News Portal...

Breaking News :

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી : રાજ્યમાં આગામી 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના

2025-06-19 09:36:35
રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી : રાજ્યમાં આગામી 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના


અમદાવાદ:  બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બુધવારે (18 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 


હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આજે ગુરુવારે (19 જૂન) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ વચ્ચે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વાહનચાલકો અટવાયા હતા. હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ અને 41-61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુંછે.


હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 23 જૂનથી હવામાન બદલાતું જોવા મળે છે.જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.24 જૂને કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વરસાદની સંભવના છે.

Reporter: admin

Related Post