News Portal...

Breaking News :

આજથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદાનો અમલ : નવા કાયદા મુજબ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થાય તેના ૪૫ દિવસમાં ચુકાદો આપવાનો રહેશે

2024-07-01 10:22:35
આજથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદાનો અમલ :  નવા કાયદા મુજબ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થાય તેના ૪૫ દિવસમાં ચુકાદો આપવાનો રહેશે


બ્રિટિશ કાળના આઇપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટ પર પૂર્ણ વિરામ IPC ના સ્થાને ભારતીય ન્યાય, નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષ્ય અધિનિયમ લેશે  
- કોઇ પણ પોલીસ સ્ટેશનમાં ઝિરો એફઆઇઆર કરી શકાશે,   
-દિવ્યાંગો, બાળકો-વૃદ્ધોને પોલીસ ઘરે મદદ પુરી પાડશે
 - બાળકોની તસ્કરી જઘન્ય અપરાધ ગણાશે, મોબ લિન્ચિંગમાં ફાંસીની સજા થશે
- ધરપકડ સમયે ઇચ્છો તેને પોલીસની કાર્યવાહીની જાણકારી આપી શકો છો


નવી દિલ્હી : સોમવારે પહેલી જુલાઇથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ કાયદા અમલમાં આવશે. જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડેંસ એક્ટનો અંત આવશે. જુના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટો સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ નવા કાયદાથી ઝડપથી ન્યાય થશે. ઓનલાઇન પોલીસ ફરિયાદ, ઝિરો એફઆઇઆર, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વીડિયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ ત્રણ કાયદા ભારતીયો દ્વારા ભારતીયો માટે ભારતીય સંસદ દ્વારા તૈયાર કરાયા છે. નવા કાયદા મુજબ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થાય તેના ૪૫ દિવસમાં ચુકાદો આપવાનો રહેશે જ્યારે પ્રથમ સુનાવણીના ૬૦ દિવસમાં આરોપો ઘડવાના રહેશે. બળાત્કાર પીડિતાનું નિવેદન તેના માતા પિતા કે સગા સંબંધીની હાજરીમાં મહિલા પોલીસ અધિકારી દ્વારા રેકોર્ડ કરવામાં આવશે. જ્યારે રેપના કેસમાં મેડિકલ રિપોર્ટ સાત દિવસમાં રજુ કરવાનો રહેશે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધોમાં નવુ ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે, હવેથી બાળકોની ખરીદી અને વેચાણ જઘન્ય અપરાધ ગણાશે. જ્યારે સગીરા પર બળાત્કારના કેસમાં ફાંસી અથવા આજીવન કેદની સજા થશે. જોકે પોક્સો કાયદા હેઠળ હાલ પણ આ સજાની જોગવાઇ છે. 


આ ઉપરાંત આઇપીસીની કલમોને ૫૧૧થી ઘટાડીને નવા કાયદામાં ૩૫૮ કરવામાં આવી છે. કેટલીક કલમોને એકબીજાની સાથે જોડી દેવામાં આવી છે જેથી સંખ્યા ઘટી ગઇ છે. જ્યારે કેટલાક અપરાધો જેમ કે લગ્નના જુઠા વચન આપવા, સગીરા પર ગેંગરેપ, મોબ લિન્ચિંગ, ચેઇન સ્નેચિંગ વગેરે જેવા અપરાધોમાં ફરિયાદ તો થાય છે પણ તે અપરાધને લઇને કોઇ ચોક્કસ જોગવાઇ આઇપીસીમાં નથી, નવા કાયદા ભારતીય ન્યાય સંહિતામાં આ અપરાધો માટે અલગથી જોગવાઇ કરવામાં આવી છે. જેમ કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને તરછોડી દેવી અપરાધ ગણાશે. જ્યારે મોબ લિન્ચિંગના કેસમાં ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. નવા કાયદાઓમાં ટેક્નોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, હવેથી કોઇ પણ પોલીસ સ્ટેશનમાં ઝિરો એફઆઇઆર દાખલ થઇ શકશે જ્યાં ફરિયાદ દાખલ કરાવી હોય તેની હદમાં અપરાધ ના બન્યો હોય તો પણ પોલીસે આ ફરિયાદ દાખલ કરવી પડશે. જ્યારે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનથી પણ ફરિયાદ દાખલ કરાવી શકાશે, આમ થવાથી પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવાની રહેશે. અન્ય એક રસપ્રદ જોગવાઇ ધરપકડને લઇને કરવામાં આવી છે, જ્યારે કોઇની ધરપકડ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબની વ્યક્તિને ધરપકડ સહિતની તમામ જાણકારી આપી શકશે. જેથી મનમાનીથી આડેધડ થતી ધરપકડ અટકશે. ધરપકડ બાદ પોલીસ સ્ટેશને ધરપકડની માહિતી લગાવવાની રહેશે જેથી જેની ધરપકડ કરાઇ હોય તેમના પરિવારજનો તે માહિતી મેળવી શકે. પીડિત મહિલાઓને તેમના કેસોની માહિતી ૯૦ દિવસની અંદર રેગ્યુલર અપડેટ સાથે આપવાની રહેશે.

Reporter: News Plus

Related Post