ફાયર બ્રિગેડની ૮ બોટો અને બીજા સાધનોનું
થર્ડ પાર્ટી ઈન્સપેક્શન કોણે અને ક્યારે કર્યું ?..
ન્યુ લાઈટ સેફ્ટી સોલ્યુશન નામના વેન્ડરે વડોદરા કોર્પોરેશનને સેફ્ટી ડિપોઝિટ પેટે કેટલી રકમ જમા કરાવી હતી ?

જૂન મહિનામાં બિલ મુકાયું અને એ જ મહિનામાં બિલની ચુકવણી થઇ !!
વડોદરા કોર્પોરેશના ફાયર બ્રિગેડની ખરીદી કૌભાંડના પડદા ધીરેધીરે ઉંચકાઈ રહ્યા છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી આશંકા તો છે પણ એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશનનું પણ બરાબર પાલન થયુ છે કે કેમ ? તેની પર પણ શંકા ઉપસ્થિત થઈ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આખુંય કૌભાંડ પૂર્વાયોજિત હોય તેવા પુરાવા ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને હવે, કૌભાંડમાં એસીબી તપાસ શરુ થાય તે પહેલા એમાં શક્ય હોય એટલી વાત છૂપાવવાની કોશિષ શરુ થઈ ચુકી છે. આખાય ખરીદી કૌભાંડમાં સૌથી મહત્વનો રોલ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનારી એજન્સીનો પણ રહ્યો છે. ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીનું ટેન્ડર પાસ કર્યા પછી ન્યુ લાઈટ સેફ્ટી સોલ્યુશન કંપની પાસેથી આંઠ બોટ, આંઠ મોટર અને અન્ય ઈક્વેપમેન્ટની ડિલિવરી મેળવ્યા બાદ એ તમામ સાધનો બરાબર છે કે નહીં ? તેની જાણકારી મેળવવા માટે થર્ડ પાર્ટી ઈન્સપેક્શન કરવું આવશ્યક હતું. વડોદરા ફાયર બ્રિગેડને ટેન્ડર પ્રમાણે બધી જ બોટ અને બીજા ઈક્વેપમેન્ટ મળ્યા પછી નિયમ અનુસાર એનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કોણે કર્યું ? તેની જાણકારી જાહેર કરવામાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અખાડા કરી રહ્યા છે. અને સવાલ એ પણ છે કે, જો ફાયર બ્રિગેડે કરેલી ખરીદીનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન થયુ છે તો પછી એમાં આવેલી બોટમાં કાણા કેવી રીતે પડ્યાં ?
થર્ડ પાર્ટી એજન્સીએ પોતાનું કામ બરાબર ના કર્યુ હોય તો પછી એને કોર્પોરેશને પેમેન્ટ કેમ કર્યું ? એ એજન્સીને કેટલુ પેમેન્ટ, ક્યારે કરવામાં આવ્યું ? તેનો જવાબ આપવા કોઈ આગળ કેમ નથી આવતું ? અહીં સવાલ એ પણ થાય છે કે, વેન્ડરે સપ્લાય કરેલા તમામ સાધનોની એક વર્ષની ગેરન્ટી અથવા વોરન્ટી આપવાની હોય છે. પણ આ કેસમાં ખરીદીના ગણતરીના દિવસોમાં જ બોટમાં કાણાં જોવા મળ્યા હતા ? આવી હલ્કી ગુણવત્તાવાળી બોટોને વડોદરા ફાયર બ્રિગેડને રેસ્ક્યુ માટે સપ્લાય કરવા બદલ સપ્લાયર સામે કોઈએ પગલા કેમ નથી લીધા ? અને લીધા હોય તો શું પગલા લીધા ? તેની જાહેરાત કરવી જોઈએ. ફાયર બ્રિગેડના ખરીદીમાં ટેન્ડર એટલે કે, ન્યુ લાઈટ સેફ્ટી સોલ્યુશન કંપનીએ જેટલી કિંમતનો માલ સપ્લાય કર્યો તેના ત્રણ ટકા રકમ તેણે સેફ્ટી ડિપોઝિટ તરીકે વડોદરા કોર્પોરેશનમાં જમા કરાવવાની હતી. શું ખરેખર આ રકમ સમયમર્યાદામાં કોર્પોરેશનમાં જમા થઈ છે કે કેમ ? તેની જાણકારી પણ અધિકારીઓએ જાહેર કરવી જોઈએ.
વડોદરાની જનતા સાથે ઠગાઈ કરનારા સામે પગલા કેમ નહીં ?
ન્યુ લાઈટ સેફ્ટી સોલ્યુશન નામની સુરતની કંપનીએ વડોદરા કોર્પોરેશનને જ નહીં પણ વડોદરાની ૨૫ લાખ જનતાને ચુનો ચોપડ્યો છે. જેથી આ કંપની સામે પણ ગુનો દાખલ કરવો જરૂરી છે. હકીકતમાં ન્યુ લાઈટ સેફ્ટી સોલ્યુશન નામની કંપની હયાત છે કે પછી ટેન્ડર માટે ઉભી કરવામાં આવી છે ? તેની પણ વિસ્તૃત તપાસ થવી જોઈએ. આ અગાઉ વડોદરા કોર્પોરેશને આ વેન્ડર પાસેથી અન્ય કોઈ ખરીદી કરેલી છે કે કેમ તેની પણ તપાસ કરવી અનિવાર્ય છે. સુરતની આ કંપનીએ વડોદરાને સપ્લાય કરેલી આંઠ બોટ, આંઠ મોટર અને બીજા ઈક્વેપમેન્ટ્સને અનેક ગણાં ભાવે પધરાવી છે. વેન્ડરનું જે એડ્રેસ સુરતનું આપવામાં આવ્યું છે તે એડ્રેસ પણ ઘરનું છે. જેથી જીએસટી કૌભાંડની આશંકા નકારી શકાય તેમ નથી.આવી ધરાર છેતરપિંડી કરનારી કંપની સામે કોર્પોરેશન કોઈ પગલા ના લે તે વડોદરાની જનતા માટે વિશ્વાસઘાત સમાન છે. વડોદરાની જનતાએ ભાજપ પર છેલ્લા ત્રીસ વર્ષથી વિશ્વાસ રાખ્યો છે. છેલ્લા ત્રણ-ત્રણ દાયકાથી વડોદરા કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે છતાંય કોઈ બહારની કંપની વડોદરાની પ્રજાના પરસેવાના પૈસા પડાવી લે તેના માટે જવાબદાર કોણ ? ભાજપે આ મામલાને પોતાની પ્રતિષ્ઠાનો વિષય બનાવીને તેમાં કંપની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ તેવુ વડોદરાની જનતા ઈચ્છી રહી છે.
ડો. શિતલ મિસ્ત્રી માટે કાયદો અલગ છે ?
કહેવાય છે કે, ફાયર બ્રિગેડમાં ખરીદી કૌભાંડ બહાર આવ્યા પછી એના સાધનો અને કાગળોને સીલ કરી દેવામાં આવ્યા છે. જો, આ વાત સાચી હોત તો પછી ફાયર બ્રિગેડના સાધનોને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી પાસે મોકલવામાં કેવી રીતે આવ્યા ? સીલ કોની મંજૂરીથી ખોલાયા ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. ડૉ. શિતલ મિસ્ત્રી દરેક કાયદા કે, કાનૂનથી મોટા છે ? ડૉ. શિતલ મિસ્ત્રી આખાય કૌભાંડની પ્રક્રિયામાં સાથે જ છે? તેમણે સ્થાયીમાં રજૂ થયેલી દરખાસ્ત વખતે જ એના ભાવ સામે સવાલ કેમ ઉભો ના કર્યો ? જે તે સમયે એમની પાસે સત્તા હતી અને તેઓ આવી ખોટી ખરીદીને રોકી પણ શકતા હતા. છતાંય તેમણે ચુપ રહેવાનું મુનાસિબ કેમ માન્યું ? તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે.
ન્યુ લાઈટ સેફ્ટી સોલ્યુશન કંપનીને જલ્દી પેમેન્ટ કરવાની ભલામણ કયા નેતાની હતી ?
ફાયર બ્રિગેડની ખરીદી કૌભાંડમાં મોટામાથાઓની સંડોવણીની આશંકા ઉભી થતાં જ હવે કોર્પોરેશનના તમામ અધિકારીઓ આ મામલામાં કશું બોલવા તૈયાર થતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે પણ ગઈકાલ સુધી જે અધિકારીઓ ફાયર બ્રિગેડનાં સાધનોની ખરીદીની પ્રક્રિયા વિશે બધુ જ બોલતા હતા. તેઓ હવે માહિતી છુપાવવાની કોશિષ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડમાં ખરીદીના નામે થયેલા ભ્રષ્ટાચારમાં ન્યુ લાઈફ સેફ્ટી સોલ્યુશન નામની કંપનીને કહેવાય છે કે, ઝડપથી પેમેન્ટ કરી દેવા કોઈ મોટામાથાએ ભલામણ કરી હતી. હવે, આ મોટુ માથું કોણ છે ? તેની ચર્ચા વડોદરા કોર્પોરેશનમાં થઈ રહી છે.ચીફ એકાઉન્ટનાં કહેવા મુજબ જૂન મહિનામાં બિલ મુકવામાં આવ્યું હતું અને જૂન મહિનામાં બિલની ચુકવણી પાલિકા દ્વારા કરી દેવામાં આવી છે.
સીઇઆઇએલ નામની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાયું હોવાનો દાવો
3.17 કરોડના ખર્ચે ફાયરના સાધનો મંગાવીને આચરાયેલા કૌભાંડને લગતા દસ્તાવેજો સહિત તમામ ચીજો કસ્ટડીમાં લેવાઇ ગઇ છે તેમ શાસક પક્ષનાં એક પદાધિકારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું. આ પદાધિકારીએ દાવો કર્યો હતો કે આ જે સાધનો છે જેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાયું હતું. સીઇઆઇએલ નામની સંસ્થા દ્વારા ખરીદાયેલા આ સાધનોને સર્ટીફાઇડ કરવામાં આવેલા છે. વેન્ડરે શરતો મુજબ સિક્યોરિટી પણ ભરી છે તથા તેણે પેમેન્ટ પણ ચુકવી દીધેલું છે. આ પદાધીકારીએ દાવો કર્યો હતો કે બોટનું સુરસાગર તળાવમાં ટેસ્ટીંગ પણ કરાયેલું છે.
બોટના ઇન્સ્પેક્શનમાં પણ ગોટાળા થયા હોવાનો સનસનીખેજ પર્દાફાશ
કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ભલે દાવો કરતા હોય કે બોટનું ઇન્સ્પેક્શન કરાયેલું છે.પરંતુ જ્યારે સુરસાગરમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે દસની કેપેસિટીની બોટમાં ફક્ત આંઠ જણાને જ બેસાડવામાં આવ્યા હતા.. એ રીતે આ ઇન્સ્પેક્શન પણ ખોટી રીતે થયું છે. આ પ્રમાણે ખોટી રીતે ઇન્સ્પેક્શન કરનારા ટીપીઆઇ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ આ તો સીધો લોકોના રક્ષણ સાથે જોડાયેલો મુદ્દો છે. લોકોની સલામતીના પ્રશ્ને જ્યારે તંત્ર આ પ્રકારે ઇન્સ્પેક્શનમાં પણ ગોટાળા કરે તે ક્યારેય ચલાવી ના લેવાય કારણ કે આખરે તો લોકોને બચાવવા માટેના ઉદ્દેશ્યથી જ બોટ સહિતના સાધનોની કરોડોના ખર્ચે ખરીદી કરાયેલી છે.
Reporter: admin







