ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં ગુરુવારે પોલીસ અને કમાન્ડો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 12 નકસલવાદી ઠાર મરાયા હોવા ઉપરાંત બે સુરક્ષા અધિકારી ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
વાન્ડોલી ગામમાં ગઈ કાલે બપોરે સી-60 કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ છ કલાક ચાલી હતી, એમ ગઢચિરોલીના એસપી નિલોત્પાલે કહ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે 12 નક્સલવાદીના મૃતદેહ ઉપરાંત ત્રણ એકે-47, બે રાઈફલ સહિત સાત શસ્ત્ર કબજે કર્યા હતા.ઠાર મરાયેલા આતંકવાદીઓમાંથી એકને તિપાગઢ જાલમના ડીવીસીએમ લક્ષ્મણ અતરામ ઉર્ફે વિશાલ અતરામ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સી-60 કમાન્ડો અને ગઢચિરોલી પોલીસ ટીમ માટે રૂ. 51 લાખના ઈનામની જાહેરાત કરી હતી.વધુ નક્સલવાદીઓની ઓળખ અને શોધ ચાલી રહી છે. ઈજા પામેલા લોકોમાં સી-60 કમાન્ડો ટીમના સબ-ઈન્સ્પેક્ટર, એક જવાનનો સમાવેશ થાય છે. જોકે આ બંનેની હાલત ગંભીર ન હોવાનું તેમ જ તેમને નાગપુર ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
Reporter: admin