કપડાં, ખાદ્યચીજોથી માંડી સિમેન્ટ પર થશે વિચાર
ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલિસી પર જીએસટી દૂર થઈ શકે
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે જીએસટીનો સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી મળી હતી.
અમદાવાદ ખાતે ગઈકાલે વિકાસ કાર્યોનો લોકાર્પણ કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી સુધીમાં જીએસટીના દરોમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપવાની જાહેરાત કરી હતી.આ મામલે હવે મોટી અપડેટ આવી છે કે, સરકાર ટેક્સટાઈલ અને ફૂડ પ્રોડક્ટ્સને 5 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવા વિચારણા કરી રહી છે.નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ અંતર્ગત ટેક્સનો બોજો હળવો કરવા ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને કપડાંને 5 ટકાના જીએસટી સ્લેબમાં લાવવા વિચારણા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર અમુક સામાન્ય રૂપે ઉપયોગમાં લેવાતી સેવાઓ પર જીએસટીના દરોનું મૂલ્યાંકન કરી રહી છે. આગામી મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે.
તદુપરાંત સિમેન્ટ સહિત અન્ય ચીજવસ્તુઓ તેમજ સલુન-બ્યૂટી પાર્લર જેવી ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવા પર પણ ચર્ચા થઈ શકે છે. હાલ નાના સલુન જીએસટીમાંથી બાકાત છે. જ્યારે મધ્યમ અને હાઈ કેટેગરીના સલુન પર 18 ટકા જીએસટી લાગુ છે. જેનો સીધો બોજો ગ્રાહકો પર પડે છે. સિમેન્ટ પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાનો પ્રસ્તાવ છે.કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લાંબા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માગ છે. તદુપરાંત વીમા સંગઠનો દ્વારા ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી દૂર કરવાની માગ છે. જેના પર નિર્ણય લેવાઈ શકે છે.
Reporter: admin







