વિશ્વ હાયપર ટેન્શન દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિને બેઠક સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ઉપક્રમે હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓએ રક્તચાપ, ડાયાબિટીસ ચેકઅપ કરાવ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોમાં હાયપર ટેન્શન જેવી સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. કેમ્પમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણની દેખરેખ હેઠળ વિવિધ પ્રકારના આરોગ્ય ચકાસણીઓ કરાવવામાં આવી હતી. તેમાં બ્લડ પ્રેશર, બ્લડ સુગર, બી.એમ.આઈ., હેમોગ્લોબિન અને હાર્ટ રેટ જેવી મૂળભૂત ચકાસણીઓનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત પોષણ, આહાર અને વ્યાયામના મહત્વ વિશેની માહિતીજનક પેમ્ફ્લેટ વિતરણ કરાયા હતા અને આરોગ્યકર્મીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, સાંસદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અને ચૈતન્યસિંહ ઝાલા, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.

આ કેમ્પમાં કલેક્ટર કચેરીના કર્મચારીઓ સહિત સરકારી કચેરીના અધિકારીઓ અને નાગરિકોએ મળી કુલ ૧૦૦થી વધુ લોકોએ આરોગ્ય ચકાસણી કરાવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચૌહાણે જણાવ્યું કે, હાયપર ટેન્શનનું તાત્કાલિક નિદાન અને નિયંત્રણ આરોગ્ય માટે યોગ્ય સાબિત થઈ શકે છે. ખાસ કરીને ૩૦ વર્ષથી વધુ વયના લોકોમાં નિયમિત ચકાસણી જરૂરી છે. આ અભિયાન ૧૪મી જૂન સુધી ચાલશે. પેટા, પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ગામડાઓમાં પંચાયતો અને સંસ્થાઓના સહયોગથી આ અભિયાન ચલાવાશે. વિશ્વ હાયપર ટેન્શન દિવસ દર વર્ષે તા. ૧૭ મેના રોજ ઉજવવામાં આવે છે, જેમાં લોકોમાં બ્લડ પ્રેશરના જોખમો વિશે માહિતી આપવાનો હેતુ હોય છે. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવેલી આ પહેલ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.




Reporter: admin







