નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે મંત્રાલય ફાસ્ટટેગની સાથે એક વધારાની સુવિધાના રૂપમાં પસંદગીના નેશનલ હાઇવે પર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ ટેક્સ વસૂલવાની સિસ્ટમને પ્રાયોગિક ધોરણે લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં આ અંગે માહિતી આપી હતી.એક સવાલના લેખિત જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જીએનએસએસ આધારિત યુઝર ફી કલેક્શન સિસ્ટમના સંદર્ભમાં પાયલટ પ્રોજેક્ટ કર્ણાટકમાં નેશનલ હાઇવે- 275ના બેંગલુરુ-મૈસુર ખંડ અને નેશનલ હાઇ-વે 709ના પાણીપત-હિસાર ખંડ પર લાગુ કરવામાં આવ્યો હતો.ગડકરીએ જણાવ્યું હતું કે 25 જૂન, 2024ના રોજ આંતરરાષ્ટ્રીય વર્કશોપના માધ્યમથી સ્ટેકહોલ્ડર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું અને 7 જૂન, 2024ના રોજ વ્યાપક ઔદ્યોગિક પરામર્શ માટે વૈશ્વિક અભિવ્યક્તિ આમંત્રિત કરાઇ હતી, જેને જમા કરવાની અંતિમ તારીખ 22 જુલાઈ, 2024 હતી.
અન્ય એક સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે એક્સપ્રેસવે/હાઈ સ્પીડ હાઈ-વેની જોગવાઈ સાથે લોજિસ્ટિક્સમાં સુધારો કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટેનો માસ્ટર પ્લાન રોડ મંત્રાલય દ્વારા પીએમ ગતિશક્તિ ફ્રેમવર્ક હેઠળ ઈ-વે બિલ (જીએસટી), ટોલ અને ટ્રાફિક સર્વેના આંકડાઓનું વિશ્લેષણ સાથે પરિવહન મોડલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.તેમણે કહ્યું હતું કે નેશનલ હાઇ-વે પ્રોજેક્ટમાં વિલંબના પ્રાથમિક કારણોમાં જમીન સંપાદન, કાયદાકીય મંજૂરીઓ, અતિક્રમણ દૂર કરવા, કાયદો અને વ્યવસ્થા, કોન્ટ્રાક્ટરની નાણાકીય તંગી, કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને કોવિડ-19 મહામારી, ભારે વરસાદ, પૂર, ચક્રવાત, ભૂસ્ખલન/હિમપ્રપાત વગેરે રહ્યા છે.
Reporter: admin