News Portal...

Breaking News :

મહારાષ્ટ્રમાં પીએન ગાડગીલ જ્વેલર્સ કંપનીની વાનમાંથી 138 કરોડ રૂપિયાના સોનાના દાગીના મળ્યા

2024-10-26 13:36:06
મહારાષ્ટ્રમાં પીએન ગાડગીલ જ્વેલર્સ કંપનીની વાનમાંથી 138 કરોડ રૂપિયાના સોનાના દાગીના મળ્યા


પૂણે : મહારાષ્ટ્રમાં એક તરફ વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર પણ નિષ્પક્ષ ચૂંટણી માટે પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે પૂણેમાં એક કંપનીની વાનમાંથી 138 કરોડ રૂપિયાના સોનાના દાગીના મળી આવ્યા છે. 


મળતી માહિતી અનુસાર તેનું વજન 437 કિલોથી વધુ છે. ચૂંટણી પંચ અને પુણે પોલીસે મળીને આ મોટી રિકવરી કરી છે. પુણેના કલેક્ટર અને ચૂંટણી અધિકારી સુહાસ દીવસે કહ્યું કે આ માત્ર એક તપાસ છે. જેમાં સોનું જપ્ત કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે તે એક કંપનીની વાન હતી જે નિયમિતપણે ઘરેણાંની હેરાફેરી કરે છે. તેની પાસે કાગળો પણ હતા. જોકે, આવકવેરા વિભાગ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે.કલેક્ટરે કહ્યું કે, જો દસ્તાવેજો સાચા જણાશે તો જવેલરી તેમને સોંપવામાં આવશે. જો તેમની પાસે સાચા કાગળો નહીં હોય તો તે જપ્ત કરવામાં આવશે. 


10 લાખથી વધુની કિંમતનો માલ અથવા 1 કિલોથી વધુનું સોનું આવકવેરા વિભાગને સોંપવામાં આવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ સામગ્રીની હિલચાલ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.ચૂંટણી પંચે તમામ ચૂંટણી અધિકારીઓને કિંમતી ધાતુઓ, દવાઓ, રોકડ અને દારૂના પરિવહન પર કડક નજર રાખવા આદેશ આપ્યો છે. જ્યારે આ અંગે પીએન ગાડગીલ જ્વેલર્સ, પુણેના ચેરમેન સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે કેટલીકવાર ગેરસમજ થાય છે. આ માલ કાનૂની મર્યાદામાં લઈ જવામાં આવતો હતો અને તેના બિલ પણ ઈમેલ પર ઉપલબ્ધ છે. આમાં કશું ગેરકાયદે નહોતું.

Reporter: admin

Related Post