News Portal...

Breaking News :

ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઈ એલર્ટ જાહેર: બે શંકાસ્‍પદ આતંકી ઘૂસી આવ્‍યા

2024-06-26 16:17:17
ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઈ એલર્ટ જાહેર: બે શંકાસ્‍પદ આતંકી ઘૂસી આવ્‍યા


પંજાબના સરહદી જિલ્લા ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમને બે શંકાસ્‍પદ આતંકવાદીઓ ઘૂસી આવ્‍યા હોવાની માહિતી મળી છે.


આ લોકો પઠાણકોટમાં ઘૂસ્‍યા છે. આ રિપોર્ટ બાદથી જ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યુ છે. આં.રા. સરહદ પાસે સ્‍થિત ગામ કોટ બાઠિયાંના એક ગ્રામીણે કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે મેં મારા ફાર્મ હાઉસ પાસેથી ચહેરા ઢાંકેલા બે લોકોને પસાર થતા જોયા છે. બંને ભારે હથિયારોથી સજ્જ હતા. ગ્રામીણે પોલીસને કહ્યું કે, તેઓએ મને બંદૂક બતાવીને ડિનર તૈયાર કરવામાં માટે કહ્યું. રાત્રિભોજન કર્યા બાદ તેઓ ઘરની બહાર નીકળી ગયા અને પઠાણકોટ તરફ આગળ વધ્‍યા હતા.પોલિસે આ ગ્રામીણની માહિતી શેર નથી કરી. આ મામલે માહિતી મળ્‍યા બાદ પઠાણકોટના એસએસપી સુહૈલ કાસિમ મીરે તાત્‍કાલિક વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી. 


આ ઉપરાંત ગુરદાસપુરમાં પણ વહીવટી તંત્રએ બેઠક કરીને સ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. જિલ્લા એસપી હરીશ દાયમાએ પોલીસ લાઇન્‍સમાં તમામ પોલીસ સ્‍ટેશનના પ્રમુખોની બેઠક બોલાવી હતી. એક અહેવાલ પ્રમાણે ગુરદાસપુરના તમામ રેલ્‍વે સ્‍ટેશન અને બસ સ્‍ટેન્‍ડ પર ટેસ્‍ટિંગ સઘન તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગુરદાસપુર, ધારીવાલ, દીનાનગરમાં પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે.ગુરદાસપુર-પઠાણકોટ-જમ્‍મુ નેશનલ હાઈવે પર પણ પોલીસનો ચૂસ્‍ત બંદોબસ્‍ત છે. વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. બટાલા પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ મામલાની માહિતી સેના અને બીએસએફ સાથે પણ શેર કરવામાં આવી છે. પઠાણકોટના એરફોર્સ સ્‍ટેશનને પણ એલર્ટ કરી દેવામાં આવ્‍યું છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ૨૦૧૫માં પઠાણકોટમાં ત્રણ આતંકવાદી ઘૂસી આવ્‍યા હતા અને હુમલો કર્યો હતો.

Reporter: News Plus

Related Post