વડોદરા : શહેરમાં ન્યુ વીઆઇપી રોડ વિસ્તારની દુકાનમાં મીટીંગ કરી સાસરીયા સાથેના કોર્ટ કેસમાં 50 કરોડ મળવાના છે અને મને મદદ કરનારને ડબલ રકમ ચૂકવીશ તેમ કહી 75 લાખની છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે ફરાર મહિલાને 11 મહિના બાદ ઝડપી પાડી છે.
સયાજીપુરામાં રહેતા અને ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર ખાતે પ્રોવિઝન સ્ટોર ધરાવતા કમલેશભાઈ ગુપ્તાએ 11 મહિના પહેલા વારસિયા પોલીસ સ્ટેશનમાં બીના સોની, સુરેશ ઠક્કર અને પ્રવીણ પંચાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.દુકાનદારે કહ્યું હતું કે, સુરેશભાઈ અનાજનું ટ્રેડિંગ કરતા હોવાથી મારે પરિચય હતો. તેઓ બીના સોની નામની મહિલાને દુકાને લાવ્યા હતા. બીનાબેને કહ્યું હતું કે હું વિધવા છું સાસરીયા સાથે કોર્ટમાં કેસ ચાલે છે જેનો ચુકાદો 23-11-23 ના રોજ મારી તરફેણમાં આવી જવાનો છે. મારે વકીલની ફી તેમજ ઇન્કમટેક્સમાં ભરવા રૂપિયાની જરૂર છે.
મને કોર્ટના ચુકાદા બાદ 50 કરોડ મળવાના છે અને જે લોકો મને મદદ કરશે તેમને હું ડબલ રકમ ચૂકવીશ. જેથી દુકાનમાં ભવન ભરવાડ તેમજ અન્ય લોકોને બોલાવી મિટિંગ કરી મહિલાને કુલ 75.60 લાખ ચૂકવ્યા હતા. મહિલાની સાથે આવેલા પ્રવીણ પંચાલે પીએફ ઓફિસર તરીકે ઓળખાણ આપી હતી. પરંતુ હકીકતમાં તેઓ નિવૃત્ત પોલીસ જમાદાર હતા. કોર્ટનો ચુકાદો આવવાનો હતો તે દિવસે ત્રણેયનો સંપર્ક બંધ થઈ ગયો હતો. તપાસ કરતા તેઓ ભાગી ગયા હતા અને આવો કોઈ કોર્ટ કેસ પણ નહીં થયો હોવાનું તેમજ બીના સોનીના પતિએ બીજા લગ્ન કરી લીધા હોય તે હયાત હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ત્રણેય સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
Reporter: admin







