16 નં. વોર્ડમાં જૂથબંધી, પ્રમુખ અને મહામંત્રીએ અલગ-અલગ કાર્યક્રમ યોજ્યા....
કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકરોએ ખેસ ન પહેર્યા, કોર્પોરેટરે ખેસ માત્ર હાથમાં રાખ્યા
વંદે માતરમ્ સમૂહગાનમાં કોર્પોરેટર સહિત કોઈએ ભાજપનો ખેસ પહેર્યો નહીં,
વોર્ડ નં. 16માં પ્રમુખ અને મહામંત્રીએ અલગ કાર્યક્રમો યોજ્યા.રાષ્ટગાન ‘વંદે માતરમ’ને 150 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે શુક્રવારે દેશભરમાં વંદે માતરમનું સમૂહગાનનાં કાર્યક્રમ યોજાયા હતા. વડોદરા શહેરમાં પણ વંદે માતરમનું સમૂહગાન યોજાયું, પરંતુ શહેર ભાજપમાં જૂથબંધી એટલી વકરી ગઈ છે કે એક જ વોર્ડમાં વંદે માતરમ સમૂહગાનના બે કાર્યક્રમો યોજાયા. એક કાર્યક્રમ વોર્ડ પ્રમુખે કર્યો હતો, તો બીજો કાર્યક્રમ વોર્ડ મહામંત્રીએ આયોજન કર્યો હતો. શહેર ભાજપમાં ચાલી રહેલી આંતરિક જૂથબંધી અને હૂંસાતૂસીનું આ ઉત્તમ ઉદાહરણ કહેવાય.ભલે મોદીજીના નામે વડોદરામાં ભાજપ જીતતું રહ્યું હોય, પરંતુ જો વડોદરાના નેતાઓના નામે ચૂંટણી જીતવાની બાબત આવશે, ત્યારે હાલની પરિસ્થિતિમાં આ તમામ નેતાઓની મુશ્કેલી વધશે. આદેશ મુજબ દરેક વોર્ડમાં એક સંયુક્ત વંદે માતરમ કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ જ્યાં છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને જે વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, તે વોર્ડ નં. 16માં ભાજપને બે બેઠક મળી છે.
તેમ છતાં આ જ વોર્ડમાં આંતરિક જૂથબંધીને કારણે બે અલગ અલગ કાર્યક્રમ યોજાયા.વોર્ડ પ્રમુખ નરેશ રબારીએ પરિવાર ચાર રસ્તા પાસે કાર્યક્રમ યોજ્યો હતો, જ્યારે મહામંત્રી વિજય ચૌહાણે તરસાલી વિસ્તારમાં કાર્યક્રમ યોજ્યો હતો. એથી એવું સ્પષ્ટ થાય છે કે બંને પક્ષો અલગ અલગ પેનલ તૈયાર કરવાની દિશામાં પ્રયત્નશીલ છે. ચૂંટણી નજીક આવતાં ભાજપમાં આંતરિક વિખવાદ વધુ સ્પષ્ટ થવા લાગ્યો છે.બીજી તરફ, આ કાર્યક્રમમાં હાજર કોર્પોરેટર સ્નેહલ પટેલ સહિતના તમામ કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો નહોતો. સ્નેહલ પટેલ ખેસ લઈને આવ્યા હતા, પરંતુ તેમણે ખેસ હાથમાં જ રાખ્યો અને પહેર્યો નહોતો. પ્રમુખ અને મહામંત્રીએ પણ ખેસ ન પહેરવાનો નિર્ણય કેમ લીધો, તે બાબત હાલ શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બની છે.આ પ્રકારનાં આયોજનો યુવાનોમાં દેશપ્રેમ તથા રાષ્ટ્રીય ધરોહર પ્રત્યે આદરની ભાવના મજબૂત બનાવે છે. આ ભવ્ય સમૂહગાન માત્ર ઉજવણી ન હતો, પરંતુ આવનારી પેઢીને દેશના મહાન વારસા સાથે જોડવાનો સકારાત્મક પ્રયાસ હતો. તો પણ વોર્ડ નં. 16માં કંઇક જુદો જ માહોલ જોવા મળ્યો હતો.
Reporter: admin







