ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના બારકોટ વિસ્તારમાં મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે 17 મજૂરો એક બાંધકામ સ્થળ પર કામ કરી રહ્યા હતા.
અચાનક વાદળ ફાટવાની ઘટનાને કારણે મજૂરો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. હાલમાં એસડીઆરએફ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ બચાવ કામગીરી ચાલુ છે. આ વિસ્તારમાં ભારે વરસાદ અને કાટમાળને કારણે પરિસ્થિતિ ગંભીર છે. જેમાં બચાવ ટીમ કાટમાળમાં દટાયેલા મજૂરોને શોધી રહી છે.સ્થાનિક વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત છે. આ ઘટનાસ્થળની નજીકના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.
મોડી રાત્રે ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે બારકોટ તાલુકાના યમુનોત્રી વિસ્તારમાં પણ નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાદળ ફાટવાની ઘટના બની છે. જેના કારણે ઘણા લોકો નજીકમાં ફસાયા છે.જેમાં મળતી માહિતી મુજબ નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે. ઘણી જગ્યાએ ભારે નુકસાન થવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ યમુનોત્રી હાઇવે બ્લોક કરવામાં આવ્યો છે. પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ ઘટનાસ્થળે રવાના થયા છે. સિયાનાચટ્ટી નજીક નાળામાં કાટમાળ પડવાથી યમુના નદીનો પ્રવાહ બંધ થઈ ગયો છે. જેના કારણે સિયાનાચટ્ટીના નીચલા વિસ્તારમાં બનેલી હોટલો માટે ખતરો ઉભો થયો છે.
Reporter: admin