News Portal...

Breaking News :

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે

2025-08-29 10:22:13
તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે


કોઈનાં સાથ વિના, ફક્ત પોતાનો જ વિકાસ...
ભાજપના યુવા રાજકારણમાં એકલા રહેવાનો નવો ટ્રેન્ડ શરુ થયો 
વડોદરાના નેતાઓની નવી વિચારધારા સ્વયંનો સાથ અને પોતાનો જ વિકાસ



વડોદરા ભાજપના નેતાઓ કોઈપણ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો કે, કાર્યકરો વિના એકલા જ પહોંચી જાય છે 
કહેવાય છે કે, નર્મદા પરિક્રમા કરવી હોય તો એકલા જ નીકળવુ જોઈએ. જો તમે કોઈ સંગી કે સાથીને જોડે રાખશો તો રસ્તામાં એકબીજા સાથે વાતચીતમાં જ સમય વેડફાઈ જશે અને પરિક્રમા દરમિયાન પોતાની જાતને ઓળખવાનો મોકો નહીં મળે. જો, તમારે સ્વયંને ઓળખવો હોય તો એકલા રહેવુ જરુરી છે. આ તો વાત થઈ આધ્યાત્મની...પણ જો કોઈ વ્યક્તિ પોલિટિક્સમાં હોય અને એકલો રહેતો હોય તો સમજી લેવું કે, કાંતો એ કોઈ એવું કામ કરી રહ્યો છે જે જાહેર કરવામાં ખતરો છે. અથવા તો એ સેલ્ફ-સેન્ટર્ડ બની ચુક્યો છે. હાલમાં વડોદરા ભાજપના યુવા નેતાઓમાં એકલા રહેવાની ફેશન જામી છે. આજે એકલતા વિશે લખવાની ઈચ્છા એટલે થઈ કારણ કે, વડોદરા શહેરના ભાજપના રાજનેતાઓના મિજાજ ઝડપથી બદલાઈ રહ્યા છે. એક જમાનો હતો કે, જ્યારે ભાજપનો કોઈ ધારાસભ્ય કે, સાંસદ કોઈ વિસ્તારમાં જતો હોય તો ત્યાંના સંગઠનના હોદ્દેદારો અને કાઉન્સિલરોને એના કાર્યક્રમની આગોતરી જાણકારી આપી દે. જેથી મુલાકાતના સ્થળે એની સાથે એના કાર્યકરો મૌજુદ હોય. પણ આજના સમયમાં વડોદરાના ધારાસભ્ય હોય કે, પછી સાંસદ કોઈ પણ વિસ્તારમાં કોઈને કશું કહ્યા વિના જ એકલા જ પહોંચી જાય છે. તદ્દન એકલા..આશ્ચર્યજનક રીતે એમની સાથે એમના કોઈ દોસ્ત પણ હોતા નથી. ભાજપનાં યુવા રાજકારણમાં એકલા રહેવાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કહેવાય છે કે, એમનો ઈગો આસમાને ચડી ગયો છે અને હવે એમને કોઈપણ કાર્યક્રમમાં બીજાની ઉપસ્થિતિ ગમતી નથી. અને એમાંય પોતાનાથી વધારે પ્રભાવશાળી કાર્યકર અથવા હોદ્દેદારથી તો તેઓ ખાસ અંતર જાળવતા હોય છે. આજના રાજનેતાઓમાં હુંપણું વધારે છે. એક ચુંટણી જીતી લીધા પછી એમનો ઈગો સાતમે આસમાને પહોંચી જાય છે. એમને એમના કાર્યકર્તા તો દૂર અંગત મિત્રો પણ નડવા લાગે છે. કોઈ એમને દોસ્તીના ભાવથી હકથી મળે તે એમને ગમતું નથી. જેવી રીતે ઘરનો દીકરો મોટો થઈ જાય એટલે એને માતા-પિતાના વિચારો અને એમની સંગત ઓછી ગમે છે. તેવી જ રીતે આજના યુવા રાજનેતાઓની પણ કંઈક એવી જ સ્થિતિ છે. ઈલેક્શન પહેલા જે નેતાને તમે બહિર્મુખી માનતા હો છો તે જ નેતા ઈલેક્શન જીત્યા પછી અંતરમુખી બની જતો હોય છે. કહેવાય છે કે, એમના મનમાં જાતજાતના ગણિત ચાલતા હોય છે અને તેની ચર્ચા બહાર ના થઈ જાય એટલે એ પોતાની જાતને એકલો પાડી દે છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે, ગણેશોત્સવ દરમિયાન નેતાઓને ગણેશ મંડળો પોત-પોતાને ત્યાં આરતી માટે બોલાવતા હોય છે. આ વખતે પણ મોટાભાગના નેતાઓ કાર્યકરોને સાથે રાખવાને બદલે આરતી કરવા માટે એકલા જ પહોંચી જવાના છે. સ્વાભાવિક છે કે, એમને પોતાના સિવાય બીજા કોઈને આદર કે, સત્કાર મળે તે જોઈ શકાતુ નથી. અને તેને લીધે જ તેઓ એકલા જ નીકળશે.છેલ્લા કેટલાક વર્ષોથી નેતાઓ એકલા ફરવાથી ટેવાયા છે. સામાપક્ષે કાર્યકરો પણ હવે એમની દરકાર રાખતા નથી. કોઈ સ્વાર્થી નેતા સાથે જઈને આત્મસન્માનને ઠેસ પહોંચાડવા કરતા કાર્યકરો પણ હવે એમનાથી દૂરી બનાવી રહ્યા છે અને પોતપોતાના કામધંધામાં વ્યસ્ત રહેવા માંડ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ જેવી રીતે ભારતમાં વિભક્ત કુટુંબોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ વિભક્ત નેતાઓની સંખ્યામાં પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. અહીં સૌનો સાથ સૌનો વિકાસની વિચારધારા નામશેષ થઈ રહી છે અને સ્વયંનો સાથ અને પોતાનો વિકાસની વિચારધારા આગળ વધી રહી છે.

એક સમય એવો હતો કે દિગ્ગજ નેતાઓ આવવાના હોય ત્યારે કાર્યકરો સવારથી જ થનગનતા હતા (ટોપી) 
ગણપતિ બાપ્પા મોરિયા..

દિગ્ગજ ગણાતા નેતાઓને સ્વાગતમાં હવે વોર્ડના કાર્યકરો પણ જોડાતા નથી 



ગણપતિમાં દિગ્ગજ નેતાઓ હવે એકલા અટુલા જાય છે
ગણેશોત્સવનો પ્રારંભ થયો છે અને શહેરમાં ઠેર ઠેર અનેક સ્થળોએ ગણપતિજીની સ્થાપના કરી છે. વડોદરાના મોટાભાગના નેતાઓએ પણ ગણપતિજીની સ્થાપના કરી છે પણ આજે એવા દ્રષ્યો જોવા મળ્યા કે વડોદરા ભાજપમાં અત્યાર સુધી જોવા મળ્યા નથી. વડોદરાના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા તમામ નેતાઓ એટલા અટૂલા બનીને ગણપતિ મહોત્સવમાં મુલાકાત કરતા અને આરતી કરતા નજરે ચડ્યા હતા. કેટલાક નેતાઓએ તો પોતાના ઘેર  શ્રીજીની સ્થાપના કરી હતી પણ તેમાં પણ તે એકલા હતા અને તેમનો પરિવાર હતો. ભુતકાળમાં તો એવા દ્રષ્યો પણ જોવા મળ્યા છે કે નેતાજીનું આગમન કોઇ ગણપતિ પંડાલમાં થવાનું હોય તો વોર્ડનો પ્રમુખ, કાર્યકર અને સ્થાનિક ધારાસભ્ય હાજર હોય. જો ધારાસભ્ય કે શહેર પ્રમુખ ગણપતિ પંડાલમાં જવાના હોય તો વોર્ડ પ્રમુખ અને કાર્યકરો હાજર જ  હોય. એટલે તેમનો વટ હતો અને કાર્યકરોમાં એમનું માન પણ હતું પણ વડોદરાના નેતાઓજી હવે માન સન્માન ગુમાવી ચુક્યા છે અને વોર્ડ લેવલમાં પણ તેમને કોઇ પુછતું નથી એટલે નેતાજી બની ગયેલા એક સામાન્ય કાર્યકર બનીને ગણપતિ પંડાલમાં જાય છે. આરતીમાં હાજરી આપી દે છે. કેટલાક નેતાજીઓએ ભલે પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરી હોય પણ ભુતકાળમાં ઘણા એવા દાખલા છે કે કોઇ દિગ્ગજ ધારાસભ્ય કે સાંસદ કક્ષાના નેતાએ તેમના ઘેર શ્રીજીની પધરામણી કરી હોય તો શહેર પ્રમુખથી માંડીને ધારાસભ્યો અને કાર્યકરો બોલાવ્યા હોય છે અને આ બધા હોંશે હોંશે તે નેતાના ઘરે હાજર હોય છે પણ આજે આવા દ્રષ્યો જોવા મળતા નથી. કારણકે નેતાજી ભલે દિગ્ગજ નેતા ગણાતા હોય પણ તેમના વોર્ડમાં જ તેમને કોઇ પુછતું નથી તો આખા વડોદરાની તો વાત જ શું કરવી. નેતાજીઓએ હવે એવી મોડસ ઓપરેન્ડી વાપરી છે કે આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તે એકલા જ હવે તો શ્રીજીના પંડાલમાં જઇ રહ્યા છે એટલે કોઇ ટિકીટની મગજમારી તો ના કરે. પણ એક વાત ચોક્કસ છે કે વડોદરાના આ વખતના શ્રીજીના મહોત્સવમાં પહેલા દિવસે જ વડોદરાના દિગ્ગજ નેતાઓ ગણાતા નેતાજીઓનું ટાંય ટાંય ફિસ્સ થઇ ગયું છે. ભલે આમ આ નેતાજીઓ ગમે તેટલી હોંશિયારી મારે પણ એક વાત ચોક્કસ છે કે કાર્યકરોમાં તેમના માન સન્માન જેવું રહ્યું નથી. કોઇ દિગ્ગજ નેતા કે જે સાંસદ કે ધારાસભ્ય કે શહેર પ્રમુખની કક્ષાનો હોય અને તે જે તે વોર્ડમાં શ્રીજીનાં પંડાલમાં દર્શન કરવા આવવાનો હોય. તો તે વોર્ડનો પ્રમુખ અને કાર્યકર સવારથી જ થનગનતો હોય છે અને જ્યારે આ નેતાજીની એન્ટ્રી પડે ત્યારે ખરેખર સામાન્ય જનતાને લાગે છે કે કોઇ મોટા નેતા આવ્યા છે પણ હવે તો આવા દિગ્ગજ ગણાંતા નેતાઓ ક્યારે શ્રીજીના દર્શન કરીને જતા રહે છે તેની સામાન્ય જનતાને પણ ખબર પડતી નથી. દિગ્ગજનેતા પણ તમેની સાથે સંગઠનના પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર કે કાર્યકર્તા ને સાથે રાખતા નથી કે આવતા નથી એ પ્રશ્ન છે. કારણ કે વોર્ડના કાર્યકરોની સાથે સામાન્ય જનતા પણ આ કહેવાતા દિગ્ગજ નેતાને ગણકારતી નથી. વડોદરાના સાંસદ, ધારાસભ્યો કે શહેર પ્રમુખ કક્ષાના નેતાઓએ આના ઉપરથી ધડો લેવો જોઇએ કે તેમના વોર્ડ લેવલના કાર્યકરો પણ તેમને હવે ગણકારતા નથી. ચૂંટણી સામે આવી રહી છે જેથી દરેક નેતાજી પોતાનું ધાર્યું કરાવાના પ્રયાસમાં હોય તે સ્વાભાવિક છે પણ તે કેટલા પાણીમાં છે તે તો આગામી ચૂંટણીમાં જોવા મળી જ જશે.

Reporter: admin

Related Post