શહેરમાં અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મિલેટ્સ મહોત્સવના મજાના આંકડા સામે આવ્યા છે.

આ મિલેટ્સ મહોત્સવ સાથે રાખવામાં આવેલા ખાણીપીણીના સ્ટોલ પૈકી ડાંગના પ્રસિદ્ધ અન્ન નાગલીના રોટલા અને તેની સાથે રિંગળાના શાકે મુલાકાતીઓમાં ઘેલું લગાડ્યું હતું. મિલેટ્સ મહોત્સવના બે દિવસમાં મુલાકાતીઓ રૂ. એક લાખના નાગલીના રોટલા અને રિંગણાના શાકની થાળી આરોગી ગયા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું કે, ડાંગ જિલ્લાની સુબીર તાલુકા ફાર્મર ફ્રેન્ડ ઓર્ગેનિક કોઓપરેટિવ મંડળીનો સ્ટોલ પણ મિલેટ્સ મહોત્સવમાં લાગ્યો હતો. આ મંડળીના ખેડૂતો દ્વારા નાગલીના રોટલા, રિંગણ અને બટાકાનું શાક, મગની દાળ તથા લીલા મરચા – લસણની થાળી નજીવા દરે પીરસવામાં આવતી હતી. નાગલીના રોટલાની સ્વાદિષ્ટતાની ખબર પડતા ત્યાં મુલાકાતીઓને ભીડ જમાવી દીધી હતી. મિલેટ્સ મહોત્સવના પ્રથમ અને બીજા દિવસે ખાસ કરીને સાંજના સમયે આ સ્ટોલ ઉપર મુલાકાતીઓએ ભીડ જમાવી હતી અને અન્નની થાળી ભરપેટ આરોગતા જોવા મળ્યા હતા.

આ મંડળીએ બન્ને દિવસમાં કુલ મળી રૂ.એક લાખનું વેચાણ કર્યું હતું. મતલબ કે, વડોદરાના સ્વાદરસિયાઓ બે દિવસમાં એક લાખ રૂપિયાના નાગલીના રોટલા જમી ગયા. આ ઉપરાંત ૬૨ જેટલા વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશો અને ૧૭ લાઇવ ફુડ સ્ટોલનુ પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં પ્રથમ દિવસે અંદાજીત ૧૧૦૦ જેટલા ખેડુત અને ૧૪૦૦૦ જેટલા શહેરીજનોએ ભાગ લીધો હતો જેમા પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની ખેત પેદાશ, વિવિધ મીલેટમાથી ઉત્પાદિત વિવિધ વાનગીઓ અને લાઇવ ફુડ સ્ટોલમા કુલ રૂ. ૮,૫૦,૦૦ જેટલુ અને બીજા દિવસે ૯૦૦ જેટલા ખેડુત અને ૨૪૦૦૦ જેટલા શહેરીજનોએ ભાગ લીધો હતો. જેમા ૧૮.૫૦ લાખ રૂપિયાનુ વેચાણ થયું હતું. આમ, શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લેતા મિલેટ્સ મહોત્સવ સફળ થયો હતો. ઘણા મુલાકાતીઓએ ખેતીવાડીના અધિકારીઓ સમક્ષ નાગલીના રોટલા બનાવતી મંડળીનો એક કાયમી સ્ટોલ બનાવવાની માંગણી પણ કરી હતી.

Reporter: admin







