અમદાવાદ: કાંકરિયા ઝૂમાં રવિવારે વિચિત્ર બનાવ બન્યો હતો. પ્રેમિકાને ખુશ કરવા માટે યુવાન વાઘણના પાંજરામાં ઘૂસી ગયો હતો. પ્રેમ પ્રેમીઓ પાસે કાંઈપણ કરાવી શકે છે એવું તો આપણે સાંભળ્યું છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.
શહેરના કાંકરિયા ઝૂમાં રવિવારે વિચિત્ર બનાવ બન્યો હતો. પ્રેમિકાને ખુશ કરવા માટે યુવાન વાઘણના પાંજરામાં ઘૂસી ગયો હતો. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે સમય સૂચકતા વાપરીને પાંજરામાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.સમાચાર પત્રોમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંદિપકુમાર ડાહ્યાલાલ પંડ્યાએ આ અંગેની મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ યુપીનો અને રખિયાલમાં ભાડે રહેતો અરુણકુમાર બ્રિજમોહન પાસવાન સામે ફરિયાદ નોંધાવી હતી કે, આ યુવક રવિવારે બપોરે કાંકરિયામાં ફરવા માટે આવ્યો હતો.
બપોરે તે હાથીના પાંજરા સામે આવેલા સફેદ વાઘણના પાંજરામાં પ્રવેશ્યો હતો. જે બાદ લીમડાના ઝાડ ઉપર ચઢીને ત્યાંથી વાઘણની પજવણીનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુવકનો ઝાડ પરથી બેલેન્સ જતો રહ્યો હતો અને પડતા પડતા બચ્યો હતો. જોકે, આ દ્રશ્ય જોતા આસપાસના લોકોએ બૂમાબૂમ કરી હતી જેથી ત્યાંના સિક્યોરિટીનો સ્ટાફ ત્યાં આવી ચડ્યો હતો. ઝૂના સ્ટાફે વાઘણને બીજા પાંજરામાં લઈ જવામાં આવી હતી અને મહામુશ્કેલીએ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.મણિનગર પોલીસે આરોપીને આ અંગેની પૂછપરછ કરી તો તેના જવાબમાં આરોપીએ કારણ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, યુવકે પ્રેમિકા સાથે વાત કરી તો પ્રેમિકાએ વાઘના પાંજરામાં જવાનું કહ્યું હતું.પ્રેમિકાએ કહ્યું હતું કે, જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો વાઘના પાંજરામાં જઈને બતાવ. જેથી પ્રેમિકા પાસે પોતાનો પ્રેમ સાબિત કરવા માટે તેણે આ કૃત્ય કર્યું હતું. યુવકને વાઘના પિંજરામાં જઈને પ્રેમિકાને વીડિયો કોલ કરવાનો હતો. પરંતુ લોકોએ તે પહેલાં જ બૂમાબૂમ કરતા તે વીડિયો કોલ કરી શક્યો ન હતો.
Reporter: admin