News Portal...

Breaking News :

વરસાદમાં શહેરીજનો ભગવાન ભરોસે..કોર્પોરેશનનું પાણી મપાઇ ગયું.

2025-07-07 10:45:10
વરસાદમાં શહેરીજનો ભગવાન ભરોસે..કોર્પોરેશનનું પાણી મપાઇ ગયું.


ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા
મેયર અને ચેરમેન તથા અધિકારીઓ હવે ચોમાસાની સિઝન ગાયબ થઇ ગયા
અમે આ ઘટનાં પહેલા પણ જણાવ્યું હતું કે જો આ વખતે પાણી ભરાશે તો પ્રજાના ગુસ્સાને કોઈ શાંત કરી શકશે નહીં. વડોદરાની જનતા 2005 થી 2025 સુધી સતત પૂરથી ત્રસ્ત છે. કરોડો રૂપિયા નો ધુમાડો થઈ રહ્યો છે પરંતુ સમસ્યા ઠેર અને ઠેર છે.



મુખ્યમંત્રી ઝીરો ટોલરન્સની વાતો કરે છે, બીજી બાજુ પાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ-ઈજનેરો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. દોઢ ઇંચનાં વરસાદમાં રોડ ઉપર દોઢ ફૂટ પાણી ભરાઈ જાય તો ફરિયાદ કોને કરવાની ?
વડોદરાની જનતા હવે જાગે.જુવાનીયાઓ મેદાનમાં આવે. નબળા નેતાઓને ભરોસે હવે રહેવાય નહીં.બોલબચ્ચન કોર્પોરેટરોને ખુલ્લા કરો. ભ્રષ્ટ અધિકારીઓને-નેતાઓને ઘર ભેગા કરો.
રવિવારે પણ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. કોર્પોરેશનનો એક પણ અધિકારી કે કોર્પોરેટર કોઇ વિસ્તારમાં જોવા મળ્યો ન હતો. વરસાદ ચાલુ રહેતા શહેરનો એક પણ વિસ્તાર એવો નથી કે ત્યાં રસ્તા પર મોટા ખાડા ના પડ્યા હોય. ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. કોર્પોરેશને પ્રિ મોન્સુન કામગિરી કરી જ નથી તે હવે જાહેર થઇ ગયું છે. નિચાણવાળા વિસ્તારો સતત પાણીમાં ગરકાવ થઇ રહ્યા છે. વડોદરામાં સતત ભારે વરસાદની આગાહી છે જેથી શહેરીજનો હવે ભગવાન ભરોસે જીવી રહ્યા છે. કોર્પોરેશન તેમના કોઇ કામમમાં આવવાની નથી તે પુરવાર થઇ ગયું છે. શહેરના ચારેય ઝોનમાં પાણી ભરાયેલા છે તો ગટરો ઉભરાઇ રહી છે. વરસાદી કાંસો અને ગટરમાંથી પાણી પસાર થઇ શકે તેમ નથી તેથી બધુ પાણી બહાર આવી રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે. શહેરીજનોની હાલત કફોડી બની છે. આખુ વર્ષ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે લોકોને લોલીપોપ આપનારા મેયર અને ચેરમેન તથા અધિકારીઓ હવે ચોમાસાની સિઝન આવી એટલે ગાયબ થઇ ગયા છે. વિશ્વામિત્રીમાં અને આજવા સરોવરમાંથી પાણી છોડાયું ના હોવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થવાના કારણે મોટાભાગનું શહેર જળબંબાકાર બન્યું છે જેથી રોગચાળો પણ ફેલાઇ રહ્યો છે. ખાડાઓ અને પાણી ભરાવાની સમસ્યા તથા ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 



કલાલીમાં રસ્તાની હાલત ખરાબ, પ્રજાનો નવતર વિરોધ 
વડોદરામાં ચોમાસામાં રોડ રસ્તાની હાલત દિવસેને દિવસે ખખડી રહી છે. રસ્તાની પાયાની જરૂરિયાત સામે પણ નાગરિકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજે શહેરના કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ  રાકેશ ઠાકોર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યા છે. તેઓ રજાના દિવસે રવિવારે વિસ્તારમાં ખાડા ગણવા નીકળ્યા હતા અને સાથે જ તેમની કાર પર પોસ્ટર લગાડવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, પ્રજાની હાય લાગશે, અને જે હરામખોરો હવે ડામરના પૈસા ખાશે, એના ઘરે આવો બાબો આવશે. આ અનોખા વિરોધ બાદ પણ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હાલે છે કે નહીં તે જોવું રહ્યું. પ્રમુખ રાકેશભાઇએ મીડિયાને જણાવ્યું કે, કલાલીને પાલિકામાં સમાવ્યે 25 વર્ષ થઇ ગયા છે. અહિંયા ડેવલોપમેન્ટના નામે મીન્ડુ છે. રોડ રસ્તાની હાલત જોઇ હોય તો, જે હવે ડામરના પૈસા ખાશે તેને પ્રજાની હાય લાગશે. લોકો કંટાળી ગયા છે. હેરાન પરેશાન થઇ ગયા છે. અમે વિસ્તારમાં વોર્ડ નં - 12 માં ફરીશું, અને ખાડાની હાલત ચકાશીશું, અને પોસ્ટર વડે લોકજાગૃતિ લાવીશું. લોકોને કહેવું છે કે, તમે હવે જાગૃત થાઓ. નહીં તો ખાડામાં જ જીંદગી પસાર કરવી પડશે. તમારા કોઇ પણ કામ નહીં થાય. આ લોકો જલ્સા અને મસ્તીથી રહેશે. તમારા છોકરાઓ કીચડ અને ગંદકીમાં પડી રહેશે.

Reporter: admin

Related Post