તેલ અવિવ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝામાં શાંતિ યોજનાનો આખરે સોમવારથી અમલ શરૂ થઈ ગયો છે.
ગાઝાએ આ પીસ પ્લાન મુજબ બે વર્ષ પછી ઈઝરાયેલના બાકીના બધા જ જીવીત ૨૦ બંધકોને છોડી મૂક્યા હતા. તેની સામે ઈઝરાયેલે પણ પેલેસ્ટાઈનનના અંદાજે ૧૯૦૦ જેટલા કેદીઓને છોડવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલમાં બંધકોને છોડવાની પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું. એ જ રીતે પેલેસ્ટાઈનમાં પણ ઈઝરાયેલની કેદમાંથી છૂટેલા નાગરિકો તેમના ઘરે પહોંચતા પેલેસ્ટાઈનમાં પણ પરિવારજનો ભાવુક બની ગયા હતા. આ શાંતિ યોજનાના અમલ માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેષરૂપે મધ્ય-પૂર્વમાં હાજર રહ્યા હતા.
ટ્રમ્પ સોમવારે ઈઝરાયેલની સંસદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઈઝરાયેલના નાગરિકોને પેલેસ્ટાઈનને અગલ દેશ તરીકે માન્યતા આપવા હાકલ કરી હતી.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદમાં જણાવ્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનને માન્યતા આપે અને શાંતિના માર્ગ પર આગળ ધપે. હાલમાં આ સંધિ દ્વારા શાંતિ સ્થાપવાની જે તક મળી છે તે જાળવી રાખે તથા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને શાંતિ તથા સમૃદ્ધિના માર્ગ પર આગળ વધે. ટ્રમ્પે તેની સાથે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધનો અંત આવતા મધ્યપૂર્વમાં શાંતિનો નવો યુગ શરૂ થયો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આખા વિસ્તારે ગાઝાની શાંતિ યોજનાને વધાવી છે. ઇઝરાયેલ વિજેતા થયું છે. તેણે આતંકવાદને ખતમ કર્યો છે. હવે તેની પાસે શાંતિના સ્વરૂપમાં અદભુત તક છે. ગાઝાને ડીમિલિટરાઇઝ્ડ કરવામાં આવશે, હમાસને શસ્ત્રવિહીન કરવામાં આવશે. આમ ઇઝરાયેલની સુરક્ષાને કોઈ ભય નહીં હોય.
Reporter: admin







