નવી દિલ્હી : વડા પ્રધાન મોદીએ 18મી એશિયા- પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસ 2024ને સંબોધતા કહ્યું હતું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે.
મારા મિત્ર ઓલાફ શોલ્ઝ ચોથી વખત ભારત આવ્યા છે. આ ભારત અને જર્મની વચ્ચેના સંબંધો પર તેમનું ધ્યાન દર્શાવે છે.તેમણે કહ્યું હતું કે 12 વર્ષ બાદ ભારત જર્મન બિઝનેસની એશિયા-પેસિફિક કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. બીજી તરફ સીઈઓ ફોરમની બેઠક ચાલી રહી છે. અમારી નૌકાદળ પણ સાથે મળીને પ્રેક્ટિસ કરી રહી છે. આ વર્ષ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીનું 25મું વર્ષ છે. હવે આવનારા 25 વર્ષ આ ભાગીદારીને નવી ઊંચાઈઓ આપવા જઈ રહ્યા છે.
પીએમ મોદીએ જર્મનીના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું અને કહ્યું કે ભારતની વિકાસગાથામાં સામેલ થવાનો આ યોગ્ય સમય છે. તેમણે કહ્યું કે આ સમયે રોકાણ માટે ભારતથી સારી કોઈ જગ્યા નથી.તેમણે કહ્યું હતું કે જર્મનીએ સ્કિલ્ડ ભારતીયો માટે દર વર્ષે મળનારા વિઝાની સંખ્યા 20,000થી વધારીને 90,000 કરવાનો નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે આનાથી જર્મનીના વિકાસને નવી ગતિ મળશે. અમારો પરસ્પર વેપાર 30 અબજ ડોલરથી વધુના સ્તરે પહોંચી ગયો છે.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે ભારત લોકશાહી, વસ્તી વિષયક, માંગ અને ડેટાના મજબૂત સ્તંભો પર ઊભું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત રસ્તાઓ અને બંદરોમાં રેકોર્ડ રોકાણ કરી રહ્યું છે અને વિશ્વના ભવિષ્ય માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Reporter: admin