ટેનેસી : અમેરિકામાં ટેનેસીમાં ગેસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગુજરાતી ક્લાર્ક મીત પટેલની 10 લાખ ડોલરની લોટરીની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
તેણે લોટરીનું બીજાનું ઈનામ પોતે લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લોટરી વિજેતાને લોટરી લાગી નથી તેવું ખોટું કહીને લોટરીની ટિકિટ ચોરતા કેમેરા કેદ થયો હતો. લોટરી વિજેતાએ મુરફીસબોરોમાં શેલના સ્ટેશન પર 23 વર્ષીય મીત પટેલ પાસેથી 20 ડોલરની ડાયમંડ અને ગોલ્ડ સ્ક્રેચ એમ બે લોટરીની ટિકિટ ખરીદી હતી. તેણે મીત પટેલને ટિકિટ ચેક કરવા આપી હતી. મીત પટેલ તેની એક ટિકિટ પરત કરી હતી અને તેમાં 40 ડોલરનું ઈનામ લાગ્યું હતું. ત્યારબાદ બીજી ટિકિટ પોતાની પાસે હતી જેમા તેને 10 લાખ ડોલરનું ઈનામ લાગી ચૂક્યું હતું.
મીત પટેલે વિજેતાને ખોટું જણાવ્યું હતું કે તેને કોઈ ઈનામ લાગ્યું નથી.આ ઘટનાની તપાસ કરતા ડિટેક્ટિવ સ્ટીવ ક્રેગે જણાવ્યું હતું કે, 'મીત પટેલે કોઈ ઈનામ લાગ્યું ન હોવાનું કહેવા સાથે લોટરી વિજેતાની ટિકિટ લઈ કચરા પેટીમાં ફેંકી દીધી હતી. આના પગલે લોટરી વિજેતા જતો રહ્યો હતો, પછી મીતે કચરાના ડબ્બામાંથી જ તે લોટરીની ટિકિટ ઉઠાવી લીધી હતી. કેમેરામાં તેની કરતૂત કેદ થઈ હતી. તે ટિકિટ લઈને લોટરીના કમિશન એજન્ટ પાસે ગયો હતો અને લોટરી પોતાની હોવાનો દાવો કર્યો હતો. જોકે તેની ચોરી પકડાઈ હતી અને તેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Reporter: admin