ભાજપ ડર-ધમકીથી 30 વર્ષથી સરકાર ચલાવે છે, હવે બદલાવ ઈચ્છે છે: ગોપાલ ઇટાલીયા
ભાજપના નેતાઓને ચેલેન્જ - 35 મિનિટ સુધી ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ લીધા વિના જનતાના મુદ્દા પર ભાષણ આપી બતાવો: ગોપાલ ઇટાલીયા
જન્મના કાર્ડથી લઈને મરણના કાર્ડ સુધી ગુજરાતમાં ધક્કા-પૈસા વગર કામ થતા નથી: ગોપાલ ઇટાલીયા
ભાજપના નેતાઓ 15 વર્ષમાં સાયકલ પરથી હેલિકોપ્ટર સુધી પહોંચ્યા, જનતા એ જ હાલતમાં: ગોપાલ ઇટાલીયા
રાજકોટ અમને એક તક આપે તો શ્રેષ્ઠ કામ કરી બતાવીશું: ગોપાલ ઇટાલીયા

ભાજપ સારી સરકારી સ્કૂલ-હોસ્પિટલ પણ નથી બનાવી રહી અને મળતિયાઓને કરોડોની જમીનો આપી દીધી: ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ગતરોજ રાજકોટ શહેરના પેડક રોડ ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજાઈ હતી. જેમાં શિવલાલ બારસીયા, તેજસ ગાજીપરા, અજીતભાઇ લોખીલ, દિનેશભાઈ જોશી, રાહુલભાઈ ભુવા, દિલીપસિંહ વાઘેલા, સંજયસિંહ વાઘેલા, હાર્દિક રાબડિયા, અશોકભાઈ દૂધાગરા, ચેતનભાઈ કમાણી અને 68 વિધાનસભા 2000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જબરજસ્ત ઉત્સાહ અને ઉર્જા સાથે હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોની હાજરી એ વાતનો સંકેત છે કે હવે રાજકોટમાં પણ "વિસાવદરવાળી" થવાની છે.આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારે મને વિશ્વાસ હતો અમારો રસ્તો અને અમારો વિચાર સાચો છે અને અમારી દાનત પણ સાચી છે માટે ઉપર બેસેલો હજાર હાથ વાળો ભગવાન અમારી સામે જોશે જોશે અને જોશે જ. આજે ભગવાન અમારી સામે જોઈ રહ્યા છે ત્યારે આખું ગુજરાત પણ અમારી સામે જોઈ રહ્યું છે એ વાતની મને ખુશી છે. સૌપ્રથમ હું વિસાવદરના મતદાતાઓનો આભાર માનીશ. વિસાવદરના હજારો ખેડૂતોએ, માતાઓ, બહેનોએ અને યુવાનોએ મને આશીર્વાદ આપ્યા. એમના આશીર્વાદ અને પ્રેમના કારણે જ આખા ગુજરાતની જનતા ખુશ છે અને એક ઉમ્મીદભરી નજરે જોઈ રહી છે.

અત્યાર સુધી જ્યારે પણ કોઈ વ્યક્તિ ધારાસભ્ય બનતો હોય તો તેનાથી જનતામાં કોઈ ખુશીની લહેર જોવા મળતી નથી પરંતુ પહેલી વખત મેં જોયું કે હું ધારાસભ્ય બન્યો ત્યારથી લઈને બે મહિના સુધી લોકોમાં ખુશીનો માહોલ હતો. તો સવાલ થાય કે ગુજરાતની જનતા આટલી ખુશ શા માટે છે? તો એનો જવાબ એ જ છે કે છેલ્લા 30 વર્ષથી આપણા મતથી ચૂંટાઈને આવતી ભાજપ સરકાર ડરાવી ધમકાવી અને ડંડાથી સરકાર ચલાવી. ભાજપની સરકારે જનતાને તો ડરાવી જ ડરાવી પરંતુ ભાજપના નેતાઓને પણ ડરાવ્યા, જેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા પરંતુ આમ આદમી પાર્ટીની જીતથી લોકોમાં હવે એક નવી ઉર્જાનો સંચાર થયો છે માટે લોકો ખુશ છે. હાલ એક બાળકનો જન્મ થાય છે તો એના જન્મની નોંધણી કરાવવા માટે 10-20 ધક્કા ખાવા પડે છે અને કગરવું પડે છે. આજે ગુજરાતમાં જન્મના કાર્ડમાં ધક્કા ખાવા પડે છે, મરણના કાર્ડમાં ધક્કા ખાવા પડે છે, આધાર કાર્ડના સુધારામાં ધક્કા ખાવા પડે છે અને ત્યારબાદ પણ ઉપરથી પૈસા આપવા પડે છે. ત્યાં સુધી કોઈ કામ થતા નથી. ભાજપની સરકારે જનતાને એટલી લાચાર બનાવી દીધી છે કે હાથ જોડ્યા વગર અને પૈસા આપ્યા વગર કોઈ કામ થતા નથી. અને જો તંત્ર વિરુદ્ધ કોઈ બે શબ્દ પણ બોલે તો પોલીસ બોલાવી લેવામાં આવે છે તેના વિરુદ્ધ ખોટી FIR કરવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે કે ભાજપ સામે બોલ્યો જ કેમ? આ રીતે ડરાવી ધમકાવીને અને લોકોને બીકમાં રાખીને 30 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે. મેં અમદાવાદમાં પોલીસ તરીકે જોયું કે નાના માણસ સાથે જે વર્તન થઈ રહ્યું છે તે વર્તન જરા પણ યોગ્ય નથી. જ્યારે પણ મેં નેતાઓને સાંસદોને ધારાસભ્યોને જોયા ત્યારે મને હંમેશા થતું કે આ લોકો કરતા વધારે હું હોશિયાર છું અને મને હંમેશા લાગતું કે હું ખોટી જગ્યાએ છું. ત્યારબાદ મેં નોકરી છોડી દીધી અને ધીરે ધીરે આગળ વધીને જનતાના આશીર્વાદથી આજે હું ધારાસભ્ય બન્યો છું. મેં ઘણા નેતાઓની નજીકથી જોયા છે અને એ લોકોમાં કોઈ ક્ષમતા નથી તો મને વિચાર આવે છે કે જનતા શા માટે આ લોકોને મત આપે છે? હું આજે ભાજપના રાજકોટના તમામ નેતાઓની ચેલેન્જ આપવા માગું છું કે ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ લીધા વગર સમાજના કોઈ પણ મુદ્દા પર 30 થી 35 મિનિટ ભાષણ કરી બતાવે. મને પૂરો વિશ્વાસ છે કે જનતાની કોઈ પણ સમસ્યા પર ભાજપનો કોઈ ધારાસભ્ય કે સાંસદ 35 મિનિટ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. આજે ખેડૂતની જમીન સરકાર પોતાના માનીતા લોકોને આપી દે છે. સુરત અને અમદાવાદમાં ક્યાંય સારી સરકારી સારા બનતા જોઈ નથી. સરકાર જમીનો પૈસાવાળા માણસોને વેચી નાખે છે. રોડના ઠેકાણા નથી, શાળાના ઠેકાણા નથી, હોસ્પિટલોના ઠેકાણા નથી અને તમે તમારી આસપાસના ભાજપના નેતાઓને જોશો તો તમને ખ્યાલ આવશે કે 15 વર્ષ પહેલાં જે માણસ પાસે સીટ વગરની સાયકલ હતી એ લોકો આજે હેલિકોપ્ટર ફરતા થઈ ગયા. તમે 15 વર્ષ પહેલા મહેનત મજૂરી કરીને એક એક રૂપિયો બચાવીને જીવન જીવતા હતા અને આજની પરિસ્થિતિમાં તમે એ જ રીતે જીવન જીવતા હશો જ્યારે ભાજપના નેતાઓ કરોડો રૂપિયા ખાઈ ગયા. હું ગુજરાતની જનતાને અપીલ કરવા આવ્યો છું કે હવે આ પરિસ્થિતિ બદલવા માટે અને ગુજરાતની અને ગુજરાતના લોકોની ભલાઈ કરવા માટે અમને એક તક આપો. ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટીના જ અમે લોકો છીએ જે ભાજપની મારથી ડરતા નથી, ભાજપની પોલીસ અને જેલથી ડરતા નથી, ભાજપના ખોટા કેસથી ડરતા નથી અને ભાજપની કોઈપણ ડરની રાજનીતિ સામે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી. જો તમે અમારી આવડતની અને અમારી સમજણ શક્તિની કદર કરતા હો તો એક વખત આખું રાજકોટ શહેર અમારા માટે હાથ મૂકી દે તેવી હું વિનંતી કરું છું. જો તમને લાગતું હોય કે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ કાંઈ ખોટું કરવા નથી આવ્યા, પૈસા કમાવા નથી આવ્યા, પોતાના ઘર ભરવા નથી આવ્યા અને તમને અમારા પર વિશ્વાસ હોય તો એક વખત અમને મોકો આપો અને આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકોટના તમામ લોકો અમને આશીર્વાદ આપો તો અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે રાજકોટમાં અમે ખૂબ જ સારા કામ કરીશું.

Reporter: admin







