વડોદરા: શહેરના સમા વિસ્તારમાં આવેલ ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી આજે બપોરે એક અજાણ્યો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.

વિશ્વામિત્રી નદીમાંથી મળેલ મૃતદેહ સંપૂર્ણપણે ડીકમ્પોઝ થયેલ હાલતમાં હતો અને તેની હાલત ખૂબ જ નાજુક હતી. ખાસ કરીને મૃતદેહનું માથું ગાયબ હોવાના કારણે ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.વિશ્વામિત્રી નદીમાં તરતો મૃતદેહ સ્થાનિક લોકોએ સૌથી પહેલા જોયો હતો. તીવ્ર દુર્ગંધ આવતાં લોકોનું ધ્યાન આ દિશામાં ગયું હતું અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો.પ્રાથમિક તપાસ મુજબ મૃતદેહ ઘણાં દિવસોથી પાણીમાં પડેલો હોવાની શક્યતા છે. જેના કારણે મૃતદેહ ડીકમ્પોઝથઇ ગયેલી હાલતમાં હોય ઓળખ કરવી મુશ્કેલ બની છે.

પોલીસે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે મૃતદેહની ઓળખ કરવા તથા ઘટનાની હકીકત બહાર લાવવા માટે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મોતના કારણ અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી.અધિકારીઓનું માનવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે જ મોતનું કારણ અને ઘટનાના પરિસ્થિતિઓ સામે આવશે. આ ઘટનાએ સમા વિસ્તારમાં ચકચાર મચાવી છે.

Reporter: admin







