હવે મ્યુ.કોર્પોરેશન અને ઇન્સ્યોરન્સ કંપનીને પણ જવાબદાર ગણશે ?
હોડીકાંડનો મુદ્દો સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો...
સુપ્રીમ કોર્ટમાં, મેસ.કોટીયા પ્રોજેક્ટ પેઢીએ, રાજ્ય સરકાર,વડોદરા મ્યુનિસિલ કોર્પોરેશન, નિઝામા કલ્પેશ તથા ન્યુ સનરાઇઝ સ્કુલને પાર્ટી બનાવી...

વડોદરાની હરણી તળાવ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તળાવના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે જે રૂ.1.2 કરોડથી વધુની વળતર રકમ જમા કરાવી છે, તે રકમ હરણી તળાવમાં 18 જાન્યુઆરી, 2024 ના રોજ થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાર બાળકો અને બે શિક્ષકોના પરિવારજનોને વિતરીત કરવામાં આવે. હવે સવાલ એ છે કે હવે મ્યુ.કોર્પોરેશન અને ઇન્સ્યોરન્સ કંપની પણ જવાબદાર ગણાય ? અરજદારો તરફથી રજૂ થયેલા સિનિયર વકીલે જણાવ્યું હતું કે રૂ.81,99,664 અને રૂ.30,74,880 ની રકમ ડેપ્યુટી કલેક્ટર વડોદરા પાસે જમા કરાવવામા આવી છે અને તે રકમ પીડિત પરિવારજનોને આપી દેવા સામે કોઈ વાંધો નથી. આ નિવેદનના આધારે ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ન અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેન્ચે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને છ અઠવાડિયામાં આ રકમ ચુકવવાનું સૂચન કર્યું હતું. કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ આદેશ અંગે પણ નોંધ લીધી હતી. હાઈ કોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટર પેઢીને લગભગ રૂ.4 કરોડ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આના વિરુદ્ધ પેઢીએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી) અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ્સ તરફે દલીલ કરાઇ હતી કે તળાવ માટે વીમો લેવામાં આવ્યો છે અને વીમા કંપનીને પણ કેસમાં સામેલ કરવી જોઈએ. જોકે, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ વિનંતી નામંજૂર કરી હતી અને હાઇકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભાગીદારોનાં આંતરિક વિવાદો કે વીમા કવરેજ પેઢીની જવાબદારીથી મુક્તિ આપી શકતા નથી. હાઈ કોર્ટે ફેબ્રુઆરી 2025માં આપેલા આદેશમાં પેઢીને રૂ.3.5 કરોડથી વધુની રકમ ચાર હપ્તામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. પ્રથમ 25 ટકા હપ્તો 31 માર્ચ, 2025 સુધી જમા કરાવવાનો હતો. આ નિર્ણય સામે સમીક્ષા અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે તેમના અગાઉના વકીલને વધુ જવાબદારી સ્વીકારવાનો અધિકાર નહોતો. આ સમીક્ષા અરજી પણ 9 મે, 2025ના રોજ હાઈ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. હાઈ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે પહેલા આપેલો આદેશ માત્ર વકીલના નિવેદન પર આધારિત નહોતો અને કોર્ટે તમામ પાસાઓનું સ્વતંત્ર મૂલ્યાંકન કર્યા બાદ પેઢીને જવાબદાર ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ડેપ્યુટી કલેક્ટર, વડોદરા પેઢીની જમા કરેલી રકમ પીડિત બાળકોના માતા પિતા અને શિક્ષકોના પરિવારજનોને વહેંચી આપે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે પેઢીને હાઈકોર્ટમાં પેન્ડિંગ પી.આઈ.એલ. માં તેના ભાગીદારો અને વીમા કંપનીને પક્ષકાર બનાવવા માટે સ્વતંત્રતા આપી છે.
સુપ્રીમે સરકાર પાસે પ્રમાણસર વહેંચણી કરવાનો ઓર્ડર...
કોટીયા પ્રોજેક્ટે 1કરોડ 20 લાખ જમા કરાવ્યા છે. બાકીની રકમ ભરવાની અમારી જવાબદારી નથી. તેવું સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે. હાઇકોર્ટે ના પાડી એટલે તે સુપ્રીમમાં ગયા હતા અને સુપ્રીમે સરકાર પાસે પ્રમાણસર વહેંચણી કરવાનો ઓર્ડર કર્યો
હિતેશ ગુપ્તા, પીડિતના વકીલ

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કહેતા હતા કે ચમરબંધીને નહી છોડાય પણ ચમરબંધીઓ છુટી રહ્યા છે...
ભાગીદારો યેકનેન પ્રકારેણ વળતરમાં પોતાનો ભાગ ઓછો આવે તેવા કાવાદાવા કરે છે. ફેબ્રુઆરીમાં વળતરનો રિપોર્ટ હાઇકોર્ટમાં સબમીટ થયો ત્યારે તેમણે કબુલ્યું કે વળતર આપવા અમે તૈયાર છીએ. અને માર્ચનો પહેલો 25 ટકા હપ્તો જમા કરાવ્યો. પછી રીવ્યુ પીટીશન કરી ફરી ગયા તો હાઇકોર્ટે કડક વલણ અપનાવી તમામ વળતર ચુકવવા બાંહેધરી આપી છે. પછી તેમણે હપ્તા બંધ કર્યા . મે મહિનામાં તેમણે સુપ્રીમમાં જઇને કહ્યું કે અમને સાંભળ્યા વગર ઓર્ડર કર્યો છે. વીમો લીધો છે તેની વાતચીત ચાલે છે કોર્પોરેશન અને સ્કૂલ પણ જવાબદાર છે અમે અમારા ભાગના પૈસા આપવા તૈયાર છીએ. ભાગીદારો વીમા કંપની જોડે વાત ચાલે છે. સુપ્રીમે કહ્યું કે તમે હમણા 25 ટકા રિલીઝ કરો પછી પી.આઇ.એલ.માં હાઇકોર્ટ નક્કી કરશે કે કોણ જવાબદાર છે. હાઇકોર્ટે પહેલા દિવસે જ કહ્યું છે કે કોટીયા બંધુઓએ જ વળતર ચુકવવાનું છે પણ હવે નખરા કરી રહ્યા છે. પોલીસે પણ કોર્ટમાં કહેલું છે કે આરોપી રાજકીય વગ ધરાવે છે અને તે હવે સ્પષ્ટ થઇ રહ્યું છે અને આરોપી છટકબારી કરી રહ્યા છે. તેમની પાસે સુપ્રીમમાં જવાના રુપીયા છે અને મોંઘા વકીલની ફી ચુકવે છે . મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કહેતા હતા કે ચમરબંધીને નહી છોડાય પણ ચમરબંધીઓ છુટી રહ્યા છે. આ તો માત્ર વળતરની માંગ છે પણ હજુ પણ ટ્રાયલ કેસ ચાલુ છે, કેવા કાવાદાવા થશે તે જનતા સમજી શકશે
આશિષ જોશી, કોર્પોરેટર

Reporter: admin







