News Portal...

Breaking News :

ગોરજ:મુનિ સેવા આશ્રમ સંચાલિત કૈલાશ કેન્સર હોસ્પિટલને Best Cancer Hospital for Medical Tourism ૨૦૨૪નો એવોર્ડ મળ્યો

2024-06-15 14:06:09
ગોરજ:મુનિ સેવા આશ્રમ સંચાલિત  કૈલાશ કેન્સર હોસ્પિટલને Best Cancer Hospital for Medical Tourism ૨૦૨૪નો એવોર્ડ મળ્યો


કેન્સર એ જીવલેણ બીમારી છે.પરંતુ શરૂઆતના તબક્કે કેન્સર રોગનું નિદાન થાય તો સમયસરની સારવારથી તે મટી શકે છે. લોકોમાં કેન્સરનું પ્રમાણ વધતાં તેની સારવાર માટે દર્દીઓને અમદાવાદ અથવા તો ગુજરાત બહાર મુંબઈ,દિલ્હી કે દક્ષિણના રાજ્યોમાં જવું પડતું હતું.આ રોગની સારવાર સમય માંગી લે તેવી  હોવાથી દર્દી અને તેમના પરિજનોને ખુબ હાલાકીનો સામનો કરવો પડતો હતો.દૂરની હોસ્પિટલોના ધક્કા, રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં સારવાર જેટલો જ બીજો ખર્ચ થતો.આવા સમયે વડોદરા નજીક આવેલા મુનિ સેવા આશ્રમ ગોરજના સંસ્થાપક સ્વ.અનુબેને ગરીબ દર્દીઓને પડતી પારાવાર તકલીફથી બચાવવા કેન્સર હોસ્પિટલ સ્થાપવા સંકલ્પ કર્યો હતો.


તાજેતરમાં આ હોસ્પિટલને  ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા બેસ્ટ મેડીકલ ટુરિઝમ એવોર્ડ પ્રોગ્રામમાં મુનિ સેવા ગોરજની  કૈલાશ કેન્સર હોસ્પિટલને  "Best Cancer Hospital for Medical Tourism" ૨૦૨૪ નો એવોર્ડ મળ્યો છે.છેલ્લા ૨૨ વર્ષમા આ હોસ્પિટલ અંદાજે ૩૪ લાખથી વધારે દર્દીઓને રાહતદરે સારવાર આપી ચૂકી છે.કેન્સર હોસ્પિટલ બનાવવી એ કોઈ સાધારણ કામ ન હતુ, એના માટે મોટું નાણાકીય ભંડોળ, સારવારના અદ્યતન સાધનોની તકનીકી જાણકારી, નિષ્ણાત ડૉક્ટરો અને અન્ય મદદનીશ સ્ટાફ, બિલ્ડીંગ માટે જગ્યા, અને બીજું ઘણું બધું જોઈએ ! ભગીરથ કાર્ય હતું, અને પાછું કરુણામૂર્તિ બેનને એમની ટીમને એક મેન્ડેટ આપ્યું કે "એવી હોસ્પિટલ બનાવજો કે કદાચ ક્યારેક મને  કેન્સર થાય તો મને ક્યાંય બીજે ન જવું પડે  મારી સારવાર પણ અહીજ થાય." નક્કી થયું વિશ્વકક્ષાની અદ્યતન હોસ્પિટલ બનાવવાનું અને એના અમલીકરણનું બીડું ઝડપ્યું ડો, વિક્રમ પટેલ અને તેમની ટીમે ..ડો.વિક્રમ પટેલ જણાવે છે કે અનુ ના આ સર્વજન સુખાય, સર્વજન હિતાય, અઘરું અભિયાન પૂરું કરવા પરોપકારી દાતાઓ નાણાકીય મદદે આવ્યા. ટેક્નિકલ જાણકારી માટે TMH મુંબઈના ડૉ,શ્રીવાસ્તવ, પૂર્વ ડિરેક્ટર ડૉ પી. પી. દેસાઈ, AIMS દિલ્હીના ડો જી. કે. રથ પણ ગુજરાતના અંતરિયાળ  ગામડામાં હોસ્પિટલના આ સ્વપ્નને પોતાનું સમજી માર્ગદર્શન આપ્યું હતું.સતત ૨૨વર્ષથી ગુરુકૃપા અને માનવીય શ્રધ્ધા, સંકલ્પ, સમર્પણ અને સહયોગના બળે અદ્યતન ટેક્નોલોજી ધરાવતી  કેન્સરની સારવાર માટે જરુરી  સેવાભાવી નિષ્ણાતો સાથે  દર માસે બે હજારથી  વધારે દર્દીને  દાખલ કરી સારવાર કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અંદાજીત ૨૫ હજારથી વધારે દર્દીઓની સારવાર આ હોસ્પિટલ રાહતદરે કરે છે.અત્યાધુનિક મશીન દ્વારા વિવિધ ટેસ્ટ રાહત દરે કરવામાં આવે છે.આ સિવાય કેન્સરના વિવિધ ટેસ્ટ માટે મેડિકલ અને સર્જીકલ,  રેડિયોલોજી,  કિમો થેરાપી,  રેડિયો થેરાપી , બ્રેકી થેરાપી, વગેરે વ્યવસ્થા સાથે  કેન્સરની સારવાર આપવામાં આવે છે. આ સિવાય પેટ સ્કેન, આયોડિન થેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વગેરે પણ સારવાર આ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. 


આ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનો ખર્ચ આયુષ્માન કાર્ડ  ના હોય અથવા ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવે છે જરૂર પડે તો સારા એન.જી.ઓ.ની પણ મદદ લઈ સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે.અહીં દાખલ દર્દીને એક માસથી બે માસ સુધી દાખલ રહેવું પડે છે. જેથી એમના સગાવાલાઓને રહેવા માટે આ સંસ્થા દ્વારા અતિથિ મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ૧૪૫ જેટલા એસી અને નોન એસી રૂમ સંપૂર્ણ રાહત દરે આપી ત્યાંની કેન્ટીનમાં પણ રાહત દરે જમવાનું આપવામાં આવે છે. આ કેમ્પસમાં આધુનિક લેબોરેટરી તથા બ્લડ બેન્ક ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર માત્ર ગુજરાત જ નહિ પરંતુ આપણા પાડોશી રાજ્યો અને ભારત બહારથી આફ્રિકન અને અન્ય દેશોથી આવતા દર્દીઓના રોગની સારવાર સાથે નાણાકીય સહાય, દર્દી અને તેમના પરીવારજનોના માનસિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતી આ હોસ્પિટલ દર્દીઓમાં કેન્સરની સારવારનુ પ્રીતિપાત્ર સ્થળ બન્યુ છે. હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટેક્નોલોજી ધરાવતી અને નિષ્ણાત  તબીબો દ્વારા અપાતી  સારવારની ગુણવત્તા, અહીં આવતા દર્દીઓનો ભરોસો, પારદર્શિતા જેવા કેટલાયે પરિમાણો પર ખરી ઉતરી છે.આ અવૉર્ડ જનસેવાના આપણા સંકલ્પને વધારે મજબૂત બનાવી બમણા ઉત્સાહથી સેવાનું જોમ પૂરું પાડશે. હોસ્પિટલ સાથે જોડાયેલ દરેક ડોક્ટર્સ, સ્ટાફ અને અન્ય સહયોગીઓને દાતાઓ જેમના નિસ્વાર્થ દાન થકી સેવાના સંકલ્પો પુરા થઇ રહ્યા છે.સંસ્થાએ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Reporter: News Plus

Related Post