News Portal...

Breaking News :

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે

2025-11-05 14:00:08
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે


પિંક ઓટો રિક્ષાનો પ્રયોગ થકી સ્થાનિક આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને વધુ મજબૂત બનાવે છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા 

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી પાર્ક, કેકટસ ગાર્ડન અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત કરી તમામ પ્રોજેક્ટની વિગતવાર જાણકારી મેળવી



એકતાનગરમાં સ્થાનિક આદિવાસી બહેનો દ્વારા સંચાલિત પિંક ઓટોમાં સવારી કરીને બહેનો સાથે સંવાદ કર્યો
મંત્રીએ મુલાકાત દરમિયાન વિવિધ પ્રાંતના પ્રવાસીઓ સાથે સહજ સંવાદ સાધી પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અંગેના નાગરિકોના પ્રતિભાવ મેળવ્યા 
રાજપીપળા, બુધવાર :- ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા આજે નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રીશ્રીએ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, કેકટસ ગાર્ડન, જંગલ સફારી પાર્ક અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક સંસાધનોના સંવર્ધન તેમજ લોકો દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત કરી સંબંધિતો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.એકતાનગરની મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થાનિક આદિવાસી બહેનો દ્વારા સંચાલિત “પિંક ઓ ઓટો”માં સવારી કરી હતી. દરમિયાન મંત્રીએ બહેનો સાથે સંવાદ સાધી બહેનોની આ પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આવા પ્રયોગો આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા બન્નેને મજબૂત બનાવે છે.


SoUની આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ સાધ્યો હતો. પ્રવાસીઓએ ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલી પર્યાવરણ સંવર્ધન માટેની વિવિધ પહેલ અને પ્રવાસી માટે ઊભી કરાયેલી સુવિધાઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. મંત્રીએ કહ્યું કે, આ પ્રકારની પહેલ કુદરત સાથેનું સંતુલિત સહઅસ્તિત્વ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ સમગ્ર મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીશ્રીઓ તથા સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કના સશીકાંત શર્મા મંત્રી સાથે જોડાયા હતા. તેમણે આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ અને જંગલ સફારી પાર્કના વિવિધ પ્રકલ્પોની મંત્રીને જાણકારી આપી આગામી સમયમાં નિર્માણ પામનારા પ્રકલ્પો અંગે વિગતવાર માહિતી આપી કરી હતી. મંત્રીએ સમગ્ર ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં આ પહેલને વધુ વ્યાપક બનાવવા માટે માર્ગદર્શન આપી શુભકામનાઓ પાઠવી હતી.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના પરિસરમાં આવેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટન ક્ષેત્રમાં હાથ ધરાયેલા વિકાસકાર્યો પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો. 


Reporter: admin

Related Post