દરભંગા: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નજર ફિલ્મ સ્ટાર અને સિંગર પર છે. આ અગાઉ ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપમાં રિ-એન્ટ્રી થઈ. હવે જાણીતી સિંગર મૈથિલી ઠાકુર પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
મૈથિલી ઠાકુરે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મૈથિલી ઠાકુરે કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી તેમને મોકો આપે તો તે જરૂર ચૂંટણી લડશે. મૈથિલીએ કહ્યું છે, કે 'હું મારા ક્ષેત્રના લોકો માટે કામ કરવા માંગુ છું. દરભંગા અને મધુબની બંને મારા ઘર જેવા છે. જો ભાજપ મોકો આપે તો અલીનગર અથવા બેનીપટ્ટી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડીશ. બિહારના વિકાસ માટે હવે યુવાનોએ જ આગળ આવવું જોઈએ.' નોંધનીય છે કે ગઇકાલે જ મૈથિલી ઠાકુરે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નિત્યાનંદ રાય તથા ભાજપના પ્રભારી વિનોદ તાવડે સાથે બેઠક કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ હતી.
વિનોદ તાવડેએ કહ્યું હતું કે 1995માં લાલુ યાદવના શાસનમાં મૈથિલી ઠાકુરના પરિવારે બિહાર છોડવું પડ્યું હતું. હવે બદલાતા બિહારમાં તેમનો પરત ફરવાનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે મૈથિલી ઠાકુરની હજુ આ વર્ષે જ 25 વર્ષની થઈ છે. તે મિથિલા સંસ્કૃતિના લોકગીત માટે જાણીતી છે અને સોશિયલ મીડિયામાં મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. 2011માં માત્ર 11 વર્ષની વયે મૈથિલી ઝીટીવીના સારેગામાપા લિટલ ચેમ્સ કાર્યક્રમથી ફેમસ થઈ હતી. તે ત્યારથી ફિલ્મ, ભજન અને લોક ગીતો ગાઈ ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ચૂંટણી પંચે 2024માં લોકસભા ચૂંટણીમાં મૈથિલી ઠાકુરને જન જાગૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.
Reporter: admin







