સાળંગપુરધામ: દેશ-દુનિયામાં દિવાળીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ સાળંગપુરધામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રવિવારે (19મી ઑક્ટોબર) દાદાને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવો દિવ્ય અને ભવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.
આ વખતે હનુમાનજીને સિલ્વર ડાયમંડ વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. કષ્ટભંજનદેવને પહેરાવવામાં આવેલા આ વિશેષ વાઘાનું વજન લગભગ 15 કિલો છે, જેમાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાની સૌથી મોટી વિશેષતા તેમાં થયેલું હીરાનું જડતર છે. વાઘામાં કુલ 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યા છે.
વધુમાં તેમાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનો પણ ઉપયોગ થયો છે. મુગટમાં 7,000 અને મોજડીમાં 3,000 ડાયમંડ જડવામાં આવ્યા છે. આ વાઘાને તૈયાર થવામાં અમદાવાદ અને કોલકાતાના કારીગરો દ્વારા એક વર્ષથી વધુ સમય સુધી કામ કરવામાં આવ્યું હતું.
Reporter: admin







