પંજાબ,હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારતીય સેનામાં જોડાવું એ ગૌરવની વાત ગણાય છે.ઘણાં પરિવારોની પેઢીઓ લશ્કરમાં હોય અને કુટુંબના સદસ્ય કે સદસ્યો એ સરહદે સહાદત વહોરી હોય તો પણ નવી પેઢી કારકિર્દી તરીકે પહેલી પસંદગી લશ્કરી સેવાને આપે એવો બુલંદ જુસ્સો પ્રવર્તે છે.
ગુજરાતમાં મુખ્યત્વે ક્ષત્રિય પરિવારોએ ભારતીય સેનાને જવામર્દ સૈનિકો અને સેના અધિકારીઓ આપ્યા છે.આદિવાસી અને અનુસૂચિત જાતિ સમુદાય પણ લશ્કરમાં જોડાવામાં અગ્રેસર રહ્યો છે.જો કે સમાજના એક મોટા વર્ગમાં સંતાનો ને લશ્કરી નોકરી માટે પ્રોત્સાહિત ન કરવાનું વલણ અત્યાર સુધી જોવા મળતું હતું.આ નોકરી સાથે સરહદો,બરફના પહાડો અને ધગધગતા રણમાં વિપરીત સંજોગોમાં સરહદની સાચવણી અને જીવનું પ્રત્યેક પળે જોખમ જેવી બાબતો ના ડર થી સંતાનોને આ નોકરીઓ થી વારવાના પ્રયત્નો થતાં હતાં.જો કે હવે સર્વોચ્ય વર્દી હેઠળની નોકરીઓ માટે સમાજના મોટાભાગના વર્ગોમાં અભિગમ બદલાયો છે.લશ્કરી નોકરીઓ માટે પરિવારોમાં ગૌરવની ભાવના વધી રહી છે.સંતાનોને લશ્કરી નોકરી લેતા રોકવાના વલણમાં સુધાર આવી રહ્યો હોય એવું લાગે છે.તાજેતરમાં રાજ્યમાં વડોદરા, આણંદ અને મોડાસા જેવી જગ્યાઓ એ અગ્નીવિર તરીકે સેના માટે લાયક ઠરીને,પહેલી અને પાયાની તાલીમ પૂરી કરીને ઘેર આવેલા બહાદુર અને દેશભક્ત યુવાનોનું અપૂર્વ સન્માન કરવામાં આવ્યું.માત્ર પરિવાર નહિ પણ સમાજના વિવિધ વર્ગો અને ગ્રામજનો/ નગરજનો સન્માનમાં જોડાયા.આ જવાનોની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી.આ ઘટનાઓ ખૂબ જ ઉત્સાહવર્ધક અને વર્દીધારીઓ પ્રત્યે સમાજમાં વધી રહેલી લાગણી દર્શાવે છે.
ગુજરાતે ઘણાં રમખાણો જોયા છે અને આવી દુઃખદ ઘટનાઓ મેદાનમાં લશ્કરી દળો ઉતરે ત્યારે અટકી જાય એવું જોવા મળ્યું છે.જો કે લશ્કરી દળો મૂળ તો સરહદ સાચવવા માટે છે.તો પણ દેશની આંતરિક અશાંતિ ને ઠારવા એમનો કામિયાબ ઉપયોગ થયો છે.લોકશાહી ના આધાર જેવી ભારતીય ચુંટણીઓ ને શાંતિપૂર્વક પાર પાડવા અર્ધ લશ્કરી દળો અને સરહદી વિસ્તારોમાં લશ્કરી દળોની મદદ લેવામાં આવે છે.સેનામાં શિસ્તબધ્ધ માનવ સંપદાનું ઘડતર થાય છે.લશ્કરી અધિકારીઓ અને સૈનિકો ની નિવૃત્તિ પછી પણ વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓ માં સારી માંગ રહે છે અને તેઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવે છે અને સુપેરે અદા થાય છે.સૈનિકો અને સેના અધિકારીઓ અને તેમના પરિવારો થતાં તેમના વ્યવસાય માટે સમાજમાં ઉચ્ચ આદર કેળવાય તે આવકાર્ય છે.એટલે નવા અગ્નિવીરોના સન્માનની આ ઘટનાઓ લશ્કર માટે સમાજમાં વધતી શુભચિંતા દર્શાવે છે. જય હિન્દ.. જય હિન્દ કી સેના...
Reporter: News Plus