વડોદરામાં સ્વચ્છતામાં પાછળ ધકેલાતું શહેર. મેયર પિંકીબેનના વિસ્તારમાં ગંદકીના ઢગલા
વડોદરાનું કમનસીબ છે કે આવા ઘમંડી મેયર વડોદરાને મળ્યા છે. પોતાનું કામ કરાવવા માટે હંમેશા રીસાઇને પક્ષના વડીલોને માથું નમાવવા મજબૂર કરવા માટે પંકાયેલા મેયર પિંકી સોનીએ તેમના મેયર તરીકેના કાર્યકાળમાં કંઇ પણ ઉકાળ્યું નથી અને તેની આખા વડોદરાને ખબર છે, તેમના કારનામા હંમેશા તે રીસાઇ ગયા હોય કે ઘમંડી મનસ્વી વર્તન કર્યું હોય તેવા જ જોવા મળેલા છે.

મેયરને કેમ જાણે શાનો ઘમંડ છે પણ તે સાચી વાત ક્યારેય સ્વીકારતા જ નથી. જે મેયર પોતાના વોર્ડની સારસંભાળ કે પોતાને વોટ આપનારા મતદારોની સારસંભાળ રાખી શકતા નથી તેમના પ્રશ્નો ઉકેલી ના શકતા હોય તે મેયર આખા શહેરના કેવી રીતે પ્રશ્નો ઉકેલશે તે મોટો સવાલ છે. મેયરના વોર્ડમાં અનેક સમસ્યા છે જેનાથી લોકો ત્રાસી ગયા છે. મેયર પિંકીબેનના વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. એક તરફ વડોદરા શહેર સતત સ્વચ્છતા રેન્કિંગમાં પાછળ ધકેલાઈ રહ્યું છે.આ જ કારણસર સ્વચ્છતા મિશનના કાર્યક્રમમાં પાછલી પાટલી ઉપર બેસવાનો વખત આવતો હોય છે. મેયર પિંકી સોનીના પોતાના જ વોર્ડમાં કચરાના ઢગલા જોવા મળતા પાલિકા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.વડોદરા શહેર સ્વચ્છતા અભિયાનમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. એવામાં શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકી સોનીના પોતાના જ વોર્ડમાં કચરાના ઢગલા ભરાયેલા જોવા મળ્યા છે. વિસ્તારમાં ગંદકીના કારણે નાગરિકો ભારે પરેશાન થઈ ગયા છે. બીજી તરફ રાજુનગર અને શુભેચ્છા વિસ્તારમાં પાણી છોડાતા ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે નાગરિકો કંટાળી ચૂક્યા છે.મેયરના પોતાના વિસ્તારમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવતા પાલિકા તંત્રના દાવા ખોખલા સાબિત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતની વાત કરે છે ત્યારે વડોદરા શહેર ગંદકીમાં ગરકાવ થતું જતું હોવાનું ચિત્ર સામે આવ્યું છે. વિસ્તારમાં રખડતા ઢોરોનો ઉપદ્રવ વધ્યો છે અને પાલિકા તેમને પકડવામાં પણ નિષ્ફળ ગઈ છે.
મેયર પિંકી સોની પદ પરથી રાજીનામું આપે
શહેરના પ્રથમ નાગરિક હોવા છતાં મેયર પોતાના જ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે સામાજિક આગેવાનો પાલિકાની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે અને મેયર પિંકી સોનીએ રાજીનામું આપવું જોઈએ એવી માંગ પણ કરી રહ્યા છે.
અગાઉ પણ મેયરના વોર્ડમાં નાળું તુટી જવાથી લોકોને પારાવાર તકલીફ પડી રહી હોવાના અહેવાલો બહાર આવ્યા હતા અને ત્યારે પણ સ્થાનિકોએ મેયરની સામે રોષ પ્રગટ કર્યો હતો. અવાર નવાર મેયરના વોર્ડમાં સમસ્યાઓ બહાર આવતી જ રહે છે પણ ઘમંડી મેયર આ સમસ્યાઓને ઉકેલવા સુદ્ધા પ્રયાસ કરતા નથી.
શહેરમાં રોજબેરોજ સફાઈ થતી હોવાના મહિલા મેયરના પોકળ દાવા...
મેયરના જ વોર્ડમાં ગંદકી હોવાના વાતથી વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કીબેન સોની અજાણ છે.વિસ્તારના નાગરિકો સ્વછતાથી વંચિત છે ત્યારે પોતાના વિસ્તારમાં સ્વરછતા રોજબેરોજ થાય તેવા પોકળ દાવા કરવામાં આવ્યા હતા. મહિલાઓ તો સ્વચ્છતાની આગ્રહી હોય છે. પોતાના ઘરમાં કચરાનો એક કણ પણ જોવા ના મળે તેવી ચીવટ દરેક મહિલા રાખતી હોય છે તો મહિલા મેયર હોવાના નાતે પિંકી સોનીએ પોતાના વોર્ડ અને આખા શહેરમાં રોજ સ્વચ્છતા જળવાય અને રોજ સફાઇ થાય તે માટે એડીચોટીનું જોર લગાવવું પડે પણ મેયરે અત્યાર સુધી આવું જોર લગાવ્યું હોય તેવું જોવા મળ્યું નથી.બેન, અત્યાર સુધીમાં કેટલાય મેયર આવ્યા ને ગયા. એકવાર સંગઠન ઘરે બેસાડી દેશે પછી પરત આવવું સંભવ નહિ બને, એટલું ધ્યાન રાખજો. ઘરે બેસીને માળા જપનારા કેટલાય કાર્યકરો-નેતાઓનાં નામો વારંવાર જાહેર કરી ચૂક્યા છીએ,એમને ઘરે જઈને પુછી આવજો.
Reporter: admin







