નવી દિલ્હી: ભારતમાં સોલાર પ્રોજેક્ટ માટે અધિકારીઓને લાંચ આપવા તેમજ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી મુદ્દે અમેરિકામાં આરોપો ઘડાયા પછી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી રહી છે.
અમેરિકાના આરોપોની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ માટે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. આવા સમયે ભાજપ નેતા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સંસદના સત્ર અગાઉ ગૌતમ અદાણી સામે અમેરિકા દ્વારા આરોપો ઘડવાના સમય મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકાએ કથિત લાંચ અને છેતરપિંડી બદલ આરોપ ઘડયા છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી મારફત ભારતીય એજન્સીઓ દ્વારા આ કેસની તપાસની માગ કરવામાં આવી છે.
અરજીમાં આરોપ મૂકાયો છે કે અમેરિકન કોર્ટના આરોપો અને એસઈસીની ફરિયાદમાં ગૌતમ અદાણી અને તેમના અધિકારીઓ દ્વારા ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાના ગંભીર આરોપ મૂકાયા છે. ભારતીય તપાસ એજન્સીઓએ આ આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં વકીલ વિશાલ તિવારીએ આ અરજી કરી છે. અગાઉ પણ વિશાલ તિવારીએ અદાણી જૂથ પર હિન્ડનબર્ગના રિપોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓનું નેતૃત્વ કર્યું હતું.અરજીમાં ભારતીય બજાર નિયામક સેબીની કામકાજની રીત પર પણ સવાલ ઉઠાવાયો છે. અરજીમાં તર્ક અપાયો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી પર તપાસ માટે માર્ચ ૨૦૨૩માં સેબીને આદેશ આપવા છતાં તપાસના પરિણામોનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. અરજીમાં માગ કરાઈ છે કે સેબીની તપાસના નિષ્કર્ષ જાહેર કરવામાં આવે જેથી રોકાણકારોનો વિશ્વાસ ફરીથી હાંસલ કરી શકાય.માર્ચ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી જૂથ વિરુદ્ધ સ્ટોકની કિંમતોમાં હેરાફેરી, સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટના નિયમોના ભંગ કર્યો હોવાનો આરોપ મુકાયો છે.
Reporter: admin