રૂપિયા ફેંકો, તમાશા દેખો
છાણી પોલીસનાં 50 લાખના તોડકાંડમાં વડોદરાના એક વગદાર નેતાનું કનેક્શન ?
નેતાનાં ભત્રીજાની ગોઠવણથી છાણીનાં પીઆઇને બચાવી લેવાયા !
GSFCની એક ખાનગી હોટલમાં મુલાકાત બાદ પીઆઇને બચાવવાનો તખ્તો ઘડવામાં આવ્યો હતો
આ કેસમાં તલસ્પર્શી અને નિષ્પક્ષ તાપસ કરવામાં આવે તો ચોંકાવનારા તથ્યો સામે આવી શકે છે
વગદાર નેતાનાં ભત્રીજાને પીઆઇને બચાવવામાં રસ કે પછી આંગડિયા પેઢીને ?
વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ બેડામાં ચર્ચાના કેન્દ્ર બની રહેલા 50 લાખનો તોડકાંડ હવે નવા વળાંકો લઈ રહ્યો છે. આ કેસમાં હવે રાજકીય કનેક્શનનો રંગ પણ ચઢી ગયો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. બે કોન્સ્ટેબલની બદલી કરીને મામલો સમેટી નાખવામાં આવ્યો હતો. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ સમગ્ર મામલામાં છાણી પોલીસ મથકના પીઆઇ પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ? પી.આઇ સામેના પુરાવા નબળા હતા કે પછી તેના પાછળ કોઈ શક્તિશાળી હાથ હતા? કહેવાય છે કે આ આખા કાંડની પાર્શ્વભૂમિમાં એક વડોદરાના વગદાર રાજકીય નેતાનું કનેક્શન છે.આ નેતા શહેરમાં પોતાના પ્રભાવ અને નેટવર્ક માટે જાણીતા છે.આ નેતાના તેમના ભત્રીજાની ગોઠવણથી જ પીઆઇને બચાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચારેકોર હવે ચકરાવે ચઢી રહી છે.તોડકાડ દરમિયાન જ GSFC પાસે આવેલી એક ખાનગી હોટલમાં યોજાયેલી ગુપ્ત બેઠકમાં પીઆઇને આ કેસમાંથી બચાવની વ્યૂહરચના ઘડાઈ હોવાનું જાણવા મળ્યું છે.બેઠકમાં પીઆઇ અને નેતાના ભત્રીજા વચ્ચે ચર્ચા થઈ અને એ પછી અચાનક જ પીઆઇને બચાવવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો હોવાનું પણ મનાઈ રહ્યું છે.અત્યાર સુધી બહાર આવેલ કેટલીક ચોંકાવનારી વિગતો દર્શાવે છે કે તોડકાંડમાં સંડોવણીના પુરાવા માત્ર કોન્સ્ટેબલ સુધી મર્યાદિત નથી. પોલીસની આંતરિક ચેન ઓફ કમાન્ડમાં કોઈની મદદ વિના આ પ્રકારનું કૃત્ય શક્ય નથી. પરંતુ તપાસના નામે માત્ર બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી અને પીઆઇને જાણીબુઝીને કેસથી દૂર રાખવામાં આવ્યા હતા.ત્યારે સવાલ એ છે કે શું આ કાર્યવાહી માત્ર દેખાવ માટે હતી? ચકચારી તોડકાંડમાં પોલીસની છબીને વ્યાપક નુકશાન થયું છે ત્યારે આ આખા મામલાની તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હજી ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવશે એવી સંભાવના છે? આ આખા મામલે સૌથી મોટો સવાલ એ છે કે નેતાના ભત્રીજાને પીઆઇને બચાવવામાં એટલો રસ કેમ? શું આ માત્ર અંગત સંબંધો અને મિત્રતા માટે હતું કે પછી આંગડિયા પેઢીની સાથેના નાણાકીય હિતો માટે ? કેટલાક સૂત્રો કહે છે કે આંગડિયા પેઢીઓમાં નેતાના ભત્રીજાના હિસ્સો છે અને તોડકાંડ સામે ખુલ્લો હિસાબ આવી જાય તો તેના પર સીધી અસર થઈ શકે છે.વડોદરા શહેરમાં આ ચર્ચા પણ તેજ બની છે કે આંગડિયા પેઢીઓ ઘણીવાર કાળા નાણાં અને રાજકીય સંબંધો વચ્ચેની કડી બની જાય છે. આ કેસ પણ એ જ દિશામાં સંકેત આપે છે. જો તાપસમાં રાજકીય કનેક્શન ખુલ્લા પડી જાય તો ઘણા નામચીન ચહેરાઓ બહાર આવી શકે છે. કદાચ એ જ ભયને કારણે પીઆઇને બચાવવામાં આવ્યા હોય! પોલીસ વિભાગમાં પણ અંદરખાને અસંતોષ છે. ઘણા ષઅધિકારીઓ માને છે કે જો એક કોન્સ્ટેબલ ગુનેગાર છે તો ક્યાંક ને કયાંક પીઆઇની પણ જવાબદારી બને છે.છાણી પોલીસ મથકમાં પીઆઇની ઉપરવટ જઈ કોન્સ્ટેબલોએ આટલો મોટો તોડ કરવાની હિમંત નહિ હોય! જ્યારે નાના કર્મચારીઓ પર તરત કાર્યવાહી થાય છે ત્યારે મોટા પદ પર બેઠેલા અધિકારીઓને બચાવી લેવાય છે. આથી પોલીસ બેડાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિન્હ લાગી રહ્યા છે.બીજી તરફ પોલીસ કમિશનરે આટલી મોટી રકમના તોડકાંડમાં માત્ર બદલી જેવી નાની કાર્યવાહીથી સંતોષ કેમ કર્યો હશે તેવા સવાલો પણ પોલીસબેડામાં જ ગુંજી રહ્યા છે? સાચી તપાસ થશે તો કદાચ માત્ર પીઆઇ જ નહીં પરંતુ પાછળ રહેલા ઘણા નામાંકિત કહેવાતા ચહેરાઓના નામ બહાર આવી શકે છે પણ હવે પ્રશ્ન એ છે કે શું આવી નિષ્પક્ષ તપાસ થશે?
આંગડિયા પેઢી 3.50 કરોડની હેરાફેરીનું લાયસન્સ કોને આપ્યું?
વડોદરાના 50 લાખના તોડકાંડ બાદ હવે આંગડિયા પેઢી પણ સવાલોના ઘેરામાં આવી છે. સામાન્યતઃ નિયમ અનુસાર 20 લાખથી વધુની રોકડ હેરાફેરી કાયદેસર રીતે શક્ય નથી ત્યારે 3.50 કરોડની હેરાફેરી કેવી રીતે થઈ ? શું આ માટે આંગડિયા પેઢી પાસે કોઈ વિશેષ લાયસન્સ છે કે પછી નિયમોની અવગણના કરવામાં આવી છે? આંગડિયા પેઢી લાંબા સમયથી ગુજરાતમાં નાણાકીય હેરાફેરી માટે વિશ્વાસપાત્ર માધ્યમ ગણાય છે. પરંતુ તાજેતરના કિસ્સાઓએ તેમની કાર્યપદ્ધતિ પર શંકાના વાદળો ઘેરાયા છે. કાયદેસર મર્યાદા કરતાં ઘણી રકમની હેરાફેરી થતા,પ્રશ્ન ઊભો થાય છે કે શું આ વ્યવસાયના છત્ર હેઠળ કોઈ મોટી ગેરકાયદે પ્રવૃર્તી તો નથી ચાલી રહી ને? કે પછી તંત્રની આંખ આડા કાનની નીતિથી આંગડિયા પેઢીને છૂટોદોર મળી ગયો છે. 3.50 કરોડની હેરાફેરી કરનાર આંગડિયા પેઢીઓ અને ભાગીદારોની પણ સઘન તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
Reporter: admin







