વડોદરા નજીક આવેલા પાદરા તાલુકાનો મુજપુર – ગંભીર બ્રિજ આજથી 12 દિવસ પહેલા અધવચ્ચેથી જ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 20 નિર્દોષનો ભોગ લેવાયો હતો.
જો કે હજી પણ બ્રિજ પરથી પસાર થઇ રહેલા બાઇક ચાલક યુવાન વિક્રમ પઢીયારનો કોઇ પત્તો નથી, તેના પરિવારે પુતળુ બનાવી વિક્રમની અંતિમક્રિયા કરી નાખી પરંતુ હજી પણ પરિવાર તેનો મૃતદેહ મળશે તેવી આશ લગાવી બેઠો છે. બીજી તરફ બ્રિજ પર હજું પણ ટેન્કર લટકી રહ્યું છે. બ્રિજ પર લટકી રહેલા ટેન્કરનું શું થશે તેવો સવાલ હજી લોકોના મનમાં ઉઠી રહ્યો છે. અંકલેશ્વરની શિવમ રોડલાઇન્સનું ટેન્કર છેલ્લા 12 દિવસથી ગંભીરા બ્રિજ પર લટકી રહ્યું છે. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક રવિન્દ્ર કુમારનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે ટેન્કરના માલિક આ દુર્ઘટના બાદ પાદરા, વડોદરા અને આણંદની સરકારી કચેરીઓના ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કારણ કે, ટેન્કર પર 30 લાખની લોન છે અને મહિને રૂ. 82 હજારનો હપ્તો છે. હવે ટેન્કરના પૈડા થંભી ગયા છતાં ગઇકાલે ટેન્કરનો હપ્તો કપાયો છે.મીડિયા સાથેની વાતચીતમાં આણંદ કલેકટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આજે ટેન્કરના માલિક અને ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીને બોલાવ્યાં હતા.
ટેન્કર માલિકની વ્યથા સાંભળી સાથે ઇન્સ્યોરન્સ કંપનીને કહેવામાં આવ્યું છે કે, આ ટેન્કર સ્ક્રેપ થાય તો તેના માલિકને ઇન્સ્યોરન્સની પુરે પુરી રકમ મળી રહે તેવા પ્રયાસો કરાશે, એની માટે કલેકટર તરીકે મારે જે જરૂરી કાર્યવાહી કરવાની હોય તે કરી આપવામાં આવશે. આ મામલે આણંદ-વડોદરા કલેકટર અને ગુજરાત સરકાર સંકલનમાં છે. બ્રિજ પર લટકી રહેલી ટેન્કરનો નિકાલ કંઇ રીતે કરવો તે માટે વડોદરા R & B વિભાગની મિકેનિલ, ટેકનિકલ અને એક્સપર્ટની ટીમો આજે સ્થળ પર પહોંચી છે. આ આખો મામલો ટેકનિકલ હોવાથી તેનું નિરાકણ ટેકનિકલી જ લાવી શકાશે, ટેન્કર કાઢવા માટે હાઇ સ્પીડ રેલવે, આર્મી અને એલ.એન્ડ.ટી પાસેથી પણ ઓપીનિયન લીધા હતા. જેમાં હાલના સમયે બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને બહાર કાઢવા માટે કોઇ પણ વજનદાર ક્રેઇનનો ઉપયોગ કરવો જોખમી સાબીત થઇ શકે છે. જેથી આર એન્ડ બી વિભાગની મિકેનિકલ, ટેકનિકલ અને એક્સપર્ટ ટીમ આગામી એક બે દિવસમાં કોઇ ચોક્કસ નિર્ણય કરશે.
Reporter:







