તુરખેડા : શનિવારે 19 ઓક્ટોબરે છોટા ઉદેપુરના તુરખેડા ગામના માનુક્લા ફળિયામાં એક પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડી હતી.
પરંતુ ગામમાં આરોગ્યની સેવા ન હોવાના કારણે પ્રસૂતાને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની હતી. જોકે, ગામમાં સારો રસ્તો ન હોવાથી કોઈ એમ્બ્યુલન્સ પ્રવેશી શકતી નથી. તેથી પ્રસૂતાને ગામના લોકો ઝોળીમાં નાંખીને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા મજબૂર બન્યા હતાં. પ્રસૂતાને ઝોળીમાં નાંખી ત્રણ કિલોમીટર દૂર ડુંગર લઈ જવાઈ હતી અને ત્યાંથી ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાઈ હતી. આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા બાદ મહિલાને પ્રસૂતાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો.
આ અગાઉ બનેલી ઘટનામાં પ્રસૂતાને આ રીતે ઝોળીમાં લઈ જવાના કારણે જીવ ગુમાવ્યો તેના પણ 20 દિવસ થઈ ગયાં અને હાઈકોર્ટે રોડ બનાવવાનો આદેશ આપ્યો તેના પણ આશરે 15 દિવસ થવા આવ્યા. તેમ છતાં છોટાઉદેપુના તુરખેડામાં રસ્તો બનાવવાને લઈને તંત્ર જાણે કુમ્ભકર્ણ ઊંધી જ રહ્યું છે. તુરખેડાથી જે વીડિયો સામે આવ્યો છે, તેને જોઈને તો એવું લાગી રહ્યું છે કે, તંત્રએ 15 દિવસ છતાં અહીં રોડ બનાવવાની કામગીરી શરૂ પણ નથી કરી. પહાડી રસ્તો જેમનો તેમ ધૂળ-ઢેંફાવાળો દેખાઈ રહ્યો છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે, તંત્ર હાઇકોર્ટના આદેશને પણ ગણકારી નથી રહ્યું અને આ ગામના લોકોને પોતાના હાલ પર જીવવા મજબૂર કરી દીધાં છે.
Reporter: admin