શહેરમાં મોકડ્રીલ વગર જ અંધારપટ છવાયો...
ભારે પવન અને વરસાદથી વડોદરામાં સામાન્ય જનજીવન પર ભારે અસર પડી હતી. ભારે પવનને કારણે વીજળી પુરવઠા પર પણ નોંધપાત્ર અસર પડી હતી. આશરે 11 KV ફીડરમાંથી 150 ફીડર ઠપ્પ થઈ ગયા હતા, જેના કારણે વીજળી ખોરવાઈ ગઈ હતી. તંત્રએ વીજ થાંભલાઓનું સમારકામ કરવા અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટે ટીમો તૈનાત કરી હતી. તાત્કાલિક દેખરેખ અને સંકલન માટે સર્કલ ઓફિસમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો, પરિસ્થિતિની નજીકથી સમીક્ષા કરી હતી. વૃક્ષો અને હોર્ડિંગ્સ પડવાને કારણે સૌથી વધુ નુકસાન થયું હતું; આ ઘટનામાં લગભગ 76 થાંભલા અને સાત ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું.

મ્યુ.કમિશનરના બંગલામાં પણ પાણી ભરાયા...
શહેરના નવા મ્યુનિ.કમિશનર અરુણ મહેશ બાબુને પણ વરસાદે પરચો આપી દીધો છે. 2 દિવસના વરસાદમાં મ્યુનિસિપલ કમિશનર બંગલો તથા વિશ્વામિત્રી નદીની નજીક આવેલા કમાટીબાગમાં પણ પાણી ભરાયા હતા. જેના માથે આખા શહેરમાં પાણી નહીં ભરાવાની જવાબદારી છે તે જ કમિશનરના બંગલામાં પાણી ભરાતા કમિશનર પણ તંત્રની કામગીરીથી મુંઝવણમાં મુકાઇ ગયા હશે અને પોતાના અધિકારીઓની અણઆવડત પણ ઓળખી ગયા હશે. જો કમિશનરના બંગલાની જ આ હાલત થઇ હોય તો સામાન્ય માણસના ઘરમાં કેટલું પાણી હશે તે વિચારવા જેવું છે.

કારેલીબાગ નાગરવાડામાં પાણી ભરાયા...
શહેરમાં એક પણ વિસ્તાર એવો નહીં હોય કે 2 દિવસના વરસાદમાં પાણી ના ભરાયા હોય. કારેલીબાગ, નાગરવાડા વિસ્તાર જળબંબાકાર બન્યો હતો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા. ગટરના ઢાંકણા ખોલીને પાણી નિકાલ કરવાની લોકોને ફરજ પડી હતી. 



ચાર દરવાજા વિસ્તાર પણ જળબંબાકાર..
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પણ વરસાદે કહેર વરતાવ્યો હતો. પાલિકાના પ્રતાપે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને યોગ્ય નિકાલ જ થયો ન હતો. માંડવી, ન્યાયમંદિર અને રાવપુરા, ગેંડીગેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

અલકાપુરી સહિતના વિસ્તારો પણ જળબંબાકાર...
બીજી બાજુ અલકાપુરી, રાજસ્થંભ સોસાયટી, નરહરિ હોસ્પિટલ તથા કમાટીબાગ, તુલસીવાડી વિસ્તારમાં પણ જળબંબાકાર થયો હતો. દર વર્ષની જેમ.2 દિવસના કમોસમી વરસાદમાં પણ આ જ વિસ્તારો ફરીથી જળબંબાકાર થયા હતા.

મગર પણ આવ્યા બહાર...
ચોમાસાની જેમ 2 દિવસના વરસાદમાં પણ મગરોએ શહેરમાં ટહેલવાનું શરુ કરી દીધું હતું. પોલો ગ્રાઉન્ડની બહાર મગરનું બચ્ચું આવતાં હડકંપ મચી ગયો હતો. વરસાદી પૂરના કારણે વન્યજીવ શહેરમાં પ્રવેશ્યા હતા અને સ્થાનિકોમાં ગભરાટ ફરી વળ્યો હતો. કોર્પોરેશન વન વિભાગની નિષ્ક્રિયતા પર સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું શહેરમાં વન્યજીવ સુરક્ષા અને નાગરિક સલામતીની ખાતરી મળશે?  ઉપરાંત આયુર્વેદિક કોલેજ સામે કોટયાર્ક નગરથી કુરેશ પાર્ક જતા રસ્તા પર સિંગોડા તળાવનું પાણી ફરી વળ્યું હતું જેથી  રૂપારેલ કાંસનું પાણી બેક મારતાં ફાટવાનો ભય જોવા મળી રહ્યો હતો.

અકોટા વિસ્તાર પણ પાણીમાં...
વરસાદમાં અકોટા વિસ્તાર પણ પાણી ભરાવાની સમસ્યામાંથી બાકાત રહી શક્યો ન હતો. અકોટા સામ્રાજ્યમાં પાણી ભરાયા હતા અને લોકો દર ચોમાસાની જેમ માવઠામાં પણ તકલીફમાં મુકાયા હતા.

મકરપુરાની પણ ખરાબ હાલત...
વોર્ડ નં. 17 માં આવેલ મકરપુરા રોડ સ્થિત કબીર કોમ્પલેક્ષ તેમજ ડોન બોસ્કો સ્કૂલ પાસે પાલિકા તંત્ર દ્વારા ટીપી રોડ બનાવે હજી ૧૫ દિવસ પણ નથી થયા અને રોડ પર પાણી ભરાવવાનું ચાલુ થઈ ગયું. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ આજદિન સુધી કબીર કોમ્પલેક્ષવાળા રોડ પર પાણી ભરાયા નથી.જ્યારથી પાલિકા દ્વારા નવો રોડ બનાવ્યો છે કે કમોસમી વરસાદમાં પણ પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હજી રોડ પર ઠાલવેલ રેતી પણ હટી નથી એ પહેલા રોડ ઉપર સરોવર જેવી સ્થિતિ થઈ છે. રોડ પર અમુક જગ્યાએ દબાણનાં કારણે રોડ રોલર પણ બરોબર વાગ્યું નહોતું જેના કારણે રોડ લેવલમાં થયો નથી. અગાઉ આની જાણ સ્થાનિક કાઉન્સિલર તેમજ મ્યુ.કમિશનર ને પણ કરેલ હતી પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર નાં પગલા ન લેતા રોડ નું લેવલ બગડ્યું છે. રોડ પર ભરાયેલ વરસાદી પાણી નાં નિકાલ માટે બનાવેલ મેનહોલ પણ રોડનાં લેવલ કરતા ઊંચા છે જેના કારણે પણ પાણી નો યોગ્ય નિકાલ થતો નથી. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. કમોસમી વરસાદ માં રોડની આ પરિસ્થિતિ છે ત્યારે આગામી સમયમાં આવનાર ચોમાસામાં રોડની શું પરિસ્થિતિ હશે એ પણ વિચારવાનું રહ્યું. આ સમગ્ર ઘટનાને આધારે કોંગ્રેસ આગેવાન પાર્થ પટેલ દ્વારા ટીપી રોડ ની પાલિકા તંત્ર દ્વારા ચકાસણી કરી ને રોડમાં સુધારા વધારા કરી વ્યવસ્થિત લેવલીંગ કરવાની માંગ કરી હતી. વરસાદના કારણે મકરપુરા રોડ પર સુસેનથી ડીમાર્ટ સુધી નવી નાંખેલી ડ્રેનેજ લાઇનના ખાડા બરાબર ન પૂરાતાં માટી ઢસડાતાં રોડ જોખમી બનતાં પાલિકાનું તંત્ર દોડ્યું હતું. મકરપુરા વિસ્તારની અનેક સોસાયટીઓ જળબંબાકાર બની હતી. વરસાદી પાણીનો નિકાલ જ ના થવાના કારણે પાણી ઉતર્યું ન હતું પરિણામે લોકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.  

કમિશનર બાબુ..જરા જુઓ...
મ્યુનિસિપલ કમિશનર સાહેબ જુઓ કે વરસાદી લાઈનો ચોકઅપ થઇ ગયેલી છે.  તમે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ની કામગીરીનું નિરીક્ષણ કરો છો, બરાબર પરંતુ શહેરના એવા કેટલાય વિસ્તારો છે કે જેનુ વરસાદી પાણી વિશ્વામિત્રી નદીમાં નથી જતું . એ કાંસોમાં થઈને તેનો નિકાલ થાય છે જ્યારે વરસાદી લાઈનો જ આ રીતે ચોકઅપ હશે અને ઉનાળામાં પણ પાણીથી છલોછલ હશે તો પછી વરસાદમાં પરિસ્થિતિ કેવી રહેશે આપ સમજી શકો છો....

ભાયલીમાં ચાલી શકાય તેવી જ હાલત નથી...
ભાયલી નવરચના યુનિ. વિસ્તારમાં પણ ખરાબ હાલત થઇ ગઇ હતી. રોડ વગરની સોસાયટીઓમાં કાદવ કિચડ થઇ ગયો છે. જાહેર રસ્તા ઉપર પણ એવી ખરાબ હાલત છે કે કિચડના કારણે લોકોને ચાલવામાં પણ તકલીફ પડે તેમ છે. ગાડી પણ લઇ જઇ શકાય તેમ નથી અને ટુ વ્હીલર તો સ્લીપ થઇ જાય તેવી હાલત છે. વિકાસના બણગાં ફૂંકતા શાસકોએ આ વિસ્તારની મુલાકાતે જવું જોઇએ જેથી તેમને પણ ખબર પડે કે તમને જેમણે વોટ આપ્યા છે તે કેવી હાલતમાં રહે છે.સ્માર્ટ સિટીનો અહેસાસ ભાયલી વિસ્તારમાં આવો તો થાય.કોઈ દિવસ બાબુજી કા.ઈ.(રોડ) સાથે આ વિસ્તારમાં પધરામણી કરે.

ફતેગંજમાં ખાડામાં કાર ખાબકી....
 વિસ્તાર માં ડ્રેનેજ ની કામગીરી માટે ખોદેલા ખાડામાં કાર ખાબકી હતી. 2 દિવસના ભારે વરસાદના કારણે પાલિકાની પોલ ખુલી ગિ છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી કામગિરી કેટલી હદે બોગસ હોય છે તે પુરવાર થયું હતું. ડ્રેનેજની કામગિરી માટે ખોદેલા ખાડામાં કાર ખાબકી હતી પણ જો કોઇ વ્યક્તિ ખાડામાં ગરકાવ થયો હોત તો દૂર્ઘટના સર્જાઇ ગઇ હોત

આદિત્ય હાઇટ્સ જળબંબાકાર...
શહેરના પૂર્વ વિસ્તાર માવઠાના વરસાદમાં જ જળબંબાકાર થઇ ગયો હતો. ગુરુકુળ ચાર રસ્તા પાસે નારાયણ વિદ્યાલય નજીક આવેલી આદિત્ય હાઇટ્સ બિલ્ડીંગમાં તો જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી. આ બિલ્ડીંગમાં રહેતા કેતુલ શાહે સોશિયલ મિડીયામાં સોસાયટીમાં ભરાયેલા પાણીની તસવીરો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ આજની સ્થિતી જુવો. શું કોર્પોરેશન કે સરકાર મદદ કરશે કે પછી અમે આ જ સ્થિતીમાં રહીએ. સામાન્ય વરસાદમાં આવી પરિસ્થીતી છે. તો ચોમાસામાં શું હાલત થશે. ગયા વર્ષે અમને કોર્પોરેશને સોલ્યુશન લાવવાની ખાતરી આપી હતી પણ તેમણે પોતાનું કામ કર્યું નથી. અને અમે હવે કેવી રીતે તેમને મત આપીએ.

Reporter: admin

Related Post